શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના મકાનમાં ઉપરને મજલે દક્ષિણ બાજુના ઓરડામાં ઊભા છે. સમય સવારના નવ. પોશાકમાં ધોયેલાં વસ્ત્રો અને કપાળમાં ચંદનનું તિલક.

માસ્ટર ઠાકુરના આદેશથી શ્રીસિદ્ધેશ્વરી કાલીનો પ્રસાદ લાવ્યા છે. હાથમાં પ્રસાદ લઈને ઠાકુર ભક્તિભાવપૂર્વક ઊભા રહીને જરાક ખાય છે અને જરાક માથે ચડાવે છે. પ્રસાદ ખાતી વખતે સપાટ કાઢી નાખે છે. માસ્ટરને કહે છે કે ‘બહુ મજાનો પ્રસાદ.’

શ્રીસિદ્ધેશ્વરી કાલી

આજ શુક્રવાર, આસો વદ અમાસ; ૬ઠ્ઠી નવેમ્બર, ઈ.સ. ૧૮૮૫. આજે કાલીપૂજા ને દીવાળી.

ઠાકુરે માસ્ટરને આદેશ કરેલો કે ફૂલ, લીલું નાળિયેર, સાકર ને પેંડાનું નૈવેદ્ય લઈને ઠનઠનિયાની શ્રીસિદ્ધેશ્વરી કાલી માતાની આજ સવારે પૂજા કરી આવજો.

માસ્ટર સ્નાન કરીને ઉઘાડે પગે સવારમાં પૂજા કરી આવીને પાછા ઉઘાડે પગે ઠાકુરની પાસે પ્રસાદ લાવ્યા છે.

ઠાકુરનો બીજો એક આદેશ હતો : રામપ્રસાદ અને કમલાકાન્તનાં ગીતોની એક એક ચોપડી ખરીદ કરી લાવવી, ડો. સરકારને આપવા માટે.

માસ્ટર કહે છે ‘આ ચોપડીઓ લાવ્યો છું, રામપ્રસાદ અને કમલાકાન્તનાં ભજનોની ચોપડી.’ શ્રીરામકૃષ્ણ બોલ્યા કે આ ગીતો બધાં (ડૉક્ટરની અંદર) ઘુસાડી દેવાં :-

ગીત : ‘મન શું શોધ કરો તેની પાગલ પેઠે અંધારા ઘરમાં?

એ તો ભાવનો વિષય, ભાવ વિના શું અભાવથી કોઈ પામી શકે?..’

ગીત : ‘કોણ જાણે કાલી કેવી, ષડ્દર્શન નવ પામે દર્શન.’

ગીત : ‘મન તું ખેતી-કામ ન જાણે,

આવી માનવ જમીન રહી છે પડી; ખેતી કર્યે પાકત સોનું -’

ગીત : ‘ચાલ ને મન, ફરવા જઈએ!’

કાલી કલ્પતરુ મૂળે (મન), ચારે ફળ વીણીને લઈએ’

માસ્ટર – જી હા!

ઠાકુર માસ્ટરની સાથે ઓરડામાં આંટા મારી રહ્યા છે. પગમાં સપાટ, આટલું ગળાનું દરદ છતાં ચહેરો હસતો.

શ્રીરામકૃષ્ણ – અને પેલું ગીત પણ સરસ!

– ‘આ સંસાર ધોખાની ટટ્ટી અને

આ સંસાર છે મોજની કુટિર, ઓ ભાઈ, આનંદ બજારમાં લૂંટી-’

માસ્ટર – જી હા.

ઠાકુર અચાનક ચમકે છે. તરત સપાટ કાઢીને સ્થિર ભાવે ઊભા રહ્યા. એકદમ સમાધિસ્થ. આજે જગન્માતાની પૂજા, એટલે શું વારંવાર ચમકી ઊઠેે છે? અને સમાધિ થાય છે! બહુ વાર પછી દીર્ઘ શ્વાસ મૂકીને જાણે અતિ કષ્ટે ભાવનું સંવરણ કર્યું.

Total Views: 213
ખંડ 51: અધ્યાય 41 : શ્રીરામકૃષ્ણ અને Jesus Christ - એમનામાં ઈશુ ખ્રિસ્તનો આવિર્ભાવ
ખંડ 51: અધ્યાય 43 : કાલીપૂજા દિવસે ભક્તો સાથે