(બલરામ, માસ્ટર, ગોપાલની મા, રાખાલ, લાટુ, છોટો નરેન, પંજાબી સાધુ, નવગોપાલ, કાટોવાના વૈષ્ણવ, રાખાલ ડૉક્ટર)

આજે જન્માષ્ટમી. મંગળવાર, તારીખ પહેલી, સપ્ટેમ્બર, ૧૮૮૫.

ઠાકુરને નહાવું છે. એક ભક્ત શરીરે તેલ ચોળી આપે છે. ઠાકુર દક્ષિણ બાજુની ઓસરીમાં બેસીને તેલ ચોળાવી રહ્યા છે. માસ્ટરે ગંગાસ્નાન કરી આવીને ઠાકુરને પ્રણામ કર્યા. નાહી લીધા પછી ઠાકુર અંગૂછો પહેરીને દક્ષિણાભિમુખ થઈને એ ઓસરીમાંથી જ દેવતાઓને ઉદ્દેશીને પ્રણામ કરે છે. શરીરે ઠીક નથી એટલે કાલી-મંદિરમાં કે વિષ્ણુ-મંદિરમાં જઈ શક્યા નહિ.

આજે જન્માષ્ટમી. રામ વગેરે ભક્તો ઠાકુરને માટે નવાં વસ્ત્રો લાવ્યા છે. ઠાકુરે નવાં વસ્ત્રો પહેર્યાં. વૃંદાવની ધોતિયું અને અંગે લાલ ડગલી. તેમનો શુદ્ધ અપાપવિદ્ધ દેહ નવાં વસ્ત્રોમાં શોભા પામવા લાગ્યો. વસ્ત્રો પહેરીને તરત જ તેમણે દેવતાઓને પ્રણામ કર્યા.

આજે જન્માષ્ટમી. ગોપાલની મા ગોપાલને માટે કંઈક ખાવાનું બનાવીને કામારહાટિથી લાવ્યાં છે. એ આવીને દુઃખી થઈને ઠાકુરને કહેવા લાગ્યાં, ‘તમે તો ખાવાના નહિ!’

શ્રીરામકૃષ્ણ – આમ જુઓ, આ માંદગી આવી છે.

ગોપાલની મા – મારું નસીબ! જરાક હાથમાં લો!

શ્રીરામકૃષ્ણ – તમે આશીર્વાદ આપો.

ગોપાલની મા ઠાકુરને જ ગોપાલ ગણીને સેવા કરતાં.

ભક્તો સાકર લાવ્યા છે. ગોપાલની મા કહે છે, ‘આ સાકર નોબતવાળી ઓરડીમાં લઈ જાઉં છું.’ શ્રીરામકૃષ્ણ કહે છે, ‘અહીં ભક્તોને આપવી પડે. કોણ સો-વાર માગે? અહીં જ ભલે રહી.’

અગિયાર વાગ્યાનો સમય. કોલકાતાથી ભક્તો ક્રમે ક્રમે આવતા જાય છે. શ્રીયુત્ બલરામ, નરેન્દ્ર, છોટો નરેન, નવગોપાલ, કાટોવાથી એક વૈષ્ણવ વગેરે એક પછી એક આવીને એકઠા થયા. રાખાલ, લાટુ આજકાલ ઠાકુરની પાસે જ રહે છે. એક પંજાબી સાધુ પંચવટીમાં કેટલાક દિવસથી છે.

છોટા નરેનના કપાળમાં એક રસોળી છે. ઠાકુર પંચવટીમાં ટહેલતાં ટહેલતાં કહે છે: ‘તું એ રસોળી કપાવી નાખને! એ કંઈ ગળામાં નથી, માથામાં છે. એમાં બીજું થાય શું – કેટલાકના તો વૃષણને પણ કાપી નાખે છે. (હાસ્ય)

પંજાબી સાધુ બગીચાના રસ્તા પર થઈને જઈ રહ્યો છે. ઠાકુર બોલે છે ‘હું એને ખેંચતો નથી. એનો જ્ઞાનીનો ભાવ. જોઉં છું તો જાણે સૂકું લાકડું!’

ઠાકુર ઓરડામાં પાછા આવ્યા છે. શ્યામાપદ ભટ્ટાચાર્યની વાત ચાલે છે.

બલરામ – એ કહે છે કે નરેન્દ્રને જેવી રીતે છાતીએ પગ મૂકતાં (ભાવ-અવસ્થા) થયેલ, તેમ મને તો એવું થયું નહિ.

શ્રીરામકૃષ્ણ – તમને ખબર છે? કામિની-કાંચનમાં મન લાગેલું હોય, એટલે વિખરાયેલું મન એકઠું કરવું કઠણ. એને મધ્યસ્થી કરવી પડે છે, એમ એણે જ કહ્યું છે. તેમ વળી ઘેર છોકરાંઓની બાબતમાં પણ ચિંતા કરવી પડે છે. નરેન્દ્ર વગેરેનાં મન તો વિખરાયેલાં નથી. એમની અંદર હજી સુધી કામિની-કાંચન પેઠાં નથી.

પરંતુ (શ્યામાપદ) જબરો માણસ!’

કાટોવાનો વૈષ્ણવ ઠાકુરને સવાલ કરે છે. એ વૈષ્ણવ જરાક ત્રાંસી આંખવાળો.

(જન્માંતરનો વિચાર – ભક્તિપ્રાપ્તિ માટે જ મનુષ્યજન્મ)

વૈષ્ણવ – મહાશય, શું ફરી વાર જન્મ થાય?

શ્રીરામકૃષ્ણ – ગીતામાં છે કે મરતી વખતે જે જેનું ચિંતન કરતાં દેહ છોડે તેને એ ભાવ લઈને દેહ લેવો પડે. હરણનું ચિંતન કરતાં કરતાં મરવાથી ભરત રાજાને હરણનો જન્મ મળ્યો હતો.

વૈષ્ણવ – એ પ્રમાણે થાય એ તો કોઈ નજરે જોઈને કહે તો માનવામાં આવે.

શ્રીરામકૃષ્ણ – એ ખબર નથી બાપુ. હું તો મારો રોગેય મટાડી શકતો નથી; ત્યાં વળી મૂવા પછી શું થાય એ ખબર!

‘તમે કહો છો એ બધી હલકી બુદ્ધિની વાતો. ઈશ્વરમાં કેમ ભક્તિ થાય એનો પ્રયાસ કરો. ભક્તિ-પ્રાપ્તિ સારુ જ માણસ થઈને જન્મ્યા છો. બગીચામાં કેરી ખાવા આવ્યા છો, તે કેટલા હજાર ડાળીઓ ને કેટલાં લાખ પાંદડાં એ બધી માહિતીની જરૂર શી? જન્મ-જન્માન્તરના વિચાર!

(ગિરીશઘોષ અને અવતારવાદ! કોણ પવિત્ર? – જેમનામાં શ્રદ્ધાભક્તિ હોય)

શ્રીયુત્ ગિરીશ ઘોષ એક બે મિત્રો સાથે ઘોડાગાડી કરીને આવી પહોંચ્યા. થોડોક પીધો પણ છે. રડતાં રડતાં આવે છે. અને ઠાકુરને ચરણે માથું મૂકીને રડી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ સ્નેહથી તેની પીઠ થાબડવા લાગ્યા. એક ભક્તને બોલાવીને કહે છે કે ‘અરે, આમને હુક્કો ભરી આપ!’

ગિરીશ માથું ઊંચું કરીને હાથ જોડીને બોલે છે ‘તમે જ પૂર્ણ બ્રહ્મ! એ જો ન હોય તો બધું જ ખોટું!’ ‘મોટું દુઃખ રહી ગયું કે તમારી સેવા કરી શક્યો નહિ!’ (આ શબ્દો એ એવા કરુણ સ્વરે બોલ્યા કે એકબે ભક્તો રડી ઊઠ્યા.)

‘વરદાન આપો ભગવાન, કે એક વરસ તમારી સેવા કરું. મુક્તિની પરવા નથી કરતો, પેશાબ કરી દઉં એના ઉપર! આપ બોલો કે હું એક વરસ (આપની સેવા) કરું?’

શ્રીરામકૃષ્ણ – અહીંના માણસો સારા નથી. કોઈ ગમે તેમ બોલે!

ગિરીશ – એ ચાલે નહિ, બોલો.

શ્રીરામકૃષ્ણ – વારુ, તમારે ઘેર જ્યારે આવું.

ગિરીશ – ના, એમ નહિ, આ ઠેકાણે કરું.

શ્રીરામકૃષ્ણ (હઠ જોઈને) – વારુ, એ ઈશ્વરની મરજી.

ઠાકુરના ગળામાં રોગ. ગિરીશ વળી વાતો કરે છે : ‘બોલે કે આરામ થઈ જાઓ! વારુ, હું ઝાડ-ફૂંક કરી દઉં. કાલી! કાલી!’

શ્રીરામકૃષ્ણ – મને લાગશે!

ગિરીશ – આરામ થઈ જા! – ફૂં –

ફૂં – આરામ જો ન થઈ જાય તો. જો મારી એ ચરણે કંઈ પણ ભક્તિ હોય, તો જરૂર આરામ થવાનો! બોલો, આરામ થઈ ગયો છે.

શ્રીરામકૃષ્ણ (નારાજ થઈને) – જાઓ બાપુ, હું એવું બધું બોલી શકું નહિ. રોગ સારો કરવાની વાત માને કહી શકું નહિ.

વારુ, ઈશ્વરની મરજી હશે તો થશે.

ગિરીશ – આ અમને ભુલાવવા માટે! કહો તમારી ઇચ્છાથી!

શ્રીરામકૃષ્ણ – છીઃ, એવી વાત કરવી નહિ.

‘ભક્તવત્ ન ચ કૃષ્ણવત્’ તમે જે ધારો તે તમે ધારી શકો. પોતાના ગુરુ તો ભગવાન. પણ એ બધી વાતો બોલ્યા કરવાથી અપરાધ થાય; એવું બોલાય નહિ.

ગિરીશ – બોલો કે સારું થઈ જશે.

શ્રીરામકૃષ્ણ – ઠીક, જે થયું છે તે જશે.

ગિરીશ પોતાના અંતરના ભાવ પ્રમાણે વચ્ચે વચ્ચે ઠાકુરને સંબોધીને બોલ્યે જાય છે,

‘હેં જી, આ વખતે રૂપ લઈને આવ્યા નહિ કેમ, ભાઈ?’

થોડીક વાર પછી પાછા બોલે છે કે ‘આ વખતે એમ લાગે છે કે બંગાળનો ઉદ્ધાર!’

કોઈ કોઈ ભક્ત વિચાર કરી રહ્યા છે કે બંગાળનો ઉદ્ધાર કે સમસ્ત જગતનો ઉદ્ધાર?

ગિરીશ પાછા બોલ્યે જાય છે, ‘આ (ઠાકુર) અહીં રહ્યા છે શા માટે, કોઈ સમજો છો? જીવોનાં દુઃખથી દુઃખી થઈને આવ્યા છે; તેમનો ઉદ્ધાર કરવાને માટે.’

ગાડીવાળો બૂમ મારતો હતો. ગિરીશ ઊઠીને તેની પાસે જાય છે. શ્રીરામકૃષ્ણ માસ્ટરને કહે છે કે ‘જુઓ તો, એ ક્યાં જાય છે? – પેલાને મારે નહિ!’

માસ્ટર પણ સાથે સાથે ગયા.

ગિરીશ પાછા આવ્યા છે અને ઠાકુરની સ્તુતિ કરીને કહે છે – ‘ભગવાન, મને પવિત્રતા આપો, કે જેથી કદીયે જરા પણ પાપી વિચાર ન આવે.

શ્રીરામકૃષ્ણ – તમે પવિત્ર તો છો. તમારી શ્રદ્ધા-ભક્તિ કેવી છે! તમે તો આનંદમાં છો!

ગિરીશ – જી ના. મન ખરાબ, (મનમાં) અશાંતિ; એટલે ખૂબ દારૂ પીધો.

થોડી વાર પછી ગિરીશ વળી પાછા કહે છે, ‘ભગવાન, હું તો નવાઈ પામી જાઉં છું કે પૂર્ણ બ્રહ્મ ભગવાનની સેવા કરું છું! મેં એવી તે શી તપસ્યા કરી છે કે આ સેવાનો અધિકારી થયો છું!’

બપોરે ઠાકુર જમ્યા. માંદગીને લીધે સાવ થોડું જમ્યા.

ઠાકુરની હંમેશાં ભાવ-અવસ્થા. પરાણે શરીર ઉપર મનને લાવે છે, પરંતુ શરીરની સંભાળ રાખવામાં બાળકની પેઠે અસમર્થ. બાળકની પેઠે ભક્તોને કહે છે કે ‘હમણાં જરા જમ્યો છું, એટલે જરા સૂઉં. તમે જરા બહાર જઈને બેસો.’

ઠાકુર જરા આરામ લઈ રહ્યા છે.

કેટલીક વાર પછી ભક્તો વળી પાછા ઓરડામાં આવીને બેઠા છે.

(ગિરીશઘોષ – ગુરુ જ ઈષ્ટ – બે પ્રકારના ભક્ત)

ગિરીશ – હેં જી, ગુરુ અને ઇષ્ટ. તેમાં ગુરુરૂપ મજાનું લાગે, બીક લાગે નહિ; એમ કેમ, ભાઈ? ભાવ-સમાધિ દેખતાં દસ હાથ દૂર ભાગું! બીક લાગે.

શ્રીરામકૃષ્ણ – જે ઇષ્ટ, તે જ ગુરુરૂપે આવે. શબ-સાધનાની પછી જ્યારે ઇષ્ટ-દર્શન થાય, ત્યારે ગુરુ જ આવીને શિષ્યને કહે કે ‘એય (શિષ્ય), આ (તારા ઇષ્ટ)!’ એમ કહીને ઇષ્ટરૂપમાં લીન થઈ જાય. પછી શિષ્ય ગુરુને દેખી શકે નહિ. જ્યારે પૂર્ણ જ્ઞાન થાય ત્યારે કોણ ગુરુ, કે કોણ શિષ્ય!

‘એ બહુ કઠિન પરિસ્થિતિ ભાઈ, જ્યાં ગુરુ-શિષ્યનો મેળાપ નાઈ.’

એક ભક્ત – ગુરુનું માથું, શિષ્યના પગ.

ગિરીશ (આનંદથી) – હા.

નવગોપાલ – સાંભળો એનો અર્થ : શિષ્યનું માથું એ ગુરુની વસ્તુ, અને ગુરુના પગ એ શિષ્યની વસ્તુ; સાંભળ્યું?

ગિરીશ – ના, એ અર્થ નહિ. બાપની ખાંધે શું છોકરો ચડે નહિ? એટલે શિષ્યના પગ.

નવગોપાલ – એ તો એવું સાવ બેસમજ બાળક હોય તો બને.

(પૂર્વકથા – શીખભક્ત – બે પ્રકારના ભક્ત – વાનરનું બચ્ચું અને બિલ્લીનું બચ્ચું)

શ્રીરામકૃષ્ણ – ભક્તો બે પ્રકારના છે. એક પ્રકારનાનો સ્વભાવ બિલાડીનાં બચ્ચાં જેવો. તેમનો બધો આધાર મા ઉપર. મા જે કરે એ જ. બિલાડીનું બચ્ચું કેવળ ‘મ્યાઉં મ્યાઉં’ કરે.

ક્યાં જવું, શું કરવું વગેરે કંઈ જ જાણે નહિ. તેની મા તેને ક્યારેક ચૂલાની આગમણમાં રાખે, તો ક્યારેક વળી પથારી ઉપર રાખે. આ પ્રકારનો ભક્ત ઈશ્વરને મુખત્યારનામું આપી દે. મુખત્યારનામું દઈને નિશ્ચિંત.

‘શીખો (દક્ષિણેશ્વર કાલીમંદિરનાં દર્શને આવેલા અંગ્રેજ સરકારની શીખ પલટનના સિપાઈઓ) બોલ્યા કે ‘ઈશ્વર દયાળુ!’

મેં કહ્યું કે ‘ઈશ્વર તો આપણો માબાપ, એ વળી દયાળુ શેનો? છોકરાંને જનમ દઈને માબાપ પાલન પોષણ કરે નહિ, તો શું બ્રાહ્મણ શેરીના માણસો આવીને કરવાના? આવા ભક્તની પાકી શ્રદ્ધા હોય કે ઈશ્વર આપણી મા, આપણો બાપ!

‘બીજા એક પ્રકારના ભક્તો છે. તેમનો વાંદરીનાં બચ્ચાં જેવો સ્વભાવ. વાંદરીનું બચ્ચું પોતે જેમ તેમ કરીને માને પકડી રાખે. એમને જરા કર્તાપણાનું ભાન હોય છે. મારે તીર્થયાત્રા કરવી જોઈએ; જપ, તપ કરવાં જોઈએ; ષોડશોપચારે પૂજા કરવી જોઈએ; ત્યારે મારાથી ઈશ્વરને પકડી શકાય. એ લોકોનો મનનો ભાવ એવો.

‘બન્ને પ્રકારના ભક્તો છે. (બેઠેલા ભક્તોને) જેમ જેમ આગળ વધશો તેમ તેમ જોશો કે ઈશ્વર જ બધું થયેલ છે. એ જ બધું કરે છે. એ જ ગુરુ. એ જ ઇષ્ટ. એ જ જ્ઞાન-ભક્તિ વગેરે બધું આપે છે.

(પૂર્વકથા – કેશવસેનને ઉપદેશ – આગળ વધો)

‘જેમ જેમ આગળ વધશો તેમ તેમ જોશો કે ચંદનના વનથીયે આગળ વધુ ઊંચી, વધુ કિંમતી વસ્તુ છે. રૂપાની ખાણ, સોનાની ખાણ, હીરામાણેક! એટલે આગળ વધો.

‘પણ ‘આગળ વધો’ એ વાત હું કહુંય શી રીતે! સંસારી લોકોને, વધુ આગળ વધ્યે સંસાર-બંસાર ફીક્કા થઈ જાય! કેશવ સેન ઉપાસના કરતા હતા. તે બોલ્યા કે ‘હે ઈશ્વર! તમારી ભક્તિ-નદીમાં ડૂબી જઈએ (એવું કરો).’ બધું પતી ગયા પછી મેં કેશવને કહ્યું, કે ‘અરે એય, તમે ભક્તિમાં સાવ ડૂબી જાઓ એ કેવી રીતે બને? સાવ ડૂબી જાઓ તો ચકની પાછળ જેઓ (તેમનાં ઘરનાં બૈરાંઓ) છે તેમનું શું થાય? માટે એક કામ કરો કે વચ્ચે વચ્ચે ડૂબકી મારો, અને ક્યારેક ક્યારેક કાંઠે આવો!’ (સૌનું હાસ્ય).

(વૈષ્ણવનો કચકચાટ – ‘ધારણા કરો’ – સત્યકથા તપસ્યા)

કાટોવાનો વૈષ્ણવ વાદ કરતો હતો. ઠાકુર એને કહે છે કે, ‘તમે કચકચાટ મૂકો. ઘી કાચું હોય ત્યાં સુધી છર્ર્ર્ છર્ર્ કર્યા કરે.’ ‘એક વાર ઈશ્વરી આનંદ જો મળે તો વાદ કરવાની ઇચ્છા નાસી જાય. મધ ખાવાનો આનંદ મળે એટલે પછી મધમાખીનો ગણગણાટ રહે નહિ. ‘ચોપડાં વાંચીને કેટલીક વાતો કરી શક્યે શું વળે? પંડિતો કેટલાય શ્લોકો બોલે, ‘શીર્ણા ગોકુલમણ્ડલી’ ને એવા બધા.

‘ભાંગ, ભાંગ’ મોઢેથી બોલ્યે શું વળે? કોગળો કર્યેય કંઈ વળે નહિ. તેને પેટમાં નાખવી જોઈએ. ત્યારે નશો આવે. એકાંત સ્થાનમાં એકલા એકલા વ્યાકુળ થઈને ઈશ્વરને સમર્યા વિના આ બધી વાતોની ધારણા થાય નહિ.

એટલામાં ડૉક્ટર રાખાલ ઠાકુરને તપાસવા આવ્યા. ઠાકુર જરા અધીરા જેવા થઈને કહે છે, ‘આવો ભાઈ, બેસો.’

પેલા વૈષ્ણવની સાથે વાત ચાલવા લાગી.

શ્રીરામકૃષ્ણ – માણસ અને માન-હુંશ. જેને ચૈતન્ય (જાગૃત) થયું છે, એ જ માન-હુંશ. ચૈતન્ય થયા વિના મનુષ્ય-જન્મ વૃથા!

(પૂર્વકથા – કામારપુકુરમાં ધાર્મિક સત્યવાદી દ્વારા વિવાદને દૂર કરવો)

‘અમારે ત્યાં દેશમાં મોટી ફાંદવાળા અને મોટી મૂછોવાળા કેટલાય માણસો છે. છતાં દસ ગાઉથી સારા માણસને પાલખીમાં બેસાડીને લાવે શા માટે? ધાર્મિક, સત્યવાદી જોઈને. તેઓ ઝઘડા વિવાદ મટાડી દે. જેઓ એકલા પંડિત હોય તેમને બોલાવે નહિ.

‘સાચું બોલવું એ કળિયુગની તપસ્યા.’

‘સત્ય કથન ઔર દીનતા, પરસ્ત્રી માત સમાન.’

ઠાકુર બાળકની પેઠે ડૉક્ટરને કહે છે, ‘બાબુ, મારો આ (રોગ) સારો કરી દો.’

ડૉક્ટર – હું સારો કરવાનો?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – ડૉક્ટર-નારાયણ! હું બધુંય માનું.

(Reconciliation of Free Will and God’s Will – of Liberty and Necessity – ઈશ્વર જ મહાવત નારાયણ)

‘જો કહો કે બધુંય નારાયણ, તો પછી છાનામાના બેસી રહીએ તોય ચાલે! તો હું મહાવત-નારાયણનું કહેવુંય માનું.

‘શુદ્ધ મન અને શુદ્ધ આત્મા એક જ! શુદ્ધ મનમાં જે ઊગે તે ઈશ્વરની જ વાત. ઈશ્વર જ મહાવત-નારાયણ.

‘ઈશ્વરની વાત સાંભળવી નહિ શા માટે? એ જ બધું કરનાર. ‘હું’ એવી ભાવના જ્યાં સુધી તેમણે રાખી છે, ત્યાં સુધી તેમના આદેશ પ્રમાણે કામ કરવું.’

ઠાકુરને ગળાનું દરદ છે. હવે ડૉક્ટર તપાસવા લાગે છે. ઠાકુર કહે છે, ‘મહેન્દ્ર સરકારે જીભ દાબી’તી, તે જેમ ઢોરની જીભ દાબી રાખે!’

ઠાકુર વળી નાના છોકરાની જેમ ડૉક્ટરના પહેરણને વારે વારે હાથ લગાડીને બોલે છે, ‘ડૉક્ટર સા’બ, ડૉક્ટર સા’બ! તમે આટલું આ મટાડી દો.’

Laryngoscope (ગળાની અંદર જોવાનું યંત્ર) જોઈને ઠાકુર હસતાં હસતાં કહે છે, ‘સમજ્યો, આમાં (ગળાનો) પડછાયો પડશે!’

નરેન્દ્રે ગીત ગાયું, પણ ઠાકુરને ઠીક ન હતું એટલે વધુ ગીત ગવાયાં નહિ.

Total Views: 377
ખંડ 50: અધ્યાય 9 : દક્ષિણેશ્વરના મંદિરમાં જન્માષ્ટમીના દિવસે ભક્તો સાથે - સુબોધનું આગમન - પૂર્ણ, માસ્ટર, ગંગાધર, ક્ષીરોદ, નિતાઈ
ખંડ 50: અધ્યાય 11 : શ્રીયુત્ ડૉક્ટર ભગવાન રુદ્ર અને ઠાકુર શ્રીરામકૃષ્ણ