ઠાકુર ભક્તો સાથે બેઠા છે. સમય અગિયાર વાગ્યાનો. મિશ્ર નામના એક ખ્રિસ્તી ભક્તની સાથે વાતો કરી રહ્યા છે. મિશ્રની ઉંમર પાંત્રીસેકની હશે. મિશ્ર ખ્રિસ્તી વંશમાં જન્મ્યા છે. જો કે ઉપરથી સાહેબ લોક જેવો પોષાક છે, છતાં અંદર ભગવાં પહેરેલ છે. અત્યારે તેણે સંસારત્યાગ કર્યાે છે. એનું જન્મસ્થળ પશ્ચિમ બાજુએ. તેના એક ભાઈના વિવાહને દિવસે જ તે ભાઈનું તથા બીજા એક ભાઈનું બંનેનું એક જ દિવસે મૃત્યુ થયું. તે દિવસથી મિશ્રે સંસારત્યાગ કર્યાે છે. એ ક્વેકર સંપ્રદાયના.

મિશ્ર – ‘વો હી રામ ઘટ ઘટમેં લેટા.’

શ્રીરામકૃષ્ણ છોટા નરેનને આસ્તે આસ્તે કહે છે કે જેથી મિશ્ર પણ સાંભળી શકે – ‘એક રામ તેનાં નામ હજાર.’

‘ખ્રિસ્તીઓ જેને ‘God’ કહે છે, હિંદુઓ તેને જ રામ, કૃષ્ણ, ઈશ્વર વગેરે કહે છે. એક તળાવને કેટલાય ઘાટ. એક ઘાટે હિંદુઓ પાણી પીએ છે, કહે છે જળ, ઈશ્વર; ખ્રિસ્તીઓ બીજે એક ઘાટે પાણી પીએ છે, કહે છે ‘વોટર’, ગોડ, જિસસ; મુસલમાનો બીજા એક ઘાટે પાણી પીએ છે અને કહે છે, પાની, અલ્લા.

મિશ્ર – Jesus મેરીનો દીકરો નહિ, Jesus સ્વયં ઈશ્વર.

(ભક્તોને) આ (શ્રીરામકૃષ્ણ) અત્યારે આ દેહધારી છે, તેમ વળી એક સમયે સાક્ષાત્ ઈશ્વર.

‘આપ (ભક્તો) આમને ઓળખી શકતા નથી. મેં અગાઉથી આમને જોયા છે, અત્યારે પ્રત્યક્ષ જોઉં છું. અગાઉ મેં જોયું હતું કે એક બગીચો, ત્યાં આ (શ્રીરામકૃષ્ણ) ઊંચે એક આસન પર બિરાજેલા છે. જમીન ઉપર બીજો એક જણ બેઠેલ છે; એ એટલો Advanced આગળ વધેલો ન હતો.

‘આ દેશના ચાર દ્વારપાળ છે. મુંબઈ બાજુએ તુકારામ; અને કાશ્મીરમાં રોબર્ટ માઈકલ; અહીંયાં આ (રામકૃષ્ણ); અને પૂર્વ બાજુએ બીજા એક સંત છે.’

શ્રીરામકૃષ્ણ – તમે કંઈ જુઓ બુઓ ખરા?

મિશ્ર – જી, જ્યારે ઘેર હતો ત્યારથી જ્યોતિ-દર્શન થતું. ત્યાર પછી જિસસનાં દર્શન થયાં છે. એ રૂપનું હું શું કહું! એ સૌંદર્ય સામે સ્ત્રીના સૌંદર્યની શી વિસાત?

થોડી વાર પછી ભક્તોની સાથે વાત કરતાં કરતાં મિશ્રે કોટપાટલૂન ઉતારીને અંદરનું ભગવું કૌપીન બતાવ્યું.

ઠાકુર ઓસરીમાંથી આવીને કહે છે, ‘શૌચ તો થયું નહિ; (ભાવમાં) આને (મિશ્રને) જોયો, વીરની પેઠે ઊભેલો છે.’

એમ કહેતાં કહેતા ઠાકુર સમાધિ-મગ્ન થતા જાય છે. પશ્ચિમાભિમુખ થઈને ઊભા ઊભા જ સમાધિ-મગ્ન.

સહેજ સ્વસ્થ થઈને મિશ્રને જોતાં જોતાં હસી રહ્યા છે.

હજીયે ઊભા છે. ભાવના આવેશમાં મિશ્રની સાથે શેઈકહેન્ડ-હસ્તધૂનન કરે છે અને હસે છે. તેનો હાથ પકડીને કહે છે, ‘તમે જે ઇચ્છો છો એ થઈ જશે.’

ઠાકુરને જાણે કે જિસસનો ભાવ-આવેશ આવ્યો! તેઓ અને જિસસ શું એક?

મિશ્ર (હાથ જોડીને) – મેં એ દિવસથી મન, પ્રાણ, શરીર, બધું આપને અર્પણ કર્યું છે!

(ઠાકુર ભાવ-અવસ્થામાં હસી રહ્યા છે.)

ભાવ શાંત થયા પછી ઠાકુર બેઠા. મિશ્ર ભક્તોની પાસે તેની અગાઉની વાતો બધી કહી રહ્યો છે. તેના બે ભાઈઓ, લગ્નપ્રસંગે સ્વાગત-સમારંભનો શમિયાણો તૂટી પડવાથી દબાઈ જઈને માનવ-લીલા સમાપ્ત કરી ગયા હતા તેય વર્ણન કર્યું.

ઠાકુરે મિશ્રને નાસ્તોપાણી કરાવવાનું ભક્તોને કહી દીધું.

(નરેન્દ્ર, ડૉક્ટર સરકાર વગેરે સાથે કીર્તનાનંદે)

ડૉક્ટર સરકાર આવ્યા છે. ડૉક્ટરને જોઈને ઠાકુરને સમાધિ થઈ. કંઈક ભાવ શમી ગયા પછી ઠાકુર આવેશમાં બોલે છે, ‘કારણાનંદની પછી સચ્ચિદાનંદ, કારણનું કારણ.’

ડૉક્ટર કહે છે, ‘હા!’

શ્રીરામકૃષ્ણ – હું બેહોશ થયો નથી.

ડૉક્ટર સમજ્યા છે કે ઠાકુરને ઈશ્વરીય આવેશ થયો છે. એટલે કહે છે કે ‘ના તમે ખૂબ હોશમાં છો!’

ઠાકુર સહાસ્ય ગાય છે :

સુરાપાન કરું નહીં હું, સુધા પીઉં જય કાલી બોલી,

ભાવાવેશે માને જોઈને, પીધેલ એને પીધેલ કહે,

ગુરુમંત્ર બીજ ગોળ લઈને જપ-પ્રવૃત્તિનો મસાલો કરી

જ્ઞાન પાત્રમાં ઉકાળ્યો એને, પાગલ થઈને પાન કરું,

મૂલમંત્ર સારગર્ભ તારા નામે શોધન કરું,

પ્રસાદ કહે આવી સુરા પીએ કોઈ ચતુર્વર્ગ મળે સોઈ.

ગીત સાંભળીને ડૉક્ટર ભાવમાં આવી ગયા જેવા થઈ ગયા. ઠાકુરનેય વળી પાછો ભાવનો આવેશ થયો. ભાવમાં તેમણે ડૉક્ટરના ખોળામાં ચરણ લંબાવી દીધા.

થોડી વાર પછી ભાવ શાંત થયો, ત્યારે ચરણ ખેંચી લઈને ડૉક્ટરને કહે છે ‘અરે! તમે કેવી સરસ વાત કરી તે દિવસે! ઈશ્વરના જ ખોળામાં બેઠો છું, અને એને રોગની વાત કરવી નહિ તો કોને કરવી. બોલાવવો હોય તો તેને જ બોલાવવો!’

એ વાત કહેતાં કહેતાં ઠાકુરની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં.

ઠાકુર વળી પાછા ભાવ-મગ્ન. ભાવ-અવસ્થામાં ડૉક્ટરને કહે છે ‘તમે ખૂબ શુદ્ધ! એમ ન હોત તો (હું) પગ (તમારા ખોળામાં) રાખી શકત નહિ!’ વળી પાછા બોલે છે, ‘શાંત વો હી હય જો રામરસ ચાખે!’

‘વિષયો શું? એમાં છે શું? પૈસા, ટકા, માન, શરીરનું સુખ એમાં છે શું? રામકો જો ચિના નહિ, દિલ ચિના હય સો ક્યા રે?’

આટલી માંદગી ઉપર ઠાકુરને ભાવ-આવેશ થાય છે એ જોઈને ભક્તો ચિંતિત થયા છે. ઠાકુર કહે છે કે ‘આ ગીત ગવાય તો હું (ભાવ-સમાધિનો આવેશ) અટકાવું : ‘હરિરસ-મદિરા.’

નરેન્દ્ર બીજા ઓરડામાં હતા તેમને બોલાવવામાં આવ્યા.

એ એમના ગંધર્વ-કંઠે ગીત સંભળાવવા લાગ્યા.

‘હરિરસ-મદિરા પીને મમ માનસ મા બનો રે,

(એક વાર) આળોટીને અવની પર, હરિ હરિ બોલી રડો રે..

ગંભીર નિનાદે હરિ નામે ગગન ભરી દો રે,

નાચો હરિ બોલી બેઉ હાથ ઉઠાવીને, હરિનામ વહેંચો રે,

હરિપ્રેમાનંદરસે રાતદિન તમે તરો રે,

ગાઓ હરિનામ, થાઓ પૂર્ણકામ, નીચ વાસના નાસો રે.

શ્રીરામકૃષ્ણ – અને પેલું? ‘ચિદાનંદ સિંધુ નીરમાં?’

નરેન્દ્ર ગાય છે :

‘ચિદાનંદ-સિંધુ-નીરમાં પ્રેમાનંદ લહરી,

મહાભાવ રસલીલા, શી માધુરી જાઉં વારી,

મહાયોગે સર્વ એકાકાર થયું,

દેશકાળ ભેદાભેદ વ્યવધાન દૂર થયું,

હવે આનંદે મતવાલા બની,

બંને હાથ ઊંચા કરી, મન, હરિ હરિ બોલ.’

ગીત : ‘ચિન્તય મમ માનસ હરિ ચિદ્ધ‌ન નિરંજન,’

ડૉક્ટર એકાગ્ર ચિત્ત સાંભળી રહ્યા છે. ગીત પૂરું થયે બોલી ઊઠ્યા, ‘ચિદાનંદ સિન્ધુ-નીરમાં, બહુ સરસ ગીત!’ ડૉક્ટરનો આનંદ જોઈને ઠાકુર બોલે છે ‘એક છોકરો તેના બાપને કહેતો’તો કે ‘બાપા, તમે જરા (દારૂ) ચાખી તો જુઓ, ત્યાર પછી મને છોડવાનું કહો તો છોડવાનો વિચાર કરું.’ બાપે પી જોયો. પછી એ બોલ્યો, ‘દીકરા, તું છોડી દે તો વાંધો નહિ, પણ આપણે હવે છોડવાના નથી!’ (ડૉક્ટર અને સૌનું હાસ્ય).

‘તે દિવસે માએ દેખાડ્યા બે માણસો. આ તેઓમાંના એક. મેં જોયું કે ખૂબ જ્ઞાન થશે, પરંતુ શુષ્ક. (ડૉક્ટરને, સહાસ્ય) પણ તમે રસથી નરમ થશો!’

ડૉક્ટર શાંત થઈને બેઠા છે.

Total Views: 235
ખંડ 51: અધ્યાય 40 : શ્યામપુકુરના મકાનમાં હરિવલ્લભ, નરેન્દ્ર, મિશ્ર, વગેરે ભક્તો સાથે
ખંડ 51: અધ્યાય 42 : કાલીપૂજા દિવસે શ્યામપુકુરના મકાનમાં ભક્તો સાથે