ભક્તો નિઃસ્તબ્ધ થઈને બેઠા છે. ઠાકુર ભક્તોને સ્નેહભરી નજરે જુએ છે. ઠાકુરે પોતાના હૃદય ઉપર હાથ મૂક્યો, કંઈક બોલવા સારુ.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર વગેરેને) – આની અંદર બે છે; એક તે (ઈશ્વર);

ભક્તો રાહ જુએ છે કે ઠાકુર આગળ શું કહેશે.

શ્રીરામકૃષ્ણ – એક તે (ઈશ્વર), અને બીજો ભક્ત થઈ રહેલ છે. તેનો જ હાથ ભાંગ્યો હતો, તેને જ આ બીમારી થઈ છે. સમજો છો?

ભક્તો ચૂપ થઈને બેઠા છે.

શ્રીરામકૃષ્ણ – કોને હું કહું છું, ને કોણ આ સમજશે?

થોડીક વાર પછી ઠાકુર વળી વાતો કરે છે.

‘ઈશ્વર મનુષ્ય થઈને, અવતાર લઈને ભક્તોની સાથે આવે. ભક્તો તેની જ સાથે પાછા ચાલ્યા જાય.’

રાખાલ – તો પછી અમને મૂકીને આપ ચાલ્યા ન જતા.

ઠાકુર મૃદુ મૃદુ હસે છે. કહે છે કે બાઉલ (સંપ્રદાય)ની કીર્તન-મંડળી અચાનક આવી; કીર્તન કર્યાં, નાચ્યા, ગીત ગાયાં ને અચાનક ચાલી ગઈ! આવી અને ગઈ, પણ કોઈએ ઓળખી નહિ; એના જેવું. (ઠાકુર અને સૌનું સહેજ હાસ્ય).

જરા વાર ચૂપ રહીને ઠાકુર વળી બોલે છે :

‘દેહ ધારણ કર્યાે એટલે કષ્ટ છે જ.

ક્યારેક એમ થઈ જાય કે હવેથી જાણે આવવું નહિ.

પણ એક વાત છે; આમંત્રણનાં ભોજન જમી જમીને પછી ઘરના અડદની દાળ અને બાજરાનો રોટલો ભાવે નહિ.

અને ફરીથી દેહ ધારણ, એ ભક્તોને માટે.

ઠાકુરને ભક્તોનાં નૈવેદ્ય, ભક્તોનાં આમંત્રણ, ભક્તો સાથે વિહાર ગમે; શું એ વાત ઠાકુર બોલી રહ્યા છે?

(નરેન્દ્રનાં જ્ઞાનભક્તિ – નરેન્દ્ર અને સંસારત્યાગ)

ઠાકુર નરેન્દ્રને સ્નેહપૂર્ણ દૃષ્ટિએ જુએ છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – કાશીમાં ચાંડાળ માંસનો બોજો ઉપાડીને જતો હતો. શંકરાચાર્ય ગંગાસ્નાન કરીને બાજુમાંથી પસાર થતા હતા. એટલામાં પેલો ચાંડાળ અચાનક એમને અડી ગયો. આચાર્ય નારાજ થઈને બોલી ઊઠ્યા :‘તું મને અડી ગયો?’ એટલે ચાંડાળે જવાબ આપ્યો, ‘ભગવન્! તમેય મને અડ્યા નથી ને હું પણ તમને અડ્યો નથી! તમે વિચાર કરો! તમે તે શું દેહ, કે તમે તે મન કે બુદ્ધિ? શું તમે? એ વિચાર કરો! શુદ્ધ આત્મા અલિપ્ત, સત્ત્વ, રજ અને તમ એ ત્રણે ગુણો; એમાંથી એકેયથી આત્મા લિપ્ત નહિ.’

‘બ્રહ્મ કેવું ખબર છે? જેમ કે વાયુ. સુગંધ, દુર્ગંધ એ બધું વાયુમાં આવે, પરંતુ વાયુ પોતે અલિપ્ત.’

નરેન્દ્ર – જી હા.

શ્રીરામકૃષ્ણ – બ્રહ્મ ગુણાતીત, માયાતીત; અવિદ્યા-માયા અને વિદ્યા-માયા એ બેયથી અતીત. કામિની-કાંચન એ અવિદ્યા; જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ બધું વિદ્યાનું ઐશ્વર્ય. શંકરાચાર્યે વિદ્યા-માયા રહેવા દીધી હતી. તમે અને આ બધા ભક્તો જે મારી કાળજી રાખો છો, એ કાળજી તે વિદ્યા-માયા.

‘વિદ્યા-માયાને પકડી પકડીને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય; જેમ કે સીડીનાં ઉપરનાં પગથિયાં. ત્યાર પછી જ અગાસી. કોઈ કોઈ અગાસીએ પહોંચી ગયા પછી પણ સીડી પર આવજા કરે; જ્ઞાન પ્રાપ્તિ પછીયે વિદ્યાના અહંને રહેવા દે, લોકોપદેશ માટે, તેમ જ ભક્તિનો આસ્વાદ લેવા, ભક્તો સાથે વિલાસ કરવા સારુ.’

નરેન્દ્ર વગેરે ભક્તો ચૂપ રહ્યા છે. ઠાકુર શું આ બધી પોતાની અનુભૂતિની અવસ્થાઓ કહે છે?

નરેન્દ્ર – કોઈ કોઈ મારા પર ગુસ્સે થાય, ત્યાગની વાત કરું એટલે.

શ્રીરામકૃષ્ણ (મૃદુ સ્વરે) – ત્યાગની જરૂર છે જ.

ઠાકુર પોતાના શરીરનાં અંગે અંગ બતાવીને કહે છે, ‘એક વસ્તુની ઉપર જો બીજી એક વસ્તુ હોય અને નીચેની વસ્તુ લેવી હોય, તો શું ઉપરની વસ્તુ હઠાવવી ન જોઈએ? ઉપરનીને ખસેડ્યા વિના બીજી મળે કે?’

નરેન્દ્ર – જી હા, ખરી વાત.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને મૃદુ સ્વરે) – બધું ઈશ્વરમય જોયા પછી બીજું કંઈ શું દેખાય કે?

નરેન્દ્ર – સંસાર ત્યાગ કરવો જ જોઈએ ને?

શ્રીરામકૃષ્ણ – અગાઉ કહ્યું ને, કે ઈશ્વરમય દેખ્યે શું બીજું કાંઈ દેખાય? સંસાર બંસાર વગેરે બીજું કંઈ દેખાય ખરું?

‘પણ મનથી ત્યાગ. અહીં જેઓ આવે છે, તેમાંથી કોઈ સંસારી નથી. કોઈ કોઈની જરા તરા ઇચ્છા હતી સ્ત્રી સહવાસની, (રાખાલ, માસ્ટર વગેરેનું સહેજ હાસ્ય) એ ઇચ્છા પૂરી થઈ ગઈ!

(નરેન્દ્ર અને વીરભાવ)

ઠાકુર નરેન્દ્રને સ્નેહભરી નજરે જુએ છે. જોતજોતામાં જાણે આનંદથી પરિપૂર્ણ થતા જાય છે. ભક્તોના સામું જોઈને બોલે છે, ‘ખૂબ!’

નરેન્દ્ર ઠાકુરને હસીને પૂછે છે, ‘ખૂબ’ શું?

શ્રીરામકૃષ્ણ (હસીને) – ત્યાગ ખૂબ વધતો આવે છે!

નરેન્દ્ર અને ભક્તો ચૂપ રહ્યા છે અને ઠાકુરને નિહાળી રહ્યા છે.

હવે રાખાલ વાત કરે છે.

રાખાલ (ઠાકુરને હસીને) – નરેન્દ્ર આપને ખૂબ સમજે છે.

ઠાકુર હસે છે અને કહે છે કે ‘હાં! તેમ વળી જોઉં છું કે ઘણાય સમજે છે. (માસ્ટરને) ખરું ને?’

માસ્ટર – જી હાં.

ઠાકુર નરેન્દ્ર અને મણિને જુએ છે અને હાથથી ઇશારત કરીને રાખાલ વગેરે ભક્તોને દેખાડે છે. પ્રથમ ઇશારતથી નરેન્દ્રને બતાવ્યા ત્યાર પછી મણિને દેખાડ્યા.

રાખાલ ઠાકુરની ઇશારત સમજ્યા છે અને વાત કરે છે.

રાખાલ (હસીને, શ્રીરામકૃષ્ણને) – આપ એમ કહો છો કે નરેન્દ્રનો વીરભાવ, અને આમનો સખીભાવ! (ઠાકુર હસી રહ્યા છે).

નરેન્દ્ર (હસીને) – આ (માસ્ટર) વધુ બોલે નહિ અને શરમાળ, એટલે એમ લાગે છે કે એમ કહો છો!

શ્રીરામકૃષ્ણ (હસીને, નરેન્દ્રને) – ઠીક, મારો કયો ભાવ?

નરેન્દ્ર – આપનો વીરભાવ, સખીભાવ અને બીજા બધાય (ભાવ)!

(ઠાકુર શ્રીરામકૃષ્ણ – તે કોણ?)

ઠાકુર એ શબ્દો સાંભળીને જાણે કે ભાવથી પરિપૂર્ણ થયા. હૃદય પર હાથ રાખીને કંઈક બોલે છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર વગેરે ભક્તોને) – હું જોઉં છું કે આની અંદરથી જ સર્વ કંઈ.

નરેન્દ્રને ઇશારત કરીને પૂછે છે, ‘શું સમજ્યો?’

નરેન્દ્ર – જેટલા ઉત્પન્ન થયેલા પદાર્થાે છે એ બધા આપની અંદરથી.

શ્રીરામકૃષ્ણ (રાખાલને, આનંદથી) – જોયું?

ઠાકુર નરેન્દ્રને જરા ગીત ગાવાનું કહે છે. નરેન્દ્ર સૂર કાઢીને ગાય છે. નરેન્દ્રની અંદરનો ત્યાગનો ભાવ, એટલે એ ભાવનું ગાય છે :

નલિનીદલગતજલમતિતરલં તદ્વજ્જીવિતમતિશયચપલમ્।
ક્ષણમિહ સજ્જનસંગતિરેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા॥
કમલપત્ર પર જળ અતિ તરલું, તેમ જ જીવન અતિશય ચપળું,
ક્ષણભર-સજ્જન-સંગતિ જગમાં, થાય ભવાર્ણવ તરવા નૌકા.

એક બે કડી ગાયા પછી ઠાકુર નરેન્દ્રને ઇશારતથી કહે છે, ‘એ શું? એ બધો ભાવ તો અતિ સામાન્ય!

એટલે હવે નરેન્દ્ર સખીભાવનું ગીત ગાય છે :

કેમ સખી જીવન મરણનું શું વિધાન;
વ્રજનો કિશોર એ ક્યાં ગયો કા’ન, વ્રજજનો કેરા તૂટતા અહીં પ્રાણ –
મળી સખી નાગરી, ભૂલી ગયા માધવ, રૂપવિહોણી એ ગોપકુમારી,
કોણ જાણે પ્રિયસખી રસમય પ્રેમિક, આવો સખો રૂપનો ભિખારી –
આગે નહિ સમજી, રૂપ જોઈને ભૂલી, હૃદયે ધરિયાં મેં ચરણયુગલ;
યમુના- સલિલ મહિં, ત્યજું તનુ દોડી જઈ, લાવો સખી પીઉં હું ગરલ –
(કિંવા) કાનન- વલ્લરીની ગળે રસી લગાવીને, નવીન તમાલે હું ફાંસો ખાઉં
(કિંવા) શ્યામ, શ્યામ, શ્યામ, શ્યામ, શ્યામ નામ જપી જપી
ધૂળ જેવા આ શરીરનો કરું વિનાશ!’

ગીત સાંભળીને ઠાકુર અને ભક્તો મોહિત થઈ ગયા છે. ઠાકુર અને રાખાલનાં નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યાં છે. નરેન્દ્ર વળી વ્રજગોપીઓના ભાવમાં મસ્ત થઈને કીર્તનના સૂરે ગાય છે :

‘તમે મમ પ્રિય બંધુ, કહું શું તમોને નાથ,
હું જાણું શું, કહું હું તો અભાગણી નારી જાત –
તમે હાથનું દર્પણ, માથા કેરું ફૂલ;
(તમારું ફૂલ કરીને કેશે બાંધીશ બંધુ;)
(તમને મમ હૃદયે રાખીશ છુપાવી છુુપાવીને;)
(શ્યામ ફૂલ પહેર્યે કોઈ દેખી શકે નહિ) –
તમે નયનનું કાજલ, મુખનું તાંબુલ;
(તવ શ્યામનું અંજન કરીને નયને લગાવીશું;)
(શ્યામ-અંજન કર્યે કંઈ બોલી ના શકે) –
તમે અંગના મૃગમદ, ગળાનો હાર;
(શ્યામ-ચંદન ચોળીને શીતલ બનું હું સખા) –
તમારો હાર કંઠે પહેરું સખા,
તમે દેહનું સર્વસ્વ, ઘરનો સાર.
પંખીની પાંખ, મીનનું પાણી,
તેમજ હું સખા, તમને માનું –

Total Views: 370
ખંડ 52 : અધ્યાય 8
ખંડ 52 : અધ્યાય 10 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના ઉદ્યાનમાં નરેન્દ્રાદિ ભક્તો સાથે