(સ્વપ્નમાં દર્શન કંઈ ઓછું ગણાય? – નરેન્દ્રનું ઈશ્વરીયરૂપદર્શન)

રાતના નવ વાગ્યા. ઠાકુર નાની પાટ ઉપર બેઠા છે. મહિમાચરણની ઇચ્છા છે કે ઓરડામાં ઠાકુરની હાજરીમાં બ્રહ્મ-ચક્રની રચના કરવી. તેમણે રાખાલ, માસ્ટર, કિશોરી અને બીજા બે એક ભક્તોને લઈને જમીન પર ચક્ર કર્યું ને સૌને ધ્યાન કરવાનું કહ્યું. રાખાલને ભાવ-અવસ્થા થઈ છે. ઠાકુર નાની પાટ ઉપરથી ઊતરી આવીને તેની છાતીએ હાથ મૂકીને માતાજીનું નામ લેવા લાગ્યા. રાખાલનો ભાવ સંવરણ થયો.

રાતના એકનો સુમાર. આજે કૃષ્ણ પક્ષની ચૌદશ. ચારે કોર ગાઢ અંધકાર. એકાદ બે ભક્તો ગંગાના પુસ્તા ઉપર એકલા ફરી રહ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ એક વાર ઊઠ્યા છે. એ પણ બહાર આવ્યા અને ભક્તોને કહે છે કે ‘નાગાજી કહેતા કે આવે વખતે, આવી ગંભીર રાત્રે અનાહત શબ્દ સંભળાય!’

પાછલી રાત્રે મહિમાચરણ અને માસ્ટર ઠાકુરના ઓરડામાં જ જમીન પર સૂતેલા છે. રાખાલ પણ કેમ્પ-ખાટમાં સૂતેલ છે.

ઠાકુર પાંચ વરસના છોકરાની પેઠે દિગંબર થઈને ઓરડાની વચમાં આંટા મારી રહ્યા છે.

(સોમવાર, ૧૦મી ઓગસ્ટ, ૧૮૮૫.)

વહેલી સવાર. ઠાકુર માતાજીનાં નામ લઈ રહ્યા છે. પછી પશ્ચિમની ઓસરીમાં જઈને ગંગા-દર્શન કર્યાં. ઓરડાની અંદરનાં દેવદેવીઓનાં જેટલાં ચિત્રો હતાં તે બધાંની સન્મુખે જઈને નમસ્કાર કર્યા. ભક્તો પથારીમાંથી ઊઠીને ઠાકુરને પ્રણામ વગેરે કરીને પ્રાતઃકર્મ કરવા ગયા.

ઠાકુર પંચવટીમાં એક ભક્તની સાથે વાતો કરી રહ્યા છે. તેણે સ્વપ્નમાં ચૈતન્યદેવનાં દર્શન કર્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ (ભાવના આવેશમાં આવીને) – આહા! આહા!

ભક્ત – જી, એ તો સ્વપ્નમાં!

શ્રીરામકૃષ્ણ – સ્વપ્ન શું ઓછું?

ઠાકુરની આંખોમાં પાણી. ગદ્‌ગદ સ્વર!

એક ભક્તની જાગ્રત અવસ્થામાં દર્શનની વાત સાંભળીને ઠાકુર કહે છે, ‘તે એમાં શી નવાઈ! આજકાલ નરેન્દ્ર પણ ઈશ્વરી રૂપ દેખે છે!’

મહિમાચરણ પ્રાતઃકર્મ પૂરું કરીને દેવમંદિરના ચોગાનની પશ્ચિમ બાજુના શિવના મંદિરમાં જઈને, નિર્જન જગાએ વેદમંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા છે.

આઠ વાગવા આવ્યા છે. મણિ ગંગાસ્નાન કરીને ઠાકુરની પાસે આવ્યા. પેલી ‘શોક-મગ્ન’ બ્રાહ્મણી પણ દર્શન કરવા આવી છે.

શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મણીને) – આમને થોડો પ્રસાદ ખાવા આપો તો પૂરીબૂરી. છાજલીની ઉપર છે.

બ્રાહ્મણી – આપ પહેલાં ખાઓ. ત્યાર પછી એમને પ્રસાદ મળશે.

શ્રીરામકૃષ્ણ – તમે પહેલાં જગન્નાથનો ભાત-પ્રસાદ ખાઓ, ત્યાર પછી પ્રસાદ.

પ્રસાદ લઈને મણિ શિવ-મંદિરમાં શિવ-દર્શન કરીને ઠાકુરની પાસે પાછા આવ્યા અને પ્રણામ કરીને રજા લે છે.

શ્રીરામકૃષ્ણ (સ્નેહથી) – ત્યારે તમે આવજો. પાછું કામ ઉપર જવાનું છે.

Total Views: 401
ખંડ 50: અધ્યાય 3 : પૂર્વકથા - ઠાકુર મુક્તકંઠ - ઠાકુર સિદ્ધપુરુષ કે અવતાર?
ખંડ 50: અધ્યાય 5 : મૌનાવલંબી શ્રીરામકૃષ્ણ અને માયા-દર્શન