બીજે દિવસે મંગળવાર, રામનવમી; ૧૩મી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૬. પ્રાતઃકાળ. ઠાકુર શ્રીરામકૃષ્ણ ઉપરના ઓરડામાં પથારીમાં બેઠા છે. સમય આશરે આઠ કે નવ. મણિ રાત્રે ત્યાં હતા. સવારમાં ગંગાસ્નાન કરી આવીને ઠાકુરને પ્રણામ કરે છે. રામ (દત્ત) પણ સવારમાં આવ્યા છે. તે પ્રણામ કરીને બેઠા. રામ ફૂલની માળા લાવ્યા છે. તેમણે તે ઠાકુરને અર્પણ કરી. ભક્તો ઘણાખરા નીચે બેઠા છે. એક બે જણ ઠાકુરના ઓરડામાં છે. રામ ઠાકુરની સાથે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (રામને) – તમને શું લાગે છે?

ડૉક્ટર રાજેન્દ્ર દત્ત

રામ – આપનામાં બધુંય છે. હમણાં રોગની બધી વાતો નીકળવાની.

ઠાકુરે સ્મિત કર્યું અને ઇશારતથી રામને પૂછ્યું, ‘શું રોગની વાત પણ નીકળશે?’

ઠાકુરની જે સપાટ છે તે પગમાં વાગે છે. એટલે ડૉક્ટર રાજેન્દ્ર દત્ત ઠાકુરના પગનું માપ લઈને આવવાનું કહી ગયા હતા, ઓર્ડર આપીને નવી સપાટ બનાવડાવી લાવે એટલા સારુ. એટલે ઠાકુરના પગનું માપ લેવામાં આવ્યું. (એ સપાટની અત્યારે બેલુડ મઠમાં પૂજા થાય છે.)

શ્રીરામકૃષ્ણ મણિને ઇશારતથી કહે છે કે ‘પણ વાટકો ક્યાં?’ મણિ તરત ઊઠીને ઊભા થયા, કોલકાતામાંથી સફેદ પથ્થરનો વાટકો લેવા માટે. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘હમણાં રહેવા દો.’

મણિ – જી ના, આ બધા જાય છે, તે એમની સાથે જ જાઉં છું.

મણિએ નૂતન બજારના જોડાશાંકોના ચાર રસ્તા પરની એક દુકાનમાંથી એક સફેદ પથ્થરનો વાટકો ખરીદ્યો. લગભગ બપોર થઈ ગયો છે. એવે વખતે મણિ કાશીપુર પાછા આવ્યા અને ઠાકુરની પાસે આવીને પ્રણામ કરીને વાટકો મૂક્યો. ઠાકુર સફેદ પથ્થરનો વાટકો હાથમાં લઈને જુએ છે. ત્યાં ડૉક્ટર રાજેન્દ્ર દત્ત, હાથમાં ગીતા સહિત શ્રીનાથ ડૉક્ટર, શ્રીયુત્ રાખાલ હાલદાર ને બીજા કેટલાક માણસો આવી પહોંચ્યા. ઓરડામાં રાખાલ, શશી, છોટો નરેન વગેરે ભક્તો છે. ડૉક્ટરોએ ઠાકુરના દરદની બધી હકીકત પૂછી.

શ્રીનાથ ડૉક્ટર (પોતાના મિત્રોને) – સૌ કોઈ પ્રારબ્ધને અધીન. કર્મફળને કોઈ ટાળી શકે નહિ! પ્રારબ્ધ –

શ્રીરામકૃષ્ણ – કેમ ભલા, ઈશ્વરનું નામ લેવાથી, તેમનું ચિંતન કરવાથી તેમના શરણાગત થવાથી?

શ્રીનાથ – જી, પણ પ્રારબ્ધ ક્યાં જાય? પૂર્વ પૂર્વજન્મોનાં કર્માે?

શ્રીરામકૃષ્ણ – થોડાંક કર્માેનો ભોગ થાય ખરો, પરંતુ ઈશ્વરનાં નામગુણ-કીર્તનથી ઘણાંય કર્મબંધન કપાઈ જાય. એક જણ પૂર્વજન્મનાં કર્માેને અંતે સાત જન્મ સુધી આંધળો થવાનો હતો. પણ તેણે ગંગાસ્નાન કર્યું. હવે ગંગાસ્નાનથી મુક્તિ થાય. એ વ્યક્તિની આંખો તો હતી તેવી ને તેવી જ આંધળી રહી. પરંતુ બીજા છ જન્મો તેને લેવા ન પડ્યા.

શ્રીનાથ – જી, શાસ્ત્રમાં તો છે કે કર્મફળ કોઈથી ટાળી શકાય નહિ.

(શ્રીનાથ ડૉક્ટર તર્ક વિચાર કરવા તૈયાર થયા.)

શ્રીરામકૃષ્ણ (મણિને) – બોલો ને, કે ઈશ્વર-કોટિ અને જીવ-કોટિમાં ઘણો તફાવત. ઈશ્વર-કોટિનો અપરાધ થાય નહિ, બોલો ને.

મણિ ચૂપ રહ્યા છે. મણિ રાખાલને કહે છે કે ‘તમે બોલો.’

થોડીવાર પછી ડૉક્ટરો ચાલ્યા ગયા. ઠાકુર શ્રીયુત્ રાખાલ હાલદારની સાથે વાત કરે છે.

હાલદાર – શ્રીનાથ ડૉક્ટર વેદાન્ત ચર્ચા કરે; યોગવાશિષ્ઠ વાંચે.

શ્રીરામકૃષ્ણ – સંસારી થઈને બધું સ્વપ્નવત્ એવો મત રાખવો એ ઠીક નહિ.

એક ભક્ત – કાલીદાસ નામનો પેલો માણસ કરે વેદાન્ત ચર્ચા; પરંતુ કોર્ટમાં મુકદ્દમા લડવામાં જ બધું ગુમાવ્યું.

શ્રીરામકૃષ્ણ (હસીને) – એક બાજુ બધું માયા અને પાછા મુકદ્દમા! (રાખાલને) જનાઈનો મુખર્જી પહેલાં બહુ મોટી મોટી વાતો કરતો; ત્યાર પછી છેવટે બરાબર સમજી ગયો. મને જો ઠીક હોત તો આ લોકોની સાથે જરા વાત કરત. ‘જ્ઞાન, જ્ઞાન’ મોઢેથી બોલ્યે જ શું જ્ઞાન થઈ જાય?

(કામજય જોઈને ઠાકુર શ્રીરામકૃષ્ણને રોમાંચ)

હાલદાર – જ્ઞાન ઘણુંય જોઈ નાખ્યું છે. જરાક ભક્તિ આવે તો કંઈક નિરાંત. તે દિવસે એક વાત પૂછવાની મનમાં રાખીને આવ્યો હતો. તેનો આપે એની મેળે જ ખુલાસો કરી દીધો.

શ્રીરામકૃષ્ણ (અધીરા બનીને) – શી શી?

હાલદાર – જી, આ છોકરો આવ્યો એટલે જે આપ બોલ્યા કે એ જિતેન્દ્રિય.

શ્રીરામકૃષ્ણ – હા, ભાઈ! એની (છોટા નરેનની) અંદર વિષય-બુદ્ધિ જરાય ઘૂસી નથી. એ કહે છે કે કામ શેને કહે એ હું જાણતો નથી.

(મણિને) હાથ લગાડી જુઓ, મારાં રુવાડાં ખડાં થાય છે.

કામ નથી, એ શુદ્ધ અવસ્થાનો મનમાં વિચાર આવતાં ઠાકુરને રોમાંચ થાય છે! જ્યાં કામ નહિ ત્યાં ઈશ્વર હાજર. શું એ વાતનું સ્મરણ કરીને ઠાકુરને ઈશ્વરનું ઉદ્દીપન થાય છે?

રાખાલ, હાલદાર ગયા.

શ્રીરામકૃષ્ણ હજીયે ભક્તો સાથે બેઠા છે. એક ગાંડી તેમનાં દર્શન કરવા સારુ બહુ ઉપદ્રવ કરે. એ ગાંડીનો મધુર-ભાવ. બગીચામાં વારે વારે દોડી આવે અને દોટ મૂકીને ઉપર ઠાકુરના ઓરડામાં આવી પહોંચે. ભક્તો તેને મારે પણ ખરા, પણ એથીયે એ અટકે નહિ.

શશી – એ ગાંડી હવે જો આવશે તો ધક્કો મારીને તગડીશ.

શ્રીરામકૃષ્ણ (કરુણાપૂર્ણ અવાજે) – ના ના; આવીને બિચારી ચાલી જશે.

રાખાલ – પહેલાં પહેલાં બીજાં માણસો આમની પાસે આવતાં એટલે મને અદેખાઈ આવતી. ત્યાર પછી એમણે જ કૃપા કરીને મને સમજાવી દીધું કે મદ્‌ગુરુઃ શ્રીજગદ્‌ગુરુઃ એ શું એકલા અમારે માટે જ આવ્યા છે?

શશી – એમ નહિ. એ વાત ખરી; પણ મંદવાડ વખતે આવો ઉપદ્રવ શા માટે?

રાખાલ – ઉપદ્રવ તો બધાય કરે છે. બધાય શું પાકા થઈને એમની પાસે આવ્યા છે? આપણે શું એમને કષ્ટ નથી આપ્યું? નરેન્દ્ર-બરેન્દ્ર પહેલાં કેવા હતા? કેટલો વાદ કરતા?

શશી – નરેન્દ્ર જે બોલતો તે આચરતો પણ ખરો.

રાખાલ – ડૉક્ટર સરકારે કેટકેટલું એમને કહ્યું છે? ગણવા બેસો તો કોઈ નિર્દાેષ નથી.

શ્રીરામકૃષ્ણ (રાખાલને, સ્નેહપૂર્વક) – કંઈ ખાઈશ?

રાખાલ – ના, પછી ખાઈશ.

શ્રીરામકૃષ્ણ મણિને ઇશારતથી કહે છે કે તમે આજે અહીં જમશો?

રાખાલ – જમો ને, ઠાકુર કહે છે.

ઠાકુર પાંચ વરસના બાળકની પેઠે દિગંબર અવસ્થામાં ભક્તો સાથે બેઠા છે. એટલામાં પેલી ગાંડી દાદરા પર દોડી આવીને ઓરડાના દરવાજા પાસે ઊભી રહી છે.

મણિ (શશીને ધીમે ધીમે) – પ્રણામ કરીને ચાલી જવાનું કહી દો. વધુ વાત કરવાની જરૂર નથી. (શશીએ ગાંડીને દાદરેથી ઉતારી મૂકી).

આજે બંગાળી નવું વર્ષ. સ્ત્રી-ભક્તો મોટી સંખ્યામાં આવી છે. તેમણે ઠાકુરને અને શ્રીશારદામણિદેવીને પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. શ્રીયુત્ બલરામના ઘરનાં, મણિમોહનના ઘરનાં, બાગબજારની બ્રાહ્મણી અને બીજી કેટલીય સ્ત્રી-ભક્તો આવેલી છે, કોઈ કોઈ છોકરાંને લઈને આવી છે.

તેઓ ઠાકુરને પ્રણામ કરવા ઉપરના ઓરડામાં આવ્યાં. કોઈ કોઈએ ઠાકુરને ચરણે ફૂલ અને અબીલ-ગુલાલ ચડાવ્યાં. ભક્તની નવ દસ વરસની બે છોકરીઓ ઠાકુરને ગીત સંભળાવે છે :

‘શાંતિ ચાહું, પામું ક્યાં હું, ક્યાં થકી આવું, જાઉં ક્યાં હું;
ફરી ફરી આવું, હસું અને રોઉં, જાઉં હું ક્યાં એ સદા વિચારું…’

ગીત : ‘હરિ હરિ બોલો રે વીણા -’

ગીત : ‘આ આવે કિશોરી; આ જુઓ આવ્યો, તારાં બાંકાં નયન, બંસીધારી-’

ગીત : ‘દુર્ગાનામ જપો રસના સદા તું મારી,
દુઃખમાં શ્રી દુર્ગા વિના કોણ રક્ષણકારી?’

શ્રીરામકૃષ્ણ ઇશારત કરીને કહે છે ‘મજાનું માતાજીનું ગીત ગાય છે!’

બાગબજારની બ્રાહ્મણીનો નાના છોકરાં જેવો સ્વભાવ. ઠાકુર હસીને રાખાલને ઇશારત કરે છે, કે એને ગીત ગાવાનું કહે ને! બ્રાહ્મણી ગાય છે, ભક્તો બધા હસી રહ્યા છે.

‘હરિ, ખેલીશ આજે તમ સંગે, એકલા મળ્યા છો નિધુવને-’

સ્ત્રી-ભક્તો ઉપરના ઓરડામાંથી નીચે ચાલી ગઈ.

સાંજનો સમય. ઠાકુરની પાસે મણિ અને એક બે ભક્તો બેઠા છે. નરેન્દ્ર ઓરડામાં આવ્યા. શ્રીરામકૃષ્ણ સાચું કહે છે કે ‘નરેન્દ્ર જાણે કે મ્યાન વિનાની તલવાર લઈને ફરે છે.’

(સંન્યાસીના કઠિન નિયમો અને નરેન્દ્ર)

નરેન્દ્રનાથ આવીને ઠાકુરની પાસે બેઠા. ઠાકુરને સંભળાવીને નરેન્દ્રનાથ સ્ત્રી-સંગ પ્રત્યે અત્યંત અણગમો બતાવી રહ્યા છે. કહી રહ્યા છે કે સ્ત્રીઓનો સંગ ઈશ્વર-પ્રાપ્તિમાં બહુ જ મોટું વિન.

શ્રીરામકૃષ્ણ કશું બોલતા નથી, બધું સાંભળે છે.

નરેન્દ્રનાથ ફરીથી કહે છે, ‘મારે ઈશ્વર સુધ્ધાં જોઈતો નથી. મારે જોઈએ છીએ શાંતિ.’ શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને તાકી રહ્યા છે, મોઢેથી કંઈ બોલતા નથી. નરેન્દ્ર વચ્ચે વચ્ચે સૂરસ્વરે કહે છે – ‘સત્યં જ્ઞાનં અનંતમ્’.

રાતના આઠ વાગ્યા છે. ઠાકુર શૈયા પર બેઠા છે, બે-એક ભક્તો સામે બેઠા છે. સુરેન્દ્ર ઓફિસનું કામ પતાવીને ઠાકુરનાં દર્શન કરવા આવ્યા છે. હાથમાં ચાર સંતરાં અને ફૂલની બે માળા. સુરેન્દ્ર ભક્તો સામે એક બે વાર તેમજ ઠાકુરની સામે એક બે વાર જુએ છે; ને જાણે અંતરની વાતો કહી રહ્યા છે.

સુરેન્દ્ર (મણિ વગેરેની સામે જોઈને) – ઓફિસનું કામ બધું પતાવીને આવ્યો. વિચાર કર્યાે કે બે હોડીમાં પગ રાખ્યે શું વળે? કામ પૂરું કરીને આવવું જ સારું. આજે નવું વર્ષ અને તેમાં વળી મંગળવાર. કાલીઘાટે જવાયું નહિ. વિચાર કર્યાે કે જે પોતે જ કાલી સ્વરૂપ છે, જેણે કાલીને બરાબર પિછાની છે, તેનાં દર્શન કર્યાં એટલે થશે! ઠાકુર શ્રીરામકૃષ્ણ જરાક હસે છે.

સુરેન્દ્ર – સાંભળ્યું છે કે ગુરુ-દર્શને કે સાધુ-દર્શને જવું હોય ત્યારે ફળફૂલ કે કંઈક લઈને જવું જોઈએ. એટલે આટલું આ લઈ આવ્યો. આપને માટે પૈસાનો ખર્ચ, એ તો ભગવાન મન દેખે. કોઈકનો એક પૈસો કાઢતાં જીવ નીકળી જાય, તો કોઈને હજાર રૂપિયા ખરચવામાં કંઈ ન લાગે. ભગવાન મનની ભક્તિ જુએ, તો જ કોઈ વસ્તુ સ્વીકારે.

ઠાકુર માથું હલાવીને ઇશારતથી કહે છે કે તમે બરાબર કહો છો. સુરેન્દ્ર વળી કહે છે કે કાલે આવી શક્યો ન હતો, સંક્રાંતિ. એટલે આપની છબીને ફૂલ ચડાવી શણગારીને પૂજા કરી.

શ્રીરામકૃષ્ણ મણિને ઇશારતથી કહે છે કે ‘અહા! કેવી ભક્તિ?’

સુરેન્દ્ર – આવતો હતો તે આ ફૂલની બે માળા લેતો આવ્યો, ચાર આનાની.

ભક્તો ઘણાખરા ચાલ્યા ગયા. ઠાકુર મણિને પગે હાથ ફેરવવાનું અને પંખો કરવાનું કહે છે.

Total Views: 417
ખંડ 52 : અધ્યાય 11 : કાશીપુરના બગીચામાં ભક્તો સાથે
ખંડ 52 : અધ્યાય 13 : શ્રીરામકૃષ્ણ કાશીપુર ઉદ્યાનગૃહમાં - ગિરીશ અને માસ્ટર