સમય પાંચ વાગ્યાનો. શ્રીરામકૃષ્ણ એ જ બીજા મજલા પરના ઓરડામાં બેઠા છે. ચારે બાજુ ભક્તો શાંત બેઠા છે. બહારના કેટલાય તેમનાં દર્શને આવ્યા છે. વાતો કશી થતી નથી.

માસ્ટર પાસે બેઠેલા છે. તેમની સાથે એકાંતમાં એકાદ-બે વાતો થાય છે. ઠાકુરને પહેરણ પહેરવું છે. માસ્ટરે પહેરણ પહેરાવ્યું.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – જુઓ, હવે મારે ખાસ ધ્યાનબ્યાન કરવું પડતું નથી. અખંડ સચ્ચિદાનંદની અનુભૂતિ એકદમ થઈ જાય છે; હવે કેવળ દર્શન.

માસ્ટર ચૂપ બેઠા છે. આખો ઓરડો નિઃસ્તબ્ધ.

થોડીક વાર પછી ઠાકુર તેમને વળી એક વાત કહે છે.

શ્રીરામકૃષ્ણ – ઠીક. આ બધા જે એક જગાએ શાંત બેઠા છે અને મને જોયા કરે છે; વાતો નહિ, ભજન-કીર્તન નહિ; તે મારામાં શું જુએ છે?

શું ઠાકુર એવું સૂચન કરે છે કે સાક્ષાત્ ઈશ્વરની શક્તિ અવતીર્ણ થઈ છે એટલે લોકોને આટલું આકર્ષણ? એટલે ભક્તો નવાઈ પામી જઈને તેમની સામે જોયા કરે છે!

માસ્ટરે જવાબ આપ્યો કે ‘જી, આમણે બધાએ આપના વિશે અગાઉ ઘણુંયે સાંભળ્યું છે, અને એવું દૃશ્ય જુએ છે કે જે ક્યારેય એ લોકોને જોવા મળતું નથી. સદાનંદ બાલક સ્વભાવ, નિરહંકાર, ઈશ્વર-પ્રેમમાં મતવાલો પુરુષ! તે દિવસે ઈશાન મુખર્જીને ઘેર આપ ગયા હતા અને બહારના ઓરડામાં આંટા મારતા હતા. અમે પણ ત્યાં હતા. એક જણે આાવીને આપને કહ્યું હતું કે આવો સદાનંદ પુરુષ મેં ક્યાંય જોયો નથી!

માસ્ટર વળી ચૂપ રહ્યા. ઓરડો પાછો નીરવ! થોડીવાર પછી ઠાકુર વળી મૃદુ સ્વરે માસ્ટરને કંઈક કહે છે.

શ્રીરામકૃષ્ણ – વારુ, ડૉક્ટર હવે કેમ લાગે છે? એ અહીંયાંના (મારે વિશે) વિચાર સારી રીતે કરે છે?

માસ્ટર – આ અમોઘ બીજ ક્યાં જાય? ગમે તે બાજુએ એક વાર એ ઊગી જ નીકળવાનું. તે દિવસની એક વાતમાં હસવું આવે છે.

શ્રીરામકૃષ્ણ – શી વાત?

માસ્ટર – તે દિવસે આપે કહ્યું હતું ને, કે યદુ મલ્લિક જમતી વખતે ક્યા શાકમાં મીઠું વધારે પડ્યું છે કે ક્યા શાકમાં ઓછું પડ્યું છે એ સમજી શકે નહિ; એટલો બધો બેધ્યાન! કોઈ જ્યારે એને કહી બતાવે કે અમુક શાકમાં મીઠું નથી, ત્યારે એં, એં કરીને એ કહેશે કે મીઠું નથી પડ્યું? ડૉક્ટરને એ વાત આપ સંભળાવતા હતા. ડૉક્ટર કહેતા હતા કે હુંય એટલો બધો બેધ્યાન થઈ જાઉં! એટલે તેને આપ સમજાવી દેતા હતા કે એ બેધ્યાનપણું વિષયોનું ચિંતન કર્યે થાય, ઈશ્વર-ચિંતન કરવાને અંગે નહિ.

શ્રીરામકૃષ્ણ – એ બધાનો શું એ વિચાર નહિ કરે?

માસ્ટર – જરૂર વિચાર કરશે. પણ કામકાજ બહુ, એટલે ઘણીએ વાતો ભૂલી જાય. આજે પણ બધું મજાનું કહ્યું. એણે જ્યારે કહ્યું કે એ તાંત્રિક ઉપાસના, જનની રમણી.

શ્રીરામકૃષ્ણ – મેં શું કહ્યું?

માસ્ટર – આપે કહી હતી, હળ ને બળદવાળા ભાગવત વાંચનારા પંડિતની વાત. (શ્રીરામકૃષ્ણનું હાસ્ય). અને પેલી રાજાની વાત, કે જેણે પંડિતને કહ્યું કે તમે પહેલાં સમજો! (શ્રીરામકૃષ્ણનું હાસ્ય).

અને ગીતાની વાત કરી હતી. ગીતાનો સાર છે કામ-કાંચન ત્યાગ, કામ-કાંચનમાંથી આસક્તિનો ત્યાગ. ડૉક્ટરને આપે કહ્યું ને, કે સંસારમાં રહીને, ત્યાગી થયા વિના વળી શું ઉપદેશ અપાવાનો? એમ લાગે છે ડૉક્ટર એ સમજ્યા નહિ. એટલે છેવટે ‘ધારા ધારા’ કહીને વાતને દાબી દીધી.

ઠાકુર ભક્તોને માટે ચિંતા કરી રહ્યા છે; પૂર્ણ એક છોકરો-ભક્ત, તેના સારુ. મણીન્દ્ર પણ છોકરો-ભક્ત. તેને પૂર્ણની સાથે વાતચીત કરવા મોકલ્યો.

Total Views: 288
ખંડ 51: અધ્યાય 37 : ઐહિકજ્ઞાન કે Science
ખંડ 51: અધ્યાય 39 : શ્રીરાધાકૃષ્ણ તત્ત્વપ્રસંગે - ‘બધું સંભવ છે’ નિત્યલીલા