(ઈશ્વર સાથે વાતો – માયાદર્શન – ભક્તો આવતાં પહેલાં એમનાં દર્શન – કેશવને ભાવાવેશે દર્શન – અખંડ સચ્ચિદાનંદ દર્શન અને નરેન્દ્ર – કેદારને દર્શન – પ્રથમ ઉન્માદમાં જ્યોતિર્મય દેહ – પિતાનું સપનું – નાગાજી અને ત્રણ દિવસમાં સમાધિ – ૧૮૫૮ થી ૭૧ ચૌદ વર્ષ સુધી મથુરબાબુએ કરેલ સેવા – કોઠીની અગાસી પર ભક્તજનો માટે વ્યાકુળતા – અવિરત સમાધિ – બધા પ્રકારની સાધના)

ઠાકુર એ બધી વાતો કરતાં કરતાં નાની પાટ પરથી ઊતરી આવીને જમીન ઉપર મહિમાચરણની પાસે બેઠા. પાસે માસ્ટર અને બીજા એક બે ભક્તો. ઓરડામાં રાખાલ પણ છે.

શ્રીરામકૃષ્ણ (મહિમાચરણને) – આપને ઘણાય દિવસ થયાં કહેવાની ઇચ્છા હતી, પણ કહી શકતો ન હતો. આજે કહેવાની ઇચ્છા થાય છે.

‘મારી જે આ અવસ્થા, તે તમે કહો છો કે સાધના કર્યે જ એ પ્રમાણે થાય, એમ નથી. (પોતાના શરીરને દેખાડીને) આની અંદર કંઈક વિશેષ છે.

માસ્ટર, રાખાલ વગરે ભક્તો આશ્ચર્યચકિત થઈને ઠાકુર શું બોલશે તે માટે ઉત્સુક થઈને સાંભળી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ – (ઈશ્વરે) વાત કરી છે! એકલાં દર્શન નહિ, વાતો કરી છે! વટતળા નીચે જોયું કે ગંગાની અંદરથી બહાર આવીને – ત્યાર પછી કેટલું હાસ્ય! રમતને બહાને આંગળીઓના ટચકા બોલાવ્યા. ત્યાર પછી વાતો! (ઈશ્વરે મારી સાથે) વાત કરી છે!

‘ત્રણ દિવસ સુધી રડ્યો છું, અને વેદ, પુરાણ, તંત્ર, એ બધાં શાસ્ત્રોમાં શું છે એ એમણે (ઈશ્વરે) બધું દેખાડી દીધું છે.

‘મહામાયાની માયા એ શું, તે એક દિવસ દેખાડ્યું. ઓરડાની અંદર નાની જ્યોતિ દેખાઈ. તે ક્રમે ક્રમે વધવા લાગી; અને હળવે હળવે આખા જગતને ઢાંકી દેવા લાગી.

‘વળી દેખાડ્યું કે જાણે કે મોટું સરોવર, લીલથી ઢંકાયેલું, હવાથી લીલ જરા ખસી ગઈ, કે તરત પાણી દેખાઈ ગયું. પરંતુ જોતજોતામાં ચારે બાજુની લીલ નાચતી નાચતી આવી અને વળી પાછું પાણી ઢાંકી દીધું! દેખાડ્યું કે પાણી જાણે કે સચ્ચિદાનંદ અને લીલ જાણે કે માયા. માયાને લીધે સચ્ચિદાનંદને જોઈ શકાતો નથી. જો કે ક્યારેક ક્યારેક ચમકારાની પેઠે દેખી શકાય, પણ એને વળી પાછી માયા ઢાંકી દે!

‘કયા પ્રકારનો માણસ (ભક્ત) અહીં આવવાનો છે એ તેના આવવાની પહેલાં ઈશ્વર મને દેખાડી દે. વટતળાથી બકુલતળા સુધી ચૈતન્યદેવની સંકીર્તન-મંડળી દેખાડી. તેમાં બલરામને જોયેલા. નહિતર સાકર વગેરે બધું આપે કોણ? અને આમને જોયા હતા.’

(શ્રીરામકૃષ્ણ, કેશવસેન અને તેમના સમાજમાં હરિનામ અને માના નામનો પ્રવેશ)

‘કેશવ સેનની સાથે મેળાપ થવાની પહેલાં મેં તેને જોયો હતો. સમાધિ અવસ્થામાં જોયો કેશવ સેનને અને તેની મંડળીને. એક મોટો ઓરડો ભરીને માણસો મારી સામે બેસી રહેલા છે. કેશવને દેખાડ્યો કે જાણે એક મોર પોતાની કળા ચડાવીને બેઠેલા છે. એની કળાનાં પીંછાં એટલે તેની મંડળીના માણસો. કેશવના માથામાં જોયો તો લાલ મણિ. એ રજોગુણનું ચિહ્ન. કેશવ પોતાના શિષ્યોને કહી રહ્યો છે કે ‘આ (ઠાકુર) શું કહે છે તે તમે બધા સાંભળો.’ મેં માને કહ્યું, ‘મા, આમનો તો ‘અંગરેજી’ મત, એમને વળી સંભળાવવું શું!’ ત્યાર પછી માએ મને સમજાવ્યું કે આ કળિયુગમાં એ પ્રમાણે થવાનું. ત્યાર બાદ મારી પાસેથી હરિ-નામ અને માતાજીનું નામ-સંકીર્તન કરવાનું એ લોકો શીખી ગયા. એટલે જ તો માએ કેશવની મંડળીમાંથી વિજયને લીધો, પરંતુ આદિ (બ્રહ્મ)-સમાજમાં ગયા નહિ.

કેશવ સેન અને તેની મંડળી

(પોતાને દેખાડીને) ‘આની અંદર (મારી અંદર) કોઈક એક છે. ગોપાલ સેન નામનો એક છોકરો આવતો – ઘણાય દિવસ પહેલાં. આની (મારી) અંદર જે છે તેણે ગોપાલની છાતીએ પગ દીધો. એ ભાવ-અવસ્થામાં બોલવા લાગ્યો કે ‘તમને હજી વાર છે; હું અહીં દુનિયાદારીના લોકો સાથે રહી શકતો નથી.’ – ત્યાર પછી ‘જાઉં છું’ કહીને ઘેર ચાલ્યો ગયો. ત્યાર પછી સાંભળ્યું કે તેણે દેહત્યાગ કર્યો છે. એ જ, મને લાગે છે કે નિત્યગોપાલ.

‘હેરત પમાડે એવાં દર્શનો બધાં થયાં છે. અખંડ સચ્ચિદાનંદ-દર્શન. એની અંદર જોઉં છું તો વચમાં વાડ કરેલી હોય એવા જાણે કે બે વિભાગ. એક બાજુએ કેદાર, ચુની, અને બીજા કેટલાય સાકારવાદી ભક્તો. એ વાડની બીજી બાજુએ લાલ બપોરિયા જેવી જ્યોતિ. એની વચ્ચે બેઠેલ નરેન્દ્ર; સમાધિ-મગ્ન.

‘એને ધ્યાનસ્થ જોઈને કહ્યું, ‘અરે નરેન્દ્ર!’ તેણે સહેજ આંખ ઉઘાડીને જોયું. – હું સમજ્યો કે એ જ એક રૂપે સિમુલિયામાં કાયસ્થનો દીકરો થઈને આવેલો છે. – એટલે મેં માને કહ્યું કે ‘મા, એને માયામાં બદ્ધ કરો. – નહિતર એ સમાધિમાં મગ્ન થઈને દેહત્યાગ કરશે. – કેદાર સાકારવાદી, છાનોમાનો જોઈને ધ્રૂજી ઊઠીને ત્યાંથી ભાગ્યો.’

‘એટલે તો હું વિચાર કરું છું કે આની (મારી) અંદર મા પોતે ભક્તોને લઈને લીલા કરી રહ્યાં છે. જ્યારે પહેલવહેલી (મારી) આવી અવસ્થા થઈ, ત્યારે જ્યોતિને લીધે શરીર ઝગારા મારતું, છાતી લાલ થઈ જતી! ત્યારે પછી મેં કહ્યું કે ‘માતાજી, બહાર પ્રકાશિત થાઓ મા, અંદર ચાલ્યાં જાઓ, અંદર ચાલ્યાં જાઓ!’ એટલે હવે આ શરીર ઝાંખું લાગે છે!

‘જો એમ ન થયું હોત તો માણસો હેરાન કરત. માણસોની મોટી ભીડ જામી પડત – જો એવું જ્યોતિર્મય શરીર રહેત તો! હવે અત્યારે બહાર પ્રકાશ નથી. એથી માલ વિનાના નકામા માણસો ભાગે. જેઓ શુદ્ધ ભક્ત હશે તેઓ જ માત્ર રહેશે. આ ગળાનું દરદ થયું છે શા માટે? – એનો અર્થ આ, કે જેઓની સકામ ભક્તિ હશે તેઓ મારી રોગ અવસ્થા જોઈને ચાલ્યા જવાના.

‘મને ખાંત હતી. – મેં માને કહ્યું હતું, ‘મા, હું ભક્તોનો રાજા થાઉં!’

‘વળી મને મનમાં થયું હતું કે ‘જે માણસ સાચા અંતઃકરણથી ઈશ્વરને બોલાવશે, તેને અહીં (મારી પાસે) આવવું જ પડશે, આવવું જ પડશે!’ જુઓ, એ જ થતું આવે છે – એવા બધા માણસો જ આવે છે!

‘આની (મારી) અંદર કોણ છે એ મારા પિતાજી જાણતા. પિતાજીને ગયામાં સ્વપ્ન આવેલું – તેમાં રઘુવીર બોલે છે કે ‘હું તમારો પુત્ર થઈશ!’

‘આની (મારી) અંદર એ જ છે. કામિની-કાંચનનો સંપૂર્ણ ત્યાગ! એ શું મારો પુરુષાર્થ! સ્ત્રી-સંભોગ સ્વપ્નમાંય થયો નથી!

‘મને નાગાજીએ વેદાન્તનો ઉપદેશ આપ્યો. ત્રણ દિવસમાં જ સમાધિ! માધવીતળા નીચે એ સમાધિની અવસ્થા જોઈને નાગાજી તો નવાઈ પામી જઈને બોલી ઊઠ્યા, ‘અરે, યે ક્યા રે!’ પછીથી એમને સમજાયું કે – આની (મારી) અંદર કોણ છે. ત્યારે એ મને કહે કે ‘તમે મને છોડી દો!’ એ વાત સાંભળીને મને ભાવ-અવસ્થા થઈ ગઈ. – મેં એ અવસ્થામાં કહ્યું, ‘મને વેદાન્તનો અનુભવ થયા વિના તમારાથી જવાશે નહિ.’

‘ત્યારે પછી રાતદિવસ એમની જ પાસે! કેવળ વેદાન્ત! (ભૈરવી) બ્રાહ્મણી કહેતી કે ‘બાબા, વેદાન્ત સાંભળો મા! એથી ભક્તિને હાનિ પહોંચશે.’

‘માને જેવું કહ્યું કે ‘મા, આ શરીરની સંભાળ કેમ કરીને રહેશે? અને સાધુ ભક્તોને લઈને કેમ કરીને રહેવું? માટે એકાદ મોટો માણસ મેળવી આપો!’ એટલે સેજો બાબુ (મથુરબાબુ) એ ચૌદ વરસ સુધી સેવા કરી!

‘આની અંદર જે છે તે આગળથી જ જણાવી દે કે કયા વર્ગનો ભક્ત આવવાનો છે. જેવું દેખાય કે ગૌરાંગ રૂપ સામે આવેલ છે, કે તરત જ સમજી જાઉં કે ગૌરાંગ-ભક્ત આવે છે. જો શાક્ત આવે, તો શક્તિ-રૂપનાં – કાલી-રૂપનાં – દર્શન થાય.

‘(રાસમણિના બંગલાની) અગાસી ઉપરથી સંધ્યા આરતીને વખતે બૂમ પાડતો, ‘અરે, (ભક્તો) તમે કોણ ક્યાં છો? તે આવો! જુઓ, હવે બધા એક પછી એક આવીને મળે છે.

‘આની (મારી) અંદર ઈશ્વર પોતે જ રહેલ છે. જાણે કે પોતે અંદર રહીને આ ભક્તોને લઈને કાર્ય કરી રહ્યો છે.

‘કોઈ કોઈ ભક્તની અવસ્થા કેવી નવાઈ પમાડે એવી! છોટો નરેન, એને કુંભક એની મેળે થાય! વળી સમાધિ! ક્યારેક ક્યારેક તો અઢી કલાક! ક્યારેક એનાથી પણ વધુ! શી નવાઈ!

‘મારાથી બધા પ્રકારની સાધનાઓ થઈ ગઈ છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, હઠયોગ સુધ્ધાં, આયુષ્ય વધારવાને માટે. મારી અંદર એક જણ છે. એમ ન હોય તો સમાધિની પછી ભક્તિ ભક્તો લઈને કેમ રહ્યો છું? કુયારસિંગ કહેતો કે ‘સમાધિ પછી પાછો (ભાનમાં) આવનારો માણસ તો કદી જોયો નથી! તમે જ નાનક!’

(પૂર્વકથા – કેશવ, પ્રતાપ અને કૂક સાહેબ સાથે જહાજમાં – ઈ.સ. ૧૮૮૧)

‘ચારે બાજુ દુનિયાદારીના માણસો; ચારે કોર કામિની-કાંચન. એટલા બધાની વચ્ચે રહીનેય આ અવસ્થા! સમાધિ, ભાવ લાગ્યાં જ રહ્યાં છે! એટલે પ્રતાપ (બ્રાહ્મ-સમાજના શ્રી પ્રતાપચંદ્ર મજુમદાર) – કૂક સાહેબ આવ્યો હતો ત્યારે, વહાણમાં મારી અવસ્થા (સમાધિ અવસ્થા) જોઈને બોલી ઊઠ્યો કે ‘અરે બાપ! જાણે ભૂત વળગેલું છે!’

રાખાલ, માસ્ટર વગેરે આશ્ચર્યચકિત થઈને ઠાકુર શ્રીરામકૃષ્ણના શ્રીમુખમાંથી નીકળતી આ બધી હેરતભરી વાતો સાંભળી રહ્યા છે.

મહિમાચરણ શું ઠાકુરનો ભાવાર્થ સમજ્યા? આ બધી વાતો સાંભળવા છતાંય એ તો કહેવા લાગ્યા કે ‘જી, આપના પ્રારબ્ધને લીધે આવું બધું થયું છે!’ એના કહેવાનો ભાવાર્થ એ કે ઠાકુર એક સાધારણ સાધુ કે ભક્ત. ઠાકુરે પણ એની એ વાતમાં હામાં હા ભણીને કહ્યું કે ‘હા, પૂર્વનાં! જેમ કે શેઠને ઘણાંય મકાન હોય, પણ અહીં તેનું દીવાનખાનું! તેમ ભક્ત ઈશ્વરનું દીવાનખાનું!’

Total Views: 338
ખંડ 50: અધ્યાય 2 : ઠાકુર મુક્ત કંઠ - શ્રીરામકૃષ્ણ શું સિદ્ધ પુરુષ કે અવતાર?
ખંડ 50: અધ્યાય 4 : મહિમાચરણનું બ્રહ્મચક્ર - પૂર્વકથા - તોતાપુરીનો ઉપદેશ