ઠાકુર શ્રીરામકૃષ્ણ ફરીથી ડૉક્ટરને સંબોધીને બોલ્યા, ‘જુઓ, અહંકાર ગયા વિના જ્ઞાન થાય નહિ. મુક્ત થશો ક્યારે? ‘હું’ મરે ત્યારે. ‘હું અને મારું’ એ બે અજ્ઞાન. ‘તમે અને તમારું’ એ બે જ્ઞાન.
જે ખરો ભક્ત હોય તે કહેશે કે ‘હે ઈશ્વર! તમે જ કર્તા, તમે જ બધું કરો છો, હું માત્ર યંત્ર, મને જેમ કરાવો તેમ કરું; અને આ બધું તમારું ધન, તમારું ઐશ્વર્ય, તમારું જગત, તમારું ઘરબાર-સગાંસંબંધી, મારું કંઈ જ નહિ. હું દાસ; તમારો જેવો હુકમ, તેવી સેવા કરવાનો માત્ર મારો અધિકાર.’
જેઓ થોડાંક ચોપડાં બોપડાં ભણ્યા હોય તેમને તરત અહંકાર આવી જાય. કા – ઠાકુરની સાથે ઈશ્વર સંબંધી વાતો થઈ હતી. તે કહે કે એ બધું તો હું જાણું છું. મેં કહ્યું કે જે દિલ્હી જઈ આવ્યો હોય તે શું ઢોલ પીટતો ફરે કે હું દિલ્હી ગયો હતો, ને અહંકાર કરે? જે શેઠ હોય તે શું કહેતો ફરે કે હું શેઠિયો?’
શ્યામ વસુ – એ (કા… ઠાકુર) આપને ખૂબ માને છે –
શ્રીરામકૃષ્ણ – અરે શું કહું તમને? દક્ષિણેશ્વર કાલી-મંદિરમાં એક ભંગિયાણીનો શો અહંકાર! તેના અંગ ઉપર એક બે ઘરેણાં હતાં. જે રસ્તેથી એ આવતી હતી એ જ રસ્તેથી એક-બે માણસો તેની બાજુમાંથી ચાલ્યા જતા હતા. પેલી ભંગિયાણી તેમના પર તડૂકી ઊઠી કે ‘એય! આઘો હાલ!’ તો પછી બીજા માણસોના અહંકારની તો વાત જ શી કરવી?
શ્યામ વસુ – મહાશય! પાપની શિક્ષા છે અને છતાં ઈશ્વર બધું કરે છે, એ કેવી વાત!
શ્રીરામકૃષ્ણ – તમારી તે કેવી સોની જેવી બુદ્ધિ!
નરેન્દ્ર – સોની જેવી બુદ્ધિ એટલે Calculating – ગણતરીબાજ બુદ્ધિ!
શ્રીરામકૃષ્ણ – અરે પોદીઆ, તું કેરી ખાઈ લે! બગીચામાં કેટલાં સો ઝાડ છે, કેટલી હજાર ડાળીઓ છે, કેટલા કરોડ પાંદડાં છે એ બધા હિસાબનું તારે શું કામ? તું કેરી ખાવા આવ્યો છે તો કેરી ખાઈને ચાલ્યો જા. (શ્યામ વસુને) તમે આ સંસારમાં ઈશ્વરની સાધના સારુ માનવ-જન્મ પામ્યા છો, ઈશ્વરનાં ચરણકમળમાં કેમ કરીને ભક્તિ આવે એનો પ્રયાસ કરો. તમારે એ બધી બાબતોની જરૂર શી છે? ફિલોસોફી લઈને તેનો વિચાર કર્યે તમારું શું વળવાનું હતું? જુઓ, એક પ્યાલી દારૂથી જો નશો ચડીને ગાંડા થઈ શકો તો પછી કલાલની દુકાનમાં કેટલાં પીપ દારૂ છે એ હિસાબની તમને કંઈ જરૂર ખરી?
ડૉક્ટર – અને ઈશ્વરનો infinite – અખૂટ! એ દારૂનો અંત નહિ.
શ્રીરામકૃષ્ણ (શ્યામ વસુને) – ઈશ્વરને મુખત્યારનામું આપી દો, અને ઈશ્વર પર બધો ભાર મૂકી દો. સારા માણસ પર જો કોઈ ભાર મૂકે તો તે શું અન્યાય કરે? પાપની સજા દેવી કે ન દેવી એ ઈશ્વર જાણે.
ડૉક્ટર – ઈશ્વરના મનમાં શું, એ ઈશ્વર જ જાણે. માણસ ગણતરી કરીને શું કહે? ઈશ્વર બધી ગણતરીથી પર!
શ્રીરામકૃષ્ણ (શ્યામ વસુને) – તમારા લોકોની આ એક વાત! કોલકાતાના લોકો કહે કે ‘ઈશ્વરમાં વૈષમ્ય-દોષ! કારણ કે તેમણે એક જણને સુખમાં રાખ્યો છે અને બીજાને દુઃખમાં રાખ્યો છે!’ આ સાલાઓ (લોકો) પોતાની અંદર જેવું હોય, તેવું જ ઈશ્વરની અંદર પણ દેખે.
(લોકમાન્યતા શું એ જીવનનો ઉદ્દેશ?)
હેમ અહીં (દક્ષિણેશ્વરે) આવતો. તે જ્યારે મને મળતો ત્યારે કહેતો, ‘કેમ ભટ્ટાચાર્ય મહાશય, આ જગતમાં મેળવવા જેવી એક જ વસ્તુ છે, અને તે માન! કેમ ખરું ને? ઈશ્વરનાં દર્શન કરવાં એ માનવ-જીવનનો ઉદ્દેશ એ બહુ થોડા લોકો કહે!




