ઠાકુર બીજા મજલા પરના ઓરડામાં કેટલાક ભક્તોની સાથે બેઠા છે, ડૉક્ટર સરકાર અને શ્રીયુત્ પ્રતાપ સાથે વાતો કરે છે.

ડૉક્ટર (શ્રીરામકૃષ્ણને) – ફરીથી કાંશી (ખાંસી) થયેલ છે? (હસીને) પણ કાશીએ જવું એ તો સારું! (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (હસીને) – પણ કાશીએ જવાથી તો મુક્તિ થાય. હું તો મુક્તિ માગતો નથી. મારે તો ભક્તિ જોઈએ. (ડૉક્ટર અને ભક્તો હસે છે).

પ્રતાપચંદ્ર મજુમદાર

શ્રીયુત્ પ્રતાપ ડૉક્ટર ભાદુડીના જમાઈ. ઠાકુર પ્રતાપને જોઈને ભાદુડીનાં વખાણ કરે છે.

શ્રીરામકૃષ્ણ (પ્રતાપને) – આહા, એ કેવા સારા માણસ થઈ ગયા છે! ઈશ્વર-ચિંતન કરે, અને શુદ્ધાચાર પાળે; અને સાકાર-નિરાકાર બધા ભાવ માને.

માસ્ટરની બહુ ઇચ્છા છે કે પેલી ઈંટ-પથ્થરની વાત ફરી એકવાર નીકળે. એટલે તેઓ છોટા નરેનને ધીમે ધીમે, છતાં ઠાકુર સાંભળી શકે એવી રીતે કહે છે કે ઈંટ-પથ્થરની કઈ વાત ભાદુડીએ કહી હતી એ યાદ છે?

શ્રીરામકૃષ્ણ (હસીને, ડૉક્ટરને) – અને તમારા વિશે શું કહ્યું છે ખબર છે? તમે મહાત્મા ને એ બધાંમાં માનતા નથી એટલે મન્વંતરની પછી તમારે ઈંટ, પથ્થરના જન્મથી આરંભ કરવો પડશે. (સૌનું હાસ્ય).

ડૉક્ટર (હસીને) – ઈંટ-પથ્થરથી શરૂ કરી કરીને અનેક જન્મો પછી તો માંડ માંડ મનુષ્ય થયો; અને તો પણ અહીં આવીને તો ઈંટ, પથ્થરથી જ વળી પાછું શરૂ કરવાનું? (ડૉક્ટર અને સૌનું હાસ્ય).

ઠાકુર આટલા માંદા તોય તેમને ભાવાવેશ થાય અને બધો વખત ઈશ્વર સંબંધી વાતો કર્યા કરે એ વાત થાય છે.

પ્રતાપ – કાલે હું જોઈ ગયો’તો ભાવ-સમાધિ!

શ્રીરામકૃષ્ણ – એ એની મેળે થોડીક આવી ગઈ હતી, વધારે નહિ.

ડૉક્ટર – વાત કરવી અને ભાવાવેશ અત્યારે સારા નહિ!

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – કાલે જે ભાવ અવસ્થા થઈ હતી તેમાં મેં તમને જોયા. જોયું તો જ્ઞાનનો આકાર, પરંતુ અંદરનો મજ્જા એકદમ શુષ્ક; આનંદરસ મળ્યો નથી. (પ્રતાપને) આ (ડૉક્ટર) જો એક વાર આનંદ પામે તો નીચે ઉપર, અંદર બહાર, સર્વત્ર પરિપૂર્ણ જુએ. અને તો પછી હું જે કહું છું એ જ બરાબર, અને બીજા કહે છે એ બરાબર નહિ એવું બોલે નહિ; અને એક ઘા ને બે કટકા જેવી વાતો પછી એમને મોઢેથી નીકળે નહિ.

(જીવનનો ઉદ્દેશ – પૂર્વકથા – નાગાજીનો ઉપદેશ)

ભક્તો બધા ચૂપ બેઠા છે. અચાનક ઠાકુર શ્રીરામકૃષ્ણ ભાવ-અવસ્થામાં આવી જઈને ડૉક્ટર સરકારને કહે છે,

‘મહેન્દ્ર બાબુ? શું પૈસા પૈસા કરો છો? સ્ત્રી-પુત્ર, માન માન કરી રહ્યા છો? એ બધું હવે મૂકી દઈ, એકચિત્ત થઈને ઈશ્વરમાં મન પરોવો! એ આનંદનો ઉપભોગ કરો!

ડૉક્ટર સરકાર ચૂપ રહ્યા છે. બધા ચૂપ બેઠા છે.

શ્રીરામકૃષ્ણ – નાગાજી જ્ઞાનીના ધ્યાનની વાત કહેતા : જાણે કે બધું જળ, જળાકાર. નીચે, ઉપર જળથી પરિપૂર્ણ! જીવ જાણે કે માછલું, જળમાં આનંદથી તરે છે. બરાબર ધ્યાન થાય તો એ પ્રમાણે ખરેખર દેખાય.

‘અનંત સમુદ્ર, પાણીનો ક્યાંય પાર નહિ. તેની અંદર જાણે કે એક ઘડો રહ્યો છે. અંદર બહાર પાણી. જ્ઞાની જુએ કે અંતરમાં તેમ બહાર એ જ પરમાત્મા. તો પછી આ ઘડો શું? ઘડો છે એટલે પાણીના બે ભાગ દેખાય છે, અંદર બહાર એવું લાગે છે. અહંરૂપી ઘડો હોય એટલે એમ લાગે. એ અહં જો જાય તો પછી જે છે તે; મોઢેથી બોલી શકાય નહિ!’

‘જ્ઞાનીનું ધ્યાન બીજા શેના જેવું, ખબર છે? અનંત આકાશ, તેમાં પંખી આનંદથી પાંખો પસારીને ઊડે છે. ચિદાકાશમાં આત્મા પંખી! પંખી પીંજરામાં નહિ, ચિદાકાશમાં ઊડે છે! તેનો આનંદ સમાય નહિ!’ (C F Shelley’s Skylark કાવ્યના આધારે)

ભક્તો આશ્ચર્યચકિત થઈને આ ધ્યાન-યોગની વાત સાંભળી રહ્યા છે. થોડીવાર પછી ફરીથી પ્રતાપે વાત ઉપાડી.

પ્રતાપ (ડૉક્ટર સરકારને) – વિચાર કરવા જાઓ તો બધું છાયા.

ડૉક્ટર – છાયા જો કહો, તો ત્રણ વસ્તુઓ જોઈએ : સૂર્ય, વસ્તુ અને છાયા. વસ્તુ વિનાની છાયા શી? આ બાજુ કહો છો કે God real – ઈશ્વર સત્ય અને Creation unreal – જગત અસત્ય. Creation is real – જગત પણ સત્ય.

પ્રતાપ – વારુ, અરીસામાં જેમ પ્રતિબિંબ દેખાય, તેમ મનરૂપી અરીસામાં આ જગત દેખાય છે.

ડૉક્ટર – કોઈ વસ્તુ વિનાનું પ્રતિબિંબ?

નરેન્દ્ર – કેમ, ઈશ્વર જ વસ્તુ. (ડૉક્ટરનિરુત્તર).

(જગત ચૈતન્ય અને Science – ઈશ્વર જ કર્તા)

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – એક વાત તમે મજાની કહી છે. તે એ કે ભાવઅવસ્થા મનની એકાગ્રતાથી થાય. એ બીજું કોઈ કહેતું નથી, તમે જ કહો છો.

શિવનાથ કહેતા હતા કે વધુ પડતું ઈશ્વર-ચિંતન કરવાથી માણસનું મગજ બહેર મારી જાય. જુઓ તો, કહે છે કે જગત-ચૈતન્યનું ચિંતન કરવાથી માણસ અચેતન થઈ જાય! જે જ્ઞાન-સ્વરૂપ, જેના જ્ઞાનથી જગતનું જ્ઞાન થાય છે, કહે છે કે તેનું ચિંતન કરવાથી જડ થઈ જાય!

વળી તમારા વિજ્ઞાનમાં આ મેળવવાથી ઓલું થાય, ઓલું મેળવ્યે પેલું થાય; એ બધાંનું ચિંતન કરવાથી કદાચ જ્ઞાન-શૂન્ય થઈ જવાનો સંભવ, એકલા જડ પદાર્થાે ચૂંથીને.’

ડૉક્ટર – એમાં ઈશ્વરને જોઈ શકાય.

મણિ – તો માણસમાં વધુ સ્પષ્ટ જોઈ શકાય, અને મહાપુરુષમાં તો એથીયે વધુ સ્પષ્ટ જોઈ શકાય. મહાપુરુષમાં ઈશ્વરનો વધુ પ્રકાશ.

ડૉક્ટર – હા, માણસમાં વધુ ખરો.

શ્રીરામકૃષ્ણ – ચૈતન્ય-સ્વરૂપનું-ઈશ્વરનું ચિંતન કરવાથી અચેતન થાય? જે ચૈતન્યથી જડ સુધ્ધાં ચેતનવંતુ થઈ રહેલ છે, હાથપગ શરીર વગેરે હાલે ચાલે છે, તેનું શું? લોકો કહેશે કે શરીર ચાલે છે, પરંતુ ઈશ્વર ચલાવે છે એ ખબર નથી. કહેશે કે પાણીથી હાથ બળી ગયો. પાણીથી કંઈ બળે નહિ. પાણીમાં રહેલી જે ગરમી, પાણીની અંદરનો જે અગ્નિ, તેનાથી જ હાથ બળી ગયો!

તપેલીમાં ભાત ચડે છે. તે સાથે તપેલીમાં બફાવા મૂકેલાં રીંગણાં બટાટાં ઊછળે છે. અણસમજુ છોકરાં કહે છે રીંગણાં બટાટાં પોતાની મેળે કૂદે છે. તેમને ખબર નથી કે નીચે અગ્નિ છે. તેમ માણસો કહેશે કે ઇન્દ્રિય પોતાની મેળે કામ કરી રહી છે, પણ અંદર જે ચૈતન્ય-સ્વરૂપ રહ્યું છે, તેનો ખ્યાલ લાવે નહિ!

ડૉક્ટર સરકાર ઊઠ્યા, વિદાય લેવા સારુ. ઠાકુર શ્રીરામકૃષ્ણ પણ ઊભા થયા.

ડૉક્ટર – વિપદે મધુસૂદન! પરાણે તુહિં તુહિં બોલવું પડે. ગળામાં આવડું આ (દરદ) થયું છે એટલે. તમે પોતે જ જેમ કહો છો તેમ હવે પિંજારાના હાથમાં પડ્યા છો તો પિંજારાને કહો. એ તો તમારી જ વાત!

શ્રીરામકૃષ્ણ – વળી શું કહેવું?

ડૉક્ટર – કેમ કહેવું નહિ? એના જ (ઈશ્વરના જ) ખોળામાં રહ્યા છીએ, એના જ ખોળામાં મળમૂત્ર કરીએ, અને દરદ થાય ત્યારે એને કહેવું નહિ તો કોને કહેવું?

શ્રીરામકૃષ્ણ – બરાબર, બરાબર! ક્યારેક કહું, પણ કંઈ થાય નહિ.

ડૉક્ટર – કહેવાની પણ શી જરૂર છે? શું તેઓ જાણતા નથી?

શ્રીરામકૃષ્ણ (હસીને) – એક મુસલમાન નમાજ પઢતાં પઢતાં ‘યા અલ્લા યા અલ્લા’ કરીને બૂમો પાડીને પોકારતો હતો. તેને એક જણે કહ્યું, ‘અરે એય! તું અલ્લાને યાદ કરે છે તેમાં આટલી બૂમો શા માટે પાડે છે? અલ્લા કીડીના પગના ઝાંઝરનો અવાજ પણ સાંભળી શકે.’

(યોગીનાં લક્ષણ – યોગી અંતર્મુખ – બિલ્વમંગળ ઠાકુર)

‘જ્યારે ઈશ્વર સાથે મનનો યોગ થાય ત્યારે ઈશ્વર ખૂબ નજીક દેખાય, હૃદયની અંદર દેખાય.

પરંતુ એક વાત છે, કે જેટલી આ એકાગ્રતા આવે તેટલું મન બહારની વસ્તુઓમાંથી ખેંચાઈને આવે. ભક્ત-માળામાં એક ભક્ત (બિલ્વ મંગળ)ની વાત છે. એ વેશ્યાને ત્યાં જતો. એક દિવસ ખૂબ મોડી રાતે જાય છે. ઘેર માબાપનું શ્રાદ્ધ હતું, એટલે જવામાં મોડું થયું હતું. શ્રાદ્ધમાં બનાવેલાં મિષ્ટાન્નો વેશ્યાને આપવા સારુ હાથમાં લઈને જતો હતો. વેશ્યામાં એની એટલી તલ્લીનતા હતી કે પોતે ક્યાં થઈને જઈ રહ્યો છે, કઈ વસ્તુ પર પગ દઈને ચાલ્યો જાય છે, એ કશાનો ખ્યાલ જ નહિ. રસ્તામાં એક યોગી આંખો મીંચીને ઈશ્વર-ચિંતન કરતો બેઠો હતો. તેને આ માણસનો પગ લાગી ગયો. એટલે એ યોગી ગુસ્સે થઈ જઈને બોલી ઊઠ્યો કે ‘એય, તને દેખાતું નથી? હું અહીં ઈશ્વરનું ધ્યાન કરું છું ને તું મને પગ મારીને ચાલ્યો જાય છે?’ એટલે એ માણસે કહ્યું, ‘યોગીરાજ! મને માફ કરજો. પરંતુ એક વાત પૂછું? વેશ્યાનું ચિંતન કરતાં મને બહારનું કાંઈ ભાન નથી, અને આપ ઈશ્વર-ચિંતન કરી રહ્યા છો છતાં આપને બહારનું બધું ભાન છે! એ તો કઈ જાતનું ઈશ્વર-ચિંતન!’

એ ભક્ત છેવટે સંસારનો ત્યાગ કરીને ઈશ્વરની આરાધના કરવા ચાલ્યો ગયો હતો. વેશ્યાને કહ્યું કે ‘તું જ મારો ગુરુ. તેં જ શીખવ્યું કે કેવી રીતે ઈશ્વરમાં પ્રીતિ કરવી.’ તેણે વેશ્યાને મા કહીને તેનો ત્યાગ કર્યાે હતો.

ડૉક્ટર – એ તાંત્રિક ઉપાસના : જનની રમણી.

(લોકશિક્ષા દેવા માટે સંસારીને અધિકાર નથી)

શ્રીરામકૃષ્ણ – જુઓ, એક વાર્તા સાંભળો. એક રાજા હતો. એ રાજા એક પંડિત પાસેથી રોજ ભાગવત સાંભળતો. ભાગવત વંચાઈ રહ્યા પછી પંડિત રોજ રાજાને પૂછતો કે ‘રાજા! સમજો છો?’ રાજા પણ જવાબ આપતો કે ‘પહેલાં તમે સમજો.’ ભાગવત વાંચનાર પંડિત ઘેર જઈને રોજ વિચાર કરે કે રાજા રોજ આમ શા માટે કહે છે? હું રોજ આટલી મહેનત લઈને સમજાવું છું, અને તોય રાજા ઊલટો મને કહે કે ‘તમે પહેલાં સમજો.’ આ તે શું કહેવાય?

પંડિત સાધન ભજન પણ કરતો. એટલે થોડા દિવસ પછી તેને ભાન થયું કે ઈશ્વર જ સાર વસ્તુ અને બીજું બધું – ઘર, સ્ત્રી-પરિવાર, ધન, માન મરતબો વગેરે બધું અસાર. સંસારનું બધું મિથ્યા એવો અનુભવ થવાથી તે સંસાર-ત્યાગ કરીને ચાલ્યો ગયો. જતી વખતે માત્ર એક જણને કહેતો ગયો કે રાજાને કહેજો કે ‘હવે હું સમજ્યો છું!’

‘બીજી એક વાત સાંભળો. એક જણને એક ભાગવત વાંચી સંભળાવનારા પંડિતની જરૂર પડી. એ પંડિતે આવીને રોજ ભાગવતની કથા સંભળાવવી. પણ એવો પંડિત મળે નહિ. ખૂબ શોધ કરતાં કરતાં એક માણસે આવીને કહ્યું કે ‘મહાશય! એક સારો પંડિત મળ્યો છે.’ પેલા માણસે કહ્યું કે ‘બહુ સારું, ત્યારે એને બોલાવો.’ એટલે પેલા શોધી લાવનારે કહ્યું કે પરંતુ એમાં એક વાંધો છે. એ પંડિતને કેટલાય સાંતીની ખેડ, ને કેટલીક બળદની જોડ તથા હળ લઈને આખો દિવસ ખેતરમાં રહેવું પડે, ખેતી પર ધ્યાન આપવું પડે ને જરાય ફુરસદ નથી. એ સાંભળીને જેને પંડિતની જરૂર હતી તે કહે છે કે ‘અરે ભાઈ, જેને બળદને હળે જોડીને ખેડ કરવી પડતી હોય ને ફુરસદ ન હોય એવા પંડિતની મને જરૂર નથી. મારે તો જોઈએ છીએ એવો પંડિત કે જેને ફુરસદ હોય અને મને હરિકથા સંભળાવી શકે.’

(ડૉક્ટરને) સમજ્યા? (ડૉક્ટર ચૂપ રહ્યા).

(એકલું પાંડિત્ય અને ડૉક્ટર)

શ્રીરામકૃષ્ણ – વાત એમ છે કે એકલી પંડિતાઈથી શું વળે? પંડિતો ઘણુંય જાણે-બોલે; વેદ, પુરાણ, તંત્રો. પણ એકલી પંડિતાઈથી શું વળે? વિવેક-વૈરાગ્ય જોઈએ. જો વિવેક વૈરાગ્ય હોય તો તેની વાતો સાંભળવાનો કંઈક અર્થ. જેઓએ સંસારને જ સાર વસ્તુ માની છે, તેમની વાતો સાંભળ્યે શું વળે?

‘ગીતા અમથી વાંચ્યે શું વળે? દસ વાર ગીતા ગીતા બોલવાથી જે થાય તે જ સાર. ‘ગીતા ગીતા,’ એમ બોલતાં બોલતાં ‘ત્યાગી ત્યાગી’ થઈ જાય. સંસારમાં કામ-કાંચનની આસક્તિનો જેનામાંથી ત્યાગ થઈ ગયો છે, જે ઈશ્વરમાં સોળ આના ભક્તિ અર્પણ કરી શક્યો છે તે જ ગીતાનો મર્મ બરાબર સમજ્યો છે. ગીતાની આખી ચોપડી વાંચવાની જરૂર નથી. ‘ત્યાગી ત્યાગી’ સમજી શકે તો બસ.

ડૉક્ટર – ત્યાગી કહેવા જાઓ તો વચમાં એક ‘ય’કાર લગાડવો જોઈએ.

મણિ – એ ‘ય’કાર ન લગાડીએ તોય ચાલે. નવદ્વીપના એક ગોસ્વામીએ ઠાકુરને કહ્યું હતું. ઠાકુર પાણિહાટિનો મહોત્સવ જોવા ગયા હતા. ત્યાં નવદ્વીપ ગોસ્વામીને આ ગીતાની વાત કરી હતી. ત્યારે ગોસ્વામી બોલેલા કે તગ્ ધાતુનું ઘઞ્ રૂપ તાગ્ એમ થાય; તેને ઈન્ પ્રત્યય લગાડવાથી તાગી થાય; તાગી અને ત્યાગનો અર્થ એક.

ડૉક્ટર – મને એક જણે રાધાનો અર્થ કહ્યો હતો. તે બોલ્યો કે ‘રાધાનો અર્થ શું ખબર છે? એ શબ્દને ઊલટાવી નાખો. એટલે કે ધારા, ધારા! (સૌનું હાસ્ય).

(હસીને) આજ ધારા સુધી જ રહ્યું.

Total Views: 265
ખંડ 51: અધ્યાય 35 : ડૉક્ટર અને માસ્ટર
ખંડ 51: અધ્યાય 37 : ઐહિકજ્ઞાન કે Science