કાશીપુરના બગીચામાં પૂર્વ બાજુએ તળાવડીનો ઘાટ. ચંદ્ર ઊગ્યો છે. ઉદ્યાનમાર્ગ અને ઉદ્યાનનાં વૃક્ષો ચંદ્રકિરણમાં સ્નાન કરી રહ્યાં છે. તળાવડીની પશ્ચિમ બાજુએ બે મજલાનું ઘર. ઉપરના ઓરડામાં દીવો બળી રહ્યો છે. એ પ્રકાશ બારીની જાળીમાં થઈને આવે છે તે તળાવડીમાં ઘાટ પરથી દેખાય છે. ઓરડામાં ઠાકુર શ્રીરામકૃષ્ણ બિછાના ઉપર બેઠા છે. એક બે ભક્તો ચૂપચાપ પાસે બેઠા છે, અથવા આ ઓરડામાંથી પેલા ઓરડામાં જઈ રહ્યા છે. ઠાકુર બીમાર છે, સારવાર સારુ બગીચામાં આવ્યા છે. ભક્તો સેવા કરવા માટે સાથે રહ્યા છે. તળાવડીના ઘાટ પરથી નીચેની ત્રણ બત્તીઓ દેખાય છે. એક ઓરડામાં ભક્તો રહે છે, તેની બત્તી દેખાય છે, એ ઓરડો દક્ષિણ બાજુનો. વચ્ચેની બત્તીનો પ્રકાશ શ્રીશ્રી માતાઠાકુરાણી (શારદામણિદેવી)ના ઓરડામાંથી આવે છે. મા ઠાકુરની સેવા કરવા સારુ આવ્યાં છે. ત્રીજી બત્તી રસોડાની. એ ઓરડો મકાનની ઉત્તર બાજુએ. બગીચાની વચમાં આવેલા આ બે મજલાના મકાનને દક્ષિણ-પૂર્વ ખૂણેથી એક રસ્તો તળાવડીના ઘાટ તરફ ગયો છે. પૂર્વાભિમુખ થઈને આ રસ્તા પર ચાલતાં ચાલતાં ઘાટે જવાય. રસ્તાની બન્ને બાજુએ, ખાસ કરીને દક્ષિણ બાજુએ, ફળફૂલનાં ઘણાં ઝાડ.

ભક્તો માટેનો તથા શ્રી શ્રીશારદામણિદેવીનો ઓરડો અને રસોડું, કાશીપુર

ચંદ્રમા ઊગ્યો છે. તળાવના ઘાટ પર ગિરીશ, માસ્ટર, લાટુ અને બીજા એક બે ભક્તો બેઠા છે. ઠાકુર વિશે વાત ચાલી રહી છે. આજ શુક્રવાર, ૧૬મી એપ્રિલ, ૧૮૮૬. ચૈત્ર સુદ તેરસ.

થોડી વાર પછી ગિરીશ અને માસ્ટર એ રસ્તા પર ફરી રહ્યા છે અને વચ્ચે વચ્ચે વાતચીત કરે છે.

કાશીપુર ઉદ્યાનગૃહનું દૃશ્ય

માસ્ટર – ચંદ્રમાનો પ્રકાશ કેવો સુંદર છે! કેટલાય કાળથી આ નિયમ ચાલ્યો આવે છે!

ગિરીશ – કેવી રીતે જાણ્યું?

માસ્ટર – Uniformity of Nature – પ્રકૃતિનો નિયમ બદલાય નહિ. અને પશ્ચિમના લોકોએ નવા નવા તારા દૂરબીન-ટેલિસ્કોપથી જોયા છે! ચંદ્રની અંદર પહાડ છે, એ જોયું છે.

ગિરીશ – એ કહેવું કઠણ. મનાય નહિ.

માસ્ટર – કેમ, દૂરબીન-ટેલિસ્કોપમાંથી બરાબર દેખાય.

ગિરીશ – કેમ કરીને કહેવાય કે બરાબર જોયું છે? પૃથ્વી અને ચંદ્રની વચમાં જો બીજી કોઈ વસ્તુ હોય, તો તેની વચમાં થઈને પ્રકાશ આવતાં આવતાં કદાચ એમ દેખાય!

કાશીપુરના આ બગીચામાં યુવક-ભક્તો ઠાકુરની સેવા સારુ હંમેશાં રહે છે; નરેન્દ્ર, રાખાલ, નિરંજન, શરદ, શશી, બાબુરામ, કાલી, યોગીન, લાટુ વગેરે. જે ભક્તો સંસારી છે, વચ્ચે વચ્ચે રાત પણ રોકાય છે, તેઓમાંથી કોઈ કોઈ રોજ આવે છે. આજે નરેન્દ્ર, કાલી અને તારક દક્ષિણેશ્વર કાલી-મંદિરને બગીચે ગયા છે. નરેન્દ્ર ત્યાં પંચવટીનાં વૃક્ષો નીચે બેસીને ઈશ્વર-ચિંતન કરવાના છે, સાધના કરવાના છે. એટલે એક બે ગુરુ-ભાઈઓ પણ સાથે ગયા છે.

Total Views: 326
ખંડ 52 : અધ્યાય 12 : ઈશ્વરકોટિને શું કર્મફળ, પ્રારબ્ધ હોય છે? યોગવાશિષ્ઠ
ખંડ 52 : અધ્યાય 14 : ઠાકુર ગિરીશ વગેરે ભક્તો સાથે - ભક્તો પ્રત્યે ઠાકુરનો સ્નેહ