‘બુદ્ધદેવ અને ઠાકુર શ્રીરામકૃષ્ણ’

શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાં ભક્તો સાથે છે. આજ શુક્રવાર, ચૈત્ર સુદ પાંચમ; ૯મી એપ્રિલ ૧૮૮૬. સમય સાંજના પાંચ.

નરેન્દ્ર, કાલી, નિરંજન અને માસ્ટર નીચે બેસીને વાતો કરે છે.

કાલી (સ્વામી અભેદાનંદ)

નિરંજન (માસ્ટરને) – વિદ્યાસાગરની એક નવી સ્કૂલ થવાની છે એમ સાંભળ્યું છે. એમાં નરેન્દ્રને એકાદી નોકરી જો મેળવી આપો તો –

નરેન્દ્ર – હવે વિદ્યાસાગરની નોકરીની જરૂર નથી.

નરેન્દ્ર તરતમાં જ બુદ્ધગયા જઈ આવ્યો છે. ત્યાં બુદ્ધ-મૂર્તિનાં દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયો હતો. જે વૃક્ષ નીચે ભગવાન બુદ્ધે તપસ્યા કરીને નિર્વાણ-પ્રાપ્તિ કરી હતી તે વૃક્ષની જગ્યાએ એક નવું વૃક્ષ ઊગ્યું છે. એનાં પણ દર્શન કર્યાં હતાં.

કાલીએ કહ્યું કે એક દિવસ ગયાના ઉમેશ બાબુને ઘેર નરેન્દ્રે ગીત ગાયું હતું. મૃદંગની સાથે ખયાલ, ધ્રુપદ વગેરે.

શ્રીરામકૃષ્ણ ઓરડામાં બિછાનામાં બેઠેલા છે. રાત્રિ થોડીક ગઈ છે. મણિ એકલા પંખો નાખી રહ્યા છે. લાટુ આવીને બેઠો.

શ્રીરામકૃષ્ણ (મણિને) – અંગે ઓઢવાની એક ચાદર અને એક જોડી સપાટ લઈ આવજો.

મણિ – જી, ભલે.

શ્રીરામકૃષ્ણ (લાટુને) – ચાદરના દશ આના અને એક જોડી સપાટ, બધા મળીને કેટલા પૈસા થાય?

લાટુ – એક રૂપિયો ને દશ આના.

ઠાકુરે મણિને કિંમત યાદ રાખવાની ઇશારત કરી. એટલામાં નરેન્દ્ર આવીને બેઠો. શશી અને રાખાલ અને બીજા એક બે ભક્તો આવીને બેઠા. ઠાકુરે નરેન્દ્રને પોતાને પગે હાથ ફેરવવાનું કહ્યું. થોડી વારે ઠાકુરે ઇશારતથી નરેન્દ્રને પૂછે કે ‘તું જમ્યો?’

(બુદ્ધદેવ શું નાસ્તિક? – ‘અસ્તિ-નાસ્તિની મધ્ય અવસ્થા’)

ભગવાન બુદ્ધદેવ

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને, હસીને) – ત્યાં (એટલે કે બુદ્ધ-ગયા) ગયો હતો.

માસ્ટર (નરેન્દ્રને) – બુદ્ધદેવનો શો મત?

નરેન્દ્ર – એમને તપશ્ચર્યાને અંતે શું મળ્યું, એ સ્વમુખે વ્યક્ત કરી શક્યા નહિ. એટલે સૌ કહે છે કે નાસ્તિક.

શ્રીરામકૃષ્ણ (ઇશારત દ્વારા) – નાસ્તિક શા માટે? નાસ્તિક નહિ; મુખથી બોલી શક્યા નહિ. બુદ્ધ એટલે શું ખબર છે? બોધ-સ્વરૂપનું ચિંતન કરી કરીને તે જ બનવું –બોધ-સ્વરૂપ થવું.

નરેન્દ્ર – જી હા, એમનામાં ત્રણ વર્ગ છે : બુદ્ધ, અર્હત્ અને બોધિસત્ત્વ.

શ્રીરામકૃષ્ણ – એ ઈશ્વરનો જ ખેલ; એક નવી લીલા, નાસ્તિક શેના? જ્યાં સ્વ-સ્વરૂપનો બોધ થાય, ત્યાં અસ્તિ-નાસ્તિની વચ્ચેની અવસ્થા.

નરેન્દ્ર (માસ્ટરને) – જે અવસ્થામાં contradictions meet પરસ્પર વિરુદ્ધ અવસ્થાઓનું મિલન થાય. જેમ કે હાઈડ્રોજન અને ઓક્સિજન મળીને ઠંડું જળ બને. એ જ હાઈડ્રોજન અને ઓક્સિજન મળીને Oxyhydrogen-blowpipe – ઓકસી-હાઈડ્રોજન બ્લોપાઈપ (જ્વલંત અતિ ઉષ્ણ અગ્નિ-શિખા) પેદા થાય. તેમ જે અવસ્થામાં કર્મ અને કર્મત્યાગ બન્ને સંભવે; અર્થાત્ નિષ્કામ કર્મ.

જેઓ સંસારી, ઇન્દ્રિયોના વિષયો લઈને રહ્યા છે, તેઓ કહે છે સબ ‘અસ્તિ’ અને માયાવાદીઓ કહે છે ‘નાસ્તિ’. બુદ્ધની અવસ્થા આ અસ્તિ-નાસ્તિથી પર.

શ્રીરામકૃષ્ણ – એ અસ્તિ-નાસ્તિ પ્રકૃતિના ગુણ. જે યથાર્થ તત્ત્વ, તે અસ્તિ નાસ્તિથી પર.

ભક્તો બધા થોડીવાર શાંત બેઠા છે. ઠાકુર વળી વાતો કરે છે.

(બુદ્ધદેવની દયા, વૈરાગ્ય અને નરેન્દ્ર)

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – એમનો (બુદ્ધનો) મત શો?

નરેન્દ્ર – ઈશ્વર છે કે નથી, એ બધી વાતો બુદ્ધ કહેતા નથી. પણ તેમનામાં દયા ખૂબ હતી. એક બાજ પક્ષી શિકાર પકડીને તેને ખાવા જતું હતું. બુદ્ધે એ શિકારનો પ્રાણ બચાવવા માટે પોતાના શરીરનું માંસ તેને આપ્યું હતું.

ઠાકુર શ્રીરામકૃષ્ણ ચૂપ બેઠા છે. નરેન્દ્ર ઉત્સાહપૂર્વક બુદ્ધદેવની વાતો આગળ ચલાવે છે.

નરેન્દ્ર – એમનો વૈરાગ્ય કેવો! રાજાનો કુંવર થઈને સર્વસ્વનો ત્યાગ કર્યાે! જેમની પાસે કંઈ નહિ, કશું ઐશ્વર્ય નહિ, એ વળી શું ત્યાગ કરવાના!

‘જ્યારે બુદ્ધ થઈને, નિર્વાણ-પ્રાપ્તિ કરીને, એકવાર ઘેર આવ્યા ત્યારે પોતાની સ્ત્રીને, પુત્રને, રાજકુટુંબના અનેકને વૈરાગ્ય લેવાનું કહ્યું! કેવો વૈરાગ્ય? પરંતુ આ બાજુ વ્યાસદેવનું વર્તન જુઓ. શુકદેવને સંસાર છોડતાં અટકાવીને કહે છે, ‘પુત્ર, સંસારમાં રહીને ધર્મ-સાધના કરો.’

ઠાકુર ચૂપ રહ્યા છે. હજી સુધી કશું બોલતા નથી.

નરેન્દ્ર- શક્તિ બક્તિ કશું (બુદ્ધ) માનતા નહિ; માત્ર નિર્વાણ. તેમનો કેવો વૈરાગ્ય! બોધિવૃક્ષની નીચે તપસ્યા કરવા બેઠા અને બોલ્યા કે ‘ઇહાસને શુષ્યતુ મે શરીરમ્।’ અર્થાત્ જો નિર્વાણ-પ્રાપ્તિ ન થાય તો શરીર અહીં જ સુકાઈ જાઓ, એવી દૃઢ પ્રતિજ્ઞા! શરીર જ તો બદમાશ! એને કાબૂમાં લીધા વિના શું કંઈ બને?

થોડી વાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ વાત કરે છે; અને વળી બુદ્ધદેવની વાત ઇશારત કરીને પૂછે છે.

શ્રીરામકૃષ્ણ – (બુદ્ધદેવના) માથામાં શું જટા?

નરેન્દ્ર – જી ના; રુદ્રાક્ષની માળાઓ ઘણી એકઠી કરી હોય અને જેવું થાય, એના જેવું માથા પર.

શ્રીરામકૃષ્ણ – ચક્ષુ?

નરેન્દ્ર – ચક્ષુ સમાધિસ્થ!

(ઠાકુર શ્રીરામકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન – ‘હું જ તે’)

ઠાકુર ચૂપ બેઠા છે. નરેન્દ્ર અને બીજા ભક્તો તેમને એકીટસે જોઈ રહ્યા છે. અચાનક તેમણે જરા હસીને વળી નરેન્દ્રની સાથે વાત શરૂ કરી. મણિ પંખો કરે છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – ઠીક, પણ અહીં બધુંય છે; ખરું ને? મસૂરની દાળ, ચણાદાળથી માંડીને આંબલી સુધી.

નરેન્દ્ર – આપ એ બધી અવસ્થાઓનો અનુભવ કરીને નીચે રહ્યા છો.

મણિ (સ્વગત) – બધી અવસ્થાઓનો અનુભવ કરીને પછી ભક્તની અવસ્થામાં!

શ્રીરામકૃષ્ણ – જાણે કે કોઈએ નીચે ખેંચી રાખ્યો છે.

એમ કહીને ઠાકુર શ્રીરામકૃષ્ણે મણિના હાથમાંથી પંખો લીધો. વળી વાત કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ – આ પંખો જેમ જોઉં છું, સામે પ્રત્યક્ષ; બરાબર એમ જ મેં એને (ઈશ્વરને) પ્રત્યક્ષ જોયો છે! અને જોયું કે –

એમ કહીને ઠાકુર પોતાના હૃદયે હાથ મૂકીને ઇશારત કરે છે અને નરેન્દ્રને કહે છે, ‘હું શું બોલ્યો, કહે જોઈએ.’

નરેન્દ્ર – સમજ્યો.

શ્રીરામકૃષ્ણ – કહે જોઈએ.

નરેન્દ્ર – બરાબર સાંભળ્યું નહિ.

શ્રીરામકૃષ્ણ વળી કહે છે, ‘મેં જોયું, કે ઈશ્વર અને હૃદયની અંદર જે છે તે એક જ વ્યક્તિ!’

નરેન્દ્ર – હા, હા : સોઽહમ્!

શ્રીરામકૃષ્ણ – પણ વચ્ચે એક આછી રેખા માત્ર છે (ભક્તનો અહં છે); ઈશ્વરી આનંદ ભોગવવા સારુ.

નરેન્દ્ર (માસ્ટરને) – મહાપુરુષો પોતાનો ઉદ્ધાર થઈ ગયા પછી જીવોના ઉદ્ધાર માટે ‘હું’ એ ભાન લઈને રહે, દેહનાં સુખદુઃખ લઈને રહે.

જેમ કે મજૂરીનું કામ; આપણું મજૂરપણું compulsion ફરજિયાત, મહાપુરુષો મજૂરી કરે શોખથી.

(ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ગુરુકૃપા)

ફરી બધા ચૂપ રહ્યા છે. અહૈતુક કૃપાસિંધુ ઠાકુર શ્રીરામકૃષ્ણ વળી વાતો કરે છે. પોતે કોણ એ તત્ત્વ નરેન્દ્ર વગેરે ભક્તોને સમજાવે છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર વગેરે ભક્તોને) – અગાસી દેખાય તો ખરી, પણ અગાસીએ પહોંચવું બહુ કઠણ.

નરેન્દ્ર – જી હા.

શ્રીરામકૃષ્ણ – તો પણ, જો કોઈ ઉપર ચઢી ગયું હોય તો તે દોરી નીચે નાખીને બીજા એક જણને ઉપર ખેંચી લઈ શકે.

(ઠાકુર શ્રીરામકૃષ્ણની પાંચ પ્રકારની સમાધિ)

‘હૃષીકેશનો એક સાધુ આવ્યો હતો. તેણે મને કહ્યું, ‘શી નવાઈ! તમારામાં પાંચે પ્રકારની સમાધિ જોઈ!’

‘ક્યારેક કપિવત્ઃ દેહ-વૃક્ષમાં મહાવાયુ (કુંડલિની) વાનરની પેઠે જાણે કે એક ડાળ (ચક્ર)થી પેલી ડાળે (ચક્રે) કૂદકો મારે અને સમાધિ થાય.’

‘ક્યારેક મીનવત્: માછલું જેમ જળની અંદર સડાક સડાક કરતું ફરે અને આનંદથી તર્યા કરે; તેમ મહાવાયુ (કુંડલિની) દેહની અંદર (સુષુમ્ણા માર્ગે) ચાલ્યા કરે અને સમાધિ થાય.’

‘ક્યારેક પક્ષીવત્: દેહ-વૃક્ષમાં પક્ષીની પેઠે (કુંડલિની) ક્યારેક આ ડાળે (ચક્રે), તો ક્યારેક પેલી ડાળે (ચક્રે) બેસે.’

‘ક્યારેક પિપિલિકાવત્: મહાવાયુ (કુંડલિની) કીડીની પેઠે સર્ર્ર્ સર્ર્ર્ એમ થોડું થોડું કરીને ઉપર ચઢ્યા કરે; ત્યાર પછી સહસ્રારમાં વાયુ (કુંડલિની) પહોંચે એટલે સમાધિ થાય.’

‘ક્યારેક તિર્યક્ ગતિ: એટલે મહાવાયુ (કુંડલિની)ની ગતિ સર્પ જેવી વાંકી ચૂકી; ત્યાર પછી ઉપર સહસ્રાર ચક્રમાં જઈને સમાધિ.’

રાખાલ (ભક્તોને) – હવે બસ કરો, ઘણીયે વાતો થઈ ગઈ; પાછી પીડા વધશે.

Total Views: 412
ખંડ 52 : અધ્યાય 9 : ગુહ્યકથા - ઠાકુર શ્રીરામકૃષ્ણ અને તેમના અંતરંગ ભક્તો
ખંડ 52 : અધ્યાય 11 : કાશીપુરના બગીચામાં ભક્તો સાથે