શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાં ઉપરના પેલા ઓરડામાં બિછાના ઉપર બેઠા છે. ઓરડામાં શશી અને મણિ. ઠાકુર મણિને ઇશારત કરે છે પંખો કરવા સારુ. મણિ પંખો કરે છે.

સાંજના પાંચ છનો સમય. સોમવાર, ચૈત્ર સુદ અષ્ટમી; વાસંતી મહા-અષ્ટમી પૂજા. તારીખ ૧૨મી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૬.

એ લત્તામાં બંગાળી વર્ષના છેલ્લા દિવસનો મેળો ભરાયો છે. ઠાકુરે એક ભક્તને, ત્યાંથી કેટલીક વસ્તુઓ ખરીદવા મોકલ્યો હતો. એ ભક્ત લઈને પાછો આવ્યો છે. આથી ઠાકુર પૂછે છે :

શ્રીરામકૃષ્ણ – શું શું લાવ્યો?

ભક્ત – એક પૈસાનાં પતાસાં, બે પૈસાની નાની બોટી (લાકડાના પાટલા સાથે જોડાયેલ ફળ, શાકભાજી વગેરે કાપવાની છરી), બે પૈસાની કડછી.

શ્રીરામકૃષ્ણ – ચપ્પુ ક્યાં?

ભક્ત – બે પૈસામાં ન આપ્યું.

શ્રીરામકૃષ્ણ (વ્યગ્રતાપૂર્વક) – જાઓ, છરી લઈ આવો!

માસ્ટર નીચે ફરી રહ્યા છે. નરેન્દ્ર અને તારક કોલકાતાથી પાછા ફર્યા. તેઓ ગિરીશ ઘોષને ઘેર તેમજ બીજાં સ્થાનોએ પણ ગયા હતા.

તારક – આજે તો અમે ખૂબ જમ્યા.

નરેન્દ્ર – આજ મન બહુ જ નીચે ઊતરી ગયું છે. તપસ્યા લગાઓ.

(માસ્ટરને) શી Slavery – ગુલામી! of body, of mind! શરીરની, મનની! બરાબર જાણે કે મજૂરની દશા. શરીર, મન જાણે કે આપણાં નહિ, બીજા કોઈનાં!

સંધ્યા થઈ છે. ઉપરના ઓરડામાં અને બીજી જગ્યાએ દીવા પેટાવવામાં આવ્યા.

ઠાકુર બિછાનામાં ઉત્તરાભિમુખ થઈને બેઠા છે. જગન્માતાનું ચિંતન કરે છે. થોડીવાર પછી શ્રીયુત્ ફકીર ઠાકુરની સામે અપરાધ-ભંજન સ્તવનો પાઠ કરે છે. ફકીર બલરામના પુરોહિત-વંશના.

પ્રાગ્દેહસ્થો યદાઽહં તવ ચરણયુગં નાશ્રિતો નાઽર્ચિતોહમ્
તેનાદ્યૈઃ કીર્તિવર્ગેર્જઠરજદહનૈર્બાધ્યમાનો બલિષ્ઠૈઃ।
સ્થિત્વા જન્માન્તરે નો પુનરિહ ભવિતા ક્વાશ્રયઃ ક્વાપિ સેવા
ક્ષન્તવ્યો મેઽપરાધઃ પ્રકટિતવદને કામરૂપે કરાલે॥ વગેરે

ઓરડામાં શશી, મણિ અને બીજા એક બે ભક્તો બેઠા છે. સ્તવ-પાઠ પૂરો થયો. ઠાકુર શ્રીરામકૃષ્ણે અતિ ભક્તિભાવથી હાથ જોડીને નમસ્કાર કર્યા.

મણિ પંખો કરે છે. ઠાકુર ઇશારતથી તેમને કહે છે કે એક પથ્થરનો વાટકો લઈ આવજો. (એમ કહીને પથ્થરના વાટકાનો આકાર આંગળીના ઇશારતથી દોરી બતાવ્યો) આટલો, અર્ધાે શેર દૂધ સમાય તેવડો, ધોળા પથ્થરનો.

મણિ – ભલે.

શ્રીરામકૃષ્ણ – બીજા બધા વાટકામાં ખાતાં શાકમાં જાણે કે ગંધ આવે છે.

Total Views: 384
ખંડ 52 : અધ્યાય 10 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના ઉદ્યાનમાં નરેન્દ્રાદિ ભક્તો સાથે
ખંડ 52 : અધ્યાય 12 : ઈશ્વરકોટિને શું કર્મફળ, પ્રારબ્ધ હોય છે? યોગવાશિષ્ઠ