આજ ગુરુવાર, આસો વદ છઠ; ૨૯મી ઓક્ટોબર, ઈ.સ. ૧૮૮૫. દસ વાગ્યાનો સમય. ઠાકુર બીમાર છે. કોલકાતાના શ્યામપુકુરમાં આવીને રહેલા છે. ડૉક્ટર તેમની સારવાર કરે છે. ડૉક્ટરનું ઘર શાંખારી ટોલામાં. ત્યાં ડૉક્ટરની સાથે ઠાકુર શ્રીરામકૃષ્ણનો એક ભક્ત-સેવક વાત કરી રહ્યો છે. ઠાકુરને હંમેશાં કેમ રહે છે, એ સમાચાર લઈને તેને રોજ આવવું પડે છે.
ડૉક્ટર – જુઓ બિહારી (ભાદુડી)ની એક વિચિત્ર વાત! કહે કે (જર્મન ફિલસૂફ) Goethe’s spirit ગેટેનું સૂક્ષ્મ શરીર બહાર નીકળ્યું, અને (Goethe) એ જ દેખે છે! કેવી અદ્ભુત વાત!
માસ્ટર – પરમહંસદેવ કહે છે કે એ બધી વાતોની આપણને શી જરૂર? આપણે પૃથ્વી પર આવ્યા છીએ એટલા સારુ, કે જેથી ઈશ્વરનાં ચરણકમલમાં આપણને ભક્તિ પ્રાપ્ત થાય. એ કહે છે કે એક જણ એક બગીચામાં કેરી ખાવા ગયો હતો. તે એક કાગળ અને પેન્સિલ લઈને કેટલાં ઝાડ, કેટલી ડાળી, કેટલાં પાંદડાં વગેરે ગણી ગણીને લખી લેવા લાગ્યો. બગીચાના એક માણસ સાથે મેળાપ થતાં તે માણસે પૂછ્યું, ‘તમે શું કરો છો? અને અહીં આવ્યા છો શું કામ?’ ત્યારે પેલા માણસે જવાબ આપ્યો કે ‘અહીં કેટલાં ઝાડ, કેટલી ડાળીઓ, કેટલાં પાંદડાં છે એ બધું ગણું છું. અહીં આવ્યો તો છું કેરી ખાવા!’ બગીચાના માણસે કહ્યું કે ‘કેરી ખાવા આવ્યો છો તો કેરી ખાઈને જાઓ; આટલી સો ડાળી ને આટલા હજાર પાંદડાં, એ બધાનું તમારે કામ શું?’
ડૉક્ટર – પરમહંસે સાર લીધો છે, એ જોઈ શકું છું.
ત્યાર પછી ડૉક્ટર તેમની હોમિયોપથી ઇસ્પિતાલ સંબંધે ઘણીયે વાતો કરવા લાગ્યા. કેટલા દરદીઓ રોજ આવે તેનું રજિસ્ટર દેખાડ્યું ને કહેવા લાગ્યા કે ડૉક્ટર સાલજારે અને બીજા કેટલાયે તેને પ્રથમ નિરુત્સાહ કર્યા હતા, તેઓ ઘણાય માસિક-પત્રોમાં તેની વિરુદ્ધ લખતા વગેરે.
ડૉક્ટર ગાડીમાં બેઠા. માસ્ટર સાથે બેઠા. ડૉક્ટર જુદા જુદા રોગીઓને જોતાં જોતાં ફરવા લાગ્યા. પહેલાં ચોરબાગાન, ત્યાર પછી માથાઘસા ગલી, ત્યાર પછી પાથુરીઆઘાટા. બધા દરદીઓને તપાસવાનું થઈ રહ્યા પછી ઠાકુર શ્રીરામકૃષ્ણને જોવા જવાના. ડૉક્ટર પાથુરીઆઘાટાના એક ઠાકુર કુટુંબને ઘેર ગયા ત્યાં જરા વિલંબ થયો. ગાડીમાં પાછા આવીને વળી વાત કરવા લાગ્યા.
ડૉક્ટર – આ બાબુની સાથે પરમહંસની વાત થઈ. થિયોસોફીની વાત. કર્નલ આલકોટની વાત. પરમહંસ આ બાબુની ઉપર ખિજાયેલા. શા માટે ખબર છે? આ બાબુ કહે કે ‘હું બધું જાણું છું!’
માસ્ટર – ના, ખિજાયેલા કેમ હોય? સાંભળ્યું છે કે એક વાર ઠાકુર સાથે એમની મુલાકાત થઈ હતી. પરમહંસદેવે ઈશ્વરસંબંધી વાત કરી હતી, ત્યારે એમણે કહ્યું હતું કે ‘એ બધું હું જાણું છું.’
ડૉક્ટર – આ બાબુએ (સાયન્સ ઓસોસિયેશનને) સાડી બત્રીસ હજાર રૂપિયા આપ્યા છે.
ગાડી ચાલવા લાગી. બડાબજારમાં થઈને જાય છે. ડૉક્ટર ઠાકુરની સેવાની વ્યવસ્થા સંબંધે વાત કરવા લાગ્યા.
ડૉક્ટર – તમારી સહુની શું ઇચ્છા છે કે એમને દક્ષિણેશ્વર મોકલવા?
માસ્ટર – ના, એથી ભક્તોને બહુ જ અગવડ પડશે. કોલકાતામાં રહેવાથી હંમેશાં જઈ આવી શકાય, જોઈ શકાય.
ડૉક્ટર – એમાં તો ખરચ ઘણું થાય છે!
માસ્ટર – ભક્તોને માટે કશું કષ્ટ નથી. જેથી કરીને તેઓ સેવા કરી શકે, એ જ પ્રયાસ કરે છે. ખરચ તો અહીં થાય છે ને ત્યાંય છે. ત્યાં જવાથી હંમેશાં જોઈ શકાય નહિ, એ જ ચિંતા.




