સમાધિમાં

બીજે દિવસે સોમવાર, ૧૫ માર્ચ, ઈ.સ. ૧૮૮૬. સમય સવારના સાત આઠ. ઠાકુર જરા સ્વસ્થ થયા છે. અને ભક્તોની સાથે ધીમે ધીમે ક્યારેક ઇશારત કરીને વાતો કરે છે. પાસે નરેન્દ્ર, રાખાલ, માસ્ટર, લાટુ, સિંથિનો ગોપાલ વગેરે બેઠા છે.

ભક્તોના મોઢામાં શબ્દ સરખોય નથી. ઠાકુરની આગલી રાત્રિની શરીરની અવસ્થા યાદ કરીને તેઓ વિષાદ-ગંભીર થઈને મૂંગા બેઠા છે.

(શ્રીઠાકુરનાં દર્શન – ઈશ્વર, જીવ, જગત)

શ્રીરામકૃષ્ણ (માસ્ટરની સામે જોઈને, ભક્તોને) – હું શું જોઉં છું, કહું? ઈશ્વર જ સર્વ કંઈ થઈ રહ્યો છે! મનુષ્ય અને બધા જીવો જે આ દેખાય છે, તે બધાય જાણે કે ચામડાંથી મઢેલા; એની અંદરથી ઈશ્વર જ હાથ, પગ, માથું વગેરે હલાવી રહ્યો છે! જેમ એક વાર જોયું હતું કે જાણે કે મીણનું મકાન, મીણનો બગીચો, મીણનો રસ્તો, માણસો, જાનવરો એ બધાંય મીણનાં; બધાં એક જ વસ્તુનાં બનેલાં!

હું જોઉં છું કે ઈશ્વર જ બલિદાન લેનાર થયો છે, એ જ બલિદાનનું વધ્ય પશુ થયેલ છે, માથું ટેકાવવાનો કાંઠલો, ને એ બલિદાન દેવાનું શસ્ત્ર થયેલ છે!

શું ઠાકુર કહી રહ્યા કે જીવોના દુઃખથી દુખી થઈને તેઓ પોતાના શરીરનું જીવોના મંગલને માટે બલિદાન દઈ રહ્યા છે.

‘ઈશ્વર જ વધ કરનાર, વધ્ય પશુ, અને વધ કરવાનું હથિયાર થયેલ છે!’ એ શબ્દો બોલતાં બોલતાં ઠાકુર ભાવમાં વિભોર થઈને બોલે છે, ‘અહા! અહા!’

વળી પાછી એ ભાવ-અવસ્થા! ઠાકુર ભાવમાં બાહ્યજ્ઞાન રહિત થતા જાય છે. ભક્તો કિંકર્તવ્યવિમૂઢ – શું કરવું એ ન સૂઝતાં – તેઓ શાંત બેઠા છે.

ઠાકુરને જરા બાહ્યજ્ઞાન આવ્યા પછી તેઓ બોલે છે, ‘હવે મને લેશ પણ વેદના નથી; બરાબર પહેલાંના જેવી જ અવસ્થા છે!’

ઠાકુરની આ સુખદુઃખથી અતીત અવસ્થા જોઈને ભક્તો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. લાટુની સામે જોઈને વળી કહે છે,

‘આ લેટો, માથે હાથ દઈને બેસી રહ્યો છે; તે જાણે કે ઈશ્વર જ માથે હાથ દઈને બેઠો છે!’

ઠાકુર ભક્તોને એક સાથે બેઠેલા જુએ છે અને સ્નેહથી જાણે વિગલિત થાય છે. જેમ નાના શિશુને હેત કરે, તે પ્રમાણે રાખાલ અને નરેન્દ્રને હેત કરે છે. તેમના મોં પર હાથ ફેરવીને હેત કરે છે!

(લીલાસંવરણ શા માટે?)

થોડી વાર પછી માસ્ટરને કહે છે, ‘શરીર જો થોડા દિવસ ટકત તો ઘણા માણસોને ચૈતન્ય-જાગૃતિ થાત.’

ઠાકુર જરા બોલતા અટકી જાય છે.

પાછા ઠાકુર બોલે છે, ‘પણ હવે (ઈશ્વર) શરીર રહેવા દેશે નહિ.’

ભક્તો વિચાર કરે છે કે ઠાકુર વળી આગળ શું બોલવાના? ઠાકુર બોલે છે, ‘પરંતુ રાખશે નહિ; (મને) સરળ, મૂર્ખ જોઈને વખતે માણસો ગળે પડીને બધું લઈ જાય! વખતે (આ) ભોળો મૂર્ખ બધું દઈ દે! એક તો કલિયુગમાં ધ્યાન જપ કોઈ કરે નહિ.’

રાખાલ (સ્નેહથી) – આપ કહો કે જેથી આપનું શરીર ટકે.

શ્રીરામકૃષ્ણ – એ ઈશ્વરની ઇચ્છા.

નરેન્દ્ર – આપની ઇચ્છા અને ઈશ્વરની ઇચ્છા એક થઈ ગઈ છે.

ઠાકુર જરા ચૂપ થઈ રહ્યા છે. જાણે કંઈક વિચાર કરે છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર, રાખાલ વગેરે ભક્તોને) – વળી, કહું છું તો પણ ક્યાં તેમ થાય છે?

હવે હું જોઉં છું કે બધું એક થઈ ગયું છે. નણંદની બીકથી શ્રીમતી રાધાએ કૃષ્ણને કહ્યું કે ‘તમે હૃદયની અંદર રહો.’ પણ જ્યારે આતુર થઈને કૃષ્ણનાં દર્શન કરવાનું મન થયું, ત્યારે તેને એવી વ્યાકુળતા કે જાણે બિલાડી બરાડા પાડે! પણ ત્યારે કૃષ્ણ પાછા ફરીથી બહાર આવે નહિ!

રાખાલ (ભક્તોને, મૃદુ સ્વરે) – ગૌર અવતારની વાત કરે છે.

Total Views: 379
ખંડ 52 : અધ્યાય 7 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના ઉદ્યાનગૃહમાં અંતરંગ અને ગૃહસ્થભક્તો સાથે
ખંડ 52 : અધ્યાય 9 : ગુહ્યકથા - ઠાકુર શ્રીરામકૃષ્ણ અને તેમના અંતરંગ ભક્તો