શ્રીયુત્ બલરામને માટે ચિંતા – શ્રીયુત્ હરિવલ્લભ બસુ

શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના મકાનમાં સારવાર સારુ ભક્તો સાથે નિવાસ કરીને રહ્યા છે. આજે શનિવાર, આસો વદ આઠમ; ૩૧મી ઓક્ટોબર, ૧૮૮૫. સમય સવારના નવ.

અહીં ભક્તો દિવસરાત રહે, ઠાકુરની સેવા માટે. હજી સુધી કોઈએ સંસારનો ત્યાગ કર્યાે નથી.

બલરામનો આખો પરિવાર ઠાકુરનો સેવક. તેઓ જે વંશમાં જન્મ્યા છે તે અતિશય ભક્ત-વંશ. તેમના પિતા વૃદ્ધ થયા છે, વૃંદાવનમાં તેમના પ્રતિષ્ઠિત શ્રીશ્યામસુંદરની કુંજમાં એકલા વાસ કરે. તેમના પિતરાઈ ભાઈ શ્રીયુત્ હરિવલ્લભ બસુ અને ઘરનાં બીજાં બધાંય વૈષ્ણવ.

હરિવલ્લભ કટકના મુખ્ય વકીલ. પરમહંસદેવની પાસે બલરામ આવજા કરે, ખાસ કરીને ઘરનાં બૈરાંઓને લઈને જાય, એ સાંભળીને એ નારાજ થયા છે. તેને મળ્યા ત્યારે બલરામે કહેલું કે તમે એમનાં (શ્રીરામકૃષ્ણનાં) એકવાર દર્શન તો કરો, ત્યાર પછી જે કહેવું હોય તે કહેજો.

આજે એ હરિવલ્લભ આવ્યા છે. તેમણે ઠાકુરનાં દર્શન કરીને અતિશય ભક્તિભાવપૂર્વક પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ – કેમ કરીને સારું થશે? આપ શું જુઓ છો? કઠણ રોગ.

હરિવલ્લભ – જી, ડૉક્ટરો કહી શકે.

શ્રીરામકૃષ્ણ – બૈરાંઓ (મારા) પગની રજ લે. તે એમ વિચારું કે ઈશ્વર જ આની (મારી) અંદર છે, એવી ભાવના લાવું.

હરિવલ્લભ – આપ સાધુ પુરુષ! આપને સૌ પ્રણામ કરે, એમાં ખોટું શું?

શ્રીરામકૃષ્ણ – એ ધ્રુવ, પ્રહ્લાદ, નારદ, કપિલ, તેઓ કોઈ આવ્યા હોય તો બરાબર હતું. હું કોણ? આપ પાછા આવજો.

હરિવલ્લભ – જી, અમારા અંદરના ખેંચાણથી જ આવીશું. આપ કહેવાની તકલીફ શા માટે લો છો?

હરિવલ્લભ જવા ઊઠે છે, પ્રણામ કરે છે. ઠાકુરના પગની રજ લેવા જાય છે. ઠાકુરે પગ ખેંચી લીધા. પણ હરિવલ્લભે છોડ્યા નહિ. પરાણે ચરણની રજ લીધી.

હરિવલ્લભ ઊઠ્યા. ઠાકુર જાણે કે તેને માન આપવાને માટે ઊભા થયા અને કહેવા લાગ્યા કે ‘બલરામ બહુ જ અફસોસ કરે. મેં મનમાં ધાર્યું કે એક દિવસ જાઉં, જઈને તમને મળું. પણ પાછી વળી બીક લાગે! પાછા તમે કહેશો કે આને કોણ ઉપાડી આવ્યું!’

હરિવલ્લભ – એ બધી વાતો કોણે કહી છે? આપ કશી ચિંતા કરશો મા.

હરિવલ્લભ ચાલ્યા ગયા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – ભક્તિ છે, નહિતર પરાણે પગની ધૂળ લીધી શા માટે?

‘એ જે તમને કહ્યું હતું કે ‘ભાવ-અવસ્થામાં ડૉક્ટર અને બીજા એક જણને જોયા’ તે આ એ બીજા એક જણ! તે જુઓ આવેલ છે!

માસ્ટર – જી, ભક્તિનું જ ઘર.

શ્રીરામકૃષ્ણ – કેવા સરળ!

ડૉક્ટર સરકારની પાસે ઠાકુરની માંદગીના સમાચાર આપવા માટે માસ્ટર શાંખારિટોલામાં આવ્યા છે. ડૉક્ટર આજે પાછા ઠાકુરને તપાસવા આવવાના છે.

ડૉક્ટર, ઠાકુર અને મહિમાચરણ વગેરે ભક્તોની વાત કહે છે.

ડૉક્ટર – કેમ ભાઈ, એ (મહિમાચરણ) એ પુસ્તક તો લાવ્યા નહિ, જે પુસ્તક મને બતાવવાનું કહેતા હતા ને! કહે કે ભૂલી ગયો છું. એ બને ખરું. મારાથીયે ભુલાઈ જવાય છે.

માસ્ટર – એનું વાંચન ખૂબ છે.

ડૉક્ટર – એટલે જ આ દશા!

ઠાકુરના સંબંધમાં ડૉક્ટર બોલે છે, ‘જો જ્ઞાન ન હોય તો એકલી ભક્તિ લીધે શું વળે!’

માસ્ટર – કેમ વારુ, ઠાકુર તો કહે છે કે જ્ઞાનની પછી ભક્તિ. પણ એમના ‘જ્ઞાન, ભક્તિ’ અને આપ સૌના ‘જ્ઞાન, ભક્તિ’ના અર્થમાં ઘણો ફરક.

‘એ (ઠાકુર) જ્યારે કહે છે કે ‘જ્ઞાનની પછી ભક્તિ’ ત્યારે એનો અર્થ, તત્ત્વજ્ઞાનની પછી ભક્તિ, બ્રહ્મજ્ઞાનની પછી ભક્તિ, ભગવાનને જાણ્યા પછીની ભક્તિ. આપ સૌનું ‘જ્ઞાન’ એટલે ઇન્દ્રિયો વડે મળતું જ્ઞાન, સેન્સનોલેજ. પહેલું એ તત્ત્વજ્ઞાન; not verifiable by our standard – ઇન્દ્રિયો વડે મળતા જ્ઞાનથી નક્કી કરી શકાય નહિ. બીજું જડ પદાર્થજ્ઞાન; verifiable – એ નક્કી કરી શકાય એવું છે.’

ડૉક્ટર શાંત છે. વળી અવતાર સંબંધમાં વાતો કરે છે.

ડૉક્ટર – અવતાર વળી શું? અને પગની ધૂળ લેવી એ શું!

માસ્ટર – કેમ, આપ જ તો કહો છો એક્સપેરિમેન્ટ – વૈજ્ઞાનિક પ્રયોગ વખતે ઈશ્વરની સૃષ્ટિ જોઈને ભાવ-અવસ્થા જેવું થઈ જાય, માણસ જોઈને ભાવ થાય. જો એમ હોય, તો ઈશ્વરને શા માટે માથું ન નમાવવું? માણસના હૃદયની અંદર ઈશ્વર છે.

હિંદુધર્મ જુએ છે સર્વભૂતમાં નારાયણ. એ બાબત એટલી આપના જાણવામાં નથી. સર્વભૂતમાં જો એ હોય તો એમને પ્રણામ કરવા એમાં શું?

‘પરમહંસદેવ કહે છે કે કોઈ કોઈ વસ્તુમાં ઈશ્વરનો વધુ પ્રકાશ. જેમ કે સૂર્યનો પ્રકાશ, પાણીમાં ને અરીસામાં. પાણી બધી જગાએ છે, પરંતુ નદીમાં, તળાવમાં વધુ પ્રકટ. નમસ્કાર કરવામાં આવે છે તે ઈશ્વરને જ નમસ્કાર કરવામાં આવે છે, માણસને નહિ. God is God – not, man is God- ઈશ્વર જ ઈશ્વર છે, મનુષ્ય ઈશ્વર નથી.’

‘ઈશ્વરને રીઝનીંગ – તર્ક-વિચાર કરીને જાણી શકાય નહિ. શ્રદ્ધા ઉપર બધો આધાર. એ બધી વાતો ઠાકુર કહે છે.

આજે માસ્ટરને ડૉક્ટરે પોતે લખેલ એક પુસ્તક ભેટ આપ્યું.

Physiological Basis of Psychology – ‘as a token of brotherly regards’.

Total Views: 275
ખંડ 51: અધ્યાય 39 : શ્રીરાધાકૃષ્ણ તત્ત્વપ્રસંગે - ‘બધું સંભવ છે’ નિત્યલીલા
ખંડ 51: અધ્યાય 41 : શ્રીરામકૃષ્ણ અને Jesus Christ - એમનામાં ઈશુ ખ્રિસ્તનો આવિર્ભાવ