સંધ્યા થઈ ગઈ છે. ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં દીવો બળે છે. કેટલાક ભક્તો અને જેઓ ઠાકુરને જોવા આવ્યા છે તેઓ એ ઓરડામાં જરા દૂર બેઠા છે. ઠાકુર અંતર્મુખ. વાતો કરતા નથી. ઓરડાની અંદર જેઓ છે તેઓ પણ ઈશ્વર-ચિંતન કરતાં કરતાં નિઃશબ્દ બેઠા છે.

થોડીક વાર પછી નરેન્દ્ર એક મિત્રને સાથે લઈને આવી પહોંચ્યો. નરેન્દ્રે કહ્યું કે ‘આ મારા મિત્ર, એમણે કેટલાક ગ્રંથોની રચના કરી છે.

એ ‘કિરણમયી’ની વાત લખી છે.’ કિરણમયીના લેખક પ્રણામ કરીને બેઠા, ઠાકુરની સાથે વાત કરવા સારુ.

નરેન્દ્ર – આમણે રાધા-કૃષ્ણના વિષયમાં લખ્યું છે.

શ્રીરામકૃષ્ણ (લેખકને) – શું લખ્યું છે ભાઈ? બોલો જોઈએ.

લેખક – રાધા-કૃષ્ણ જ પરબ્રહ્મ, ૐકારના બિંદુ-સ્વરૂપ. એ રાધા-કૃષ્ણરૂપી પરબ્રહ્મમાંથી મહાવિષ્ણુ, મહાવિષ્ણુમાંથી પુરુષ-પ્રકૃતિ, શિવ-દુર્ગા.

શ્રીરામકૃષ્ણ – મજાનું! નિત્ય-રાધાનાં નંદરાયજીએ દર્શન કર્યાં હતાં. પ્રેમ-રાધાએ વૃંદાવનમાં લીલા કરી હતી. કામ-રાધા ચંદ્રાવલી.

એ કામ-રાધા, પછી પ્રેમ-રાધા; એથીયે આગળ જતાં નિત્ય-રાધા. જેમ ડુંગળીનાં ફોતરાં કાઢતાં, સૌથી પહેલાં લાલ ફોતરું, ત્યાર પછી સહેજ સહેજ લાલ, ત્યાર પછી ધોળું, ને ત્યાર પછી ફોતરું જ નહિ. એ નિત્ય-રાધાનું સ્વરૂપ, કે જ્યાં નેતિ નેતિ વિચાર બંધ થઈ જાય!

નિત્ય રાધા-કૃષ્ણ અને લીલા રાધા-કૃષ્ણ. જેમ કે સૂર્ય અને તેનાં કિરણ. નિત્ય સૂર્ય-સ્વરૂપ અને લીલા કિરણ-સ્વરૂપ.

શુદ્ધ ભક્ત ક્યારેક નિત્યમાં રહે તો ક્યારેક લીલામાં. જે નિત્ય તે જ લીલા. બે અથવા બહુ નહિ.

લેખક – જી, ‘વૃંદાવનના કૃષ્ણ’ અને ‘મથુરાના કૃષ્ણ’ એમ શા માટે કહે છે?

શ્રીરામકૃષ્ણ – એ ગોસ્વામીઓનો મત. પશ્ચિમ હિંદ તરફના પંડિતો એમ કહેતા નથી. તેમના કૃષ્ણ એક, ત્યાં રાધા નથી. દ્વારકાના કૃષ્ણ પણ એ પ્રમાણે.

લેખક – જી, રાધાકૃષ્ણ જ પરબ્રહ્મ.

શ્રીરામકૃષ્ણ – એ મજાનું! પણ પરમાત્મામાં સર્વ સંભવે! એ પોતે જ નિરાકાર, સાકાર; એ જ સ્વરાટ, તેમજ વિરાટ; એ જ બ્રહ્મ, એ જ શક્તિ!

‘પરમાત્માનો ઇતિ નહિ, અંત નહિ; તેમનામાં સર્વ સંભવે. ગીધ સમળી ગમે તેટલાં ઊંચે ઊડે પણ આકાશને પહોંચી ન શકે.

જો પૂછો કે બ્રહ્મ કેવું તો એ મોઢેથી બોલી બતાવી શકાય નહિ. સાક્ષાત્કાર થયા પછીયે મોઢેથી બોલી શકાય નહિ. જો કોઈ પૂછે કે ઘી કેવું? તો એનો જવાબ એ કે ઘી જેવું ઘી. તેમ બ્રહ્મની ઉપમા બ્રહ્મ, બીજું કાંઈ નહિ.

Total Views: 267
ખંડ 51: અધ્યાય 38 : અવતીર્ણ શક્તિ કે સદાનંદ
ખંડ 51: અધ્યાય 40 : શ્યામપુકુરના મકાનમાં હરિવલ્લભ, નરેન્દ્ર, મિશ્ર, વગેરે ભક્તો સાથે