સમય લગભગ દસ સાડા દસ વાગ્યાનો. માસ્ટર ડૉક્ટર સરકારને ઘેર ગયા છે. રસ્તા ઉપર બીજે માળે દીવાનખાનાની ઓસરી. ત્યાં ડૉક્ટરની સાથે ખુરશી પર બેસીને વાતો કરી રહ્યા છે. ડૉક્ટરની સામે કાચના એક મોટા પાત્રમાં પાણી ભરેલું છે, તેમાં લાલ માછલીઓ ગેલ કરી રહી છે. ડૉક્ટર વચ્ચે વચ્ચે એલચીનાં ફોતરાં પાણીમાં ફેંકતા જાય છે. વચ્ચે વચ્ચે ઘઉંના લોટની ગોળીઓ વાળીને ખુલ્લી અગાસી તરફ ચકલીઓને ખાવા સારુ ફેંકતા જાય છે. માસ્ટર એ જુએ છે.

ડૉક્ટર (માસ્ટરને, હસીને) – આમ જુઓ, આ લાલ માછલી મારા સામે જોઈ રહી છે. પણ પેલી બાજુએ જે એલચીનાં ફોતરાં પાણીમાં ફેંકી રાખ્યાં છે એ જોતી નથી. એટલે કહું છું કે એકલી ભક્તિથી શું વળે, જ્ઞાન જોઈએ. (માસ્ટરનું હાસ્ય). આમ જુઓ, ચકલીઓ ઊડી ગઈ ઘઉંના લોટની ગોળીઓ ફેંકી એટલે. તેમને એ જોઈને ભય થયો. એમને ભક્તિ તો થઈ નહિ, કારણ કે જ્ઞાન નથી. જાણતી નથી કે એ ખાવાની ચીજ છે.

ડૉક્ટર દીવાનખાનાની અંદર આવીને બેઠા. ચારે બાજુએ કબાટમાં સ્તૂપની જેમ હારબંધ પુસ્તકો. તેઓ જરા આરામ લે છે. માસ્ટર પુસ્તકો જુએ છે અને એક પુસ્તક લઈને વાંચે છે. આખરે થોડી વાર Canon Farrar’s Life of Jesus. કેનન ફેરાર રચિત ‘ઈસુનું જીવન ચરિત્ર’ વાંચે છે.

ડૉક્ટર વચ્ચે વચ્ચે વાતો કરતા જાય છે. કેટલી મુશ્કેલીઓ વેઠીને હોમીયોપેથિક ઇસ્પિતાલ થઈ હતી. એ બધી ઘટનાઓ સંબંધી કાગળ પત્ર વાંચવાનું કહ્યું. અને કહ્યું કે એ બધો પત્રવ્યવહાર ૧૮૭૬ની સાલના ‘કોલકાતા જર્નલ આૅફ મેડિસિન’માં મળી આવશે. ડૉક્ટરનો હોમિયોપથી ઉપર ખૂબ પ્રેમ.

માસ્ટરે બીજી એક ચોપડી બહાર કાઢી છે, Munger’s New Theology – મંગરનું નવું ધર્મ-વિજ્ઞાન. એ ડૉક્ટરે જોયું.

ડૉક્ટર – Munger (મંગરે) સરસ તર્કયુક્તિ ઉપર સિદ્ધાંત બાંધ્યો છે. આ તમારા ચૈતન્યે અમુક વાત કહી છે, કે બુદ્ધે કહી છે કે ઈસુ ખ્રિસ્તે કહી છે, માટે માનવી જોઈએ એમ નહિ.

માસ્ટર (હસીને) – ચૈતન્ય કે બુદ્ધ નહિ, તો આ Munger – મંગર સાહેબ!

ડૉક્ટર – એ તમને ઠીક લાગે તેમ કહો.

માસ્ટર – ગમે તે પણ એક જણે તો કહ્યું છે ને? તો પછી સિદ્ધ થયું કે આ. (મંગર પોતે). (ડૉક્ટરનું હાસ્ય).

ડૉક્ટર ગાડીમાં બેઠા. માસ્ટર પણ સાથે જ બેઠા છે. ગાડી શ્યામપુકુર તરફ જઈ રહી છે. સમય બપોરનો. બેઉ જણા વાતો કરતાં કરતાં જઈ રહ્યા છે. ડૉક્ટર ભાદુડી પણ વચ્ચે વચ્ચે ઠાકુરને તપાસવા જાય છે. તેમની વાત નીકળી.

માસ્ટર (હસીને) – આપને વિશે ભાદુડી કહે છે કે આપે ઈંટ પથરાથી શરૂ કરવું પડશે?

ડૉક્ટર – એ શું?

માસ્ટર – મહાત્મા, સૂક્ષ્મ શરીર વગેરે બધાંમાં આપ માનો નહિ એટલા સારુ. એમ લાગે છે કે ભાદુડી મહાશય થીયોસોફીસ્ટ છે. તે સિવાય આપ અવતાર, લીલા માનતા નથી એટલે એ મશ્કરીમાં કહે છે કે તમને મૃત્યુ પછી માણસ જન્મ તો મળવાનો જ નહિ; કોઈ પશુ, પંખી, જીવ, જંતુ, ઝાડપાન કશુંય થઈ શકવાના નથી. પણ છેક ઈંટ પથરાથી જન્મવાનું શરૂ કરવું પડશે! ત્યાર પછી અનેક જન્મો પછી જો ક્યારેક માણસ થાઓ તો!

ડૉક્ટર – અરે બાપ રે!

માસ્ટર – અને કહે છે કે આપનું જે Scienceનું જ્ઞાન છે તે મિથ્યા જ્ઞાન. એ તો ઘડીકમાં છે તે ઘડીકમાં નથી. તેમણે એક ઉપમા પણ આપી છે. જેમ કે બે કૂવા છે. એક કૂવાનું જળ નીચેના Spring ઝરણમાંથી આવે છે. બીજા કૂવાની નીચે Spring ઝરણ નથી, પરંતુ વર્ષાના જળથી પરિપૂર્ણ ભરાયો છે. એ જળ વધુ દિવસ ટકવાનું નથી. તેમ આપના વિજ્ઞાનનું જ્ઞાન પણ કૂવામાંના વર્ષાના પાણી જેવું; સૂકાઈ જવાનું!

ડૉક્ટર (જરાક હસીને) – એમ?

ગાડી કોર્નવોલિસ સ્ટ્રીટમાં આવી પહોંચી. ડૉક્ટર સરકારે શ્રીયુત્ પ્રતાપ ડૉક્ટરને સાથે લઈ લીધા. એ ગઈ કાલે ઠાકુરને જોવા ગયા હતા.

Total Views: 261
ખંડ 51: અધ્યાય 34 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતાના શ્યામપુકુરના મકાનમાં ભક્તો સાથે
ખંડ 51: અધ્યાય 36 : ડૉક્ટર સરકારને ઉપદેશ - જ્ઞાનીનું ધ્યાન