(ગિરીશ, લાટુ, માસ્ટર, બાબુરામ, નિરંજન, રાખાલ)

ગિરીશ, લાટુ, માસ્ટર ઉપર જઈને જુએ છે તો ઠાકુર બિછાના પર બેઠા છે. સેવા માટે શશી અને એ ઉપરાંત એક બે ભક્તો એ ઓરડામાં હતા. એક પછી એક બાબુરામ, નિરંજન, રાખાલ વગેરે પણ આવ્યા.

ઓરડો મોટો. ઠાકુરના બિછાનાની પાસે દવા વગેરે જરૂરી વસ્તુઓ રહેલી છે. ઓરડાની ઉત્તરમાં એક બારણું છે. દાદરા પરથી ચડીને એ બારણેથી ઓરડામાં પ્રવેશ કરી શકાય. એ બારણાની બરાબર સામે ઓરડાની દક્ષિણ બાજુએ બીજું એક બારણું છે. એ બારણામાં થઈને દક્ષિણ તરફની નાની અગાસીમાં જવાય. એ અગાસીની ઉપર ઊભા રહીને બગીચાનાં વૃક્ષ-લતા, ચંદ્રનો પ્રકાશ, નજીકમાં રાજમાર્ગ વગેરે દેખાય.

કાશીપુર ઉદ્યાનગૃહનું દૃશ્ય

ભક્તોને રાત્રે જાગવું પડે છે; એટલે તેઓ વારાફરતી જાગે છે. મચ્છરદાની બાંધી ઠાકુરને સુવડાવીને જે ભક્તો ઓરડામાં રહે, તેઓ ઓરડાની પૂર્વ બાજુએ ચટાઈ પાથરીને ક્યારેક બેસી રહે, તો ક્યારેક સૂઈ રહે. દરદને લીધે ઠાકુરને ઘણે ભાગે નિદ્રા આવે નહિ. એટલે જે ભક્ત સેવા સારુ રહે, તે કેટલાક કલાક મોટે ભાગે બેઠાં બેઠાં કાઢી નાખે.

આજે ઠાકુરનું દરદ કંઈક ઓછું છે. ભક્તોએ આવીને જમીન પર નમીને પ્રણામ કર્યા અને ઠાકુરની સામે જમીન પર બેઠા.

ઠાકુરે માસ્ટરને દીવો નજીક લાવવાનું કહ્યું. ઠાકુર ગિરીશની સાથે સ્નેહપૂર્વક વાતો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – કેમ છો, ઠીક છો ને? (લાટુને) એમને હુક્કો ભરી આપ અને પાન લાવી આપ.

થોડી વાર પછી વળી બોલ્યા, ‘કંઈક ખાવાનું લાવી દે.’

લાટુએ પાન લાવી દીધું છે, અને દુકાનેથી નાસ્તો લાવવા જાય છે.

ઠાકુર બેઠા છે. એક ભક્તે કેટલીક ફૂલની માળાઓ લાવી આપી. ઠાકુરે એક પછી એક એ બધી પોતાના ગળામાં ધારણ કરી. એમ લાગે છે કે ઠાકુરના હૃદયમાં હરિ છે; તેમની જ તેમણે પૂજા કરી. ભક્તો નવાઈપૂર્વક જોઈ રહ્યા છે. ઠાકુરે બે માળા ગળામાંથી કાઢીને ગિરીશને આપી.

ઠાકુર વચ્ચે વચ્ચે પૂછે છે કે ‘નાસ્તો આવ્યો?’

મણિ ઠાકુરને પંખો કરે છે. ઠાકુરની પાસે એક ભક્તે આપેલો ચંદનના લાકડાનો પંખો છે. તે મણિના હાથમાં આપ્યો. મણિ તે લઈને હવા નાખે છે. ઠાકુરે બે માળા ગળામાંથી કાઢીને તેને પણ આપી.

લાટુ ઠાકુરને એક ભક્તની વાત કહે છે. તેમનો એક સાત-આઠ વરસનો દીકરો લગભગ દોઢ વરસ થયાં ગુજરી ગયો છે. એ છોકરાએ, ક્યારેક ભક્તો સાથે, તો ક્યારેક કીર્તનાનંદમાં, ઠાકુરનાં ઘણી વાર દર્શન કર્યાં હતાં.

લાટુ (શ્રીરામકૃષ્ણને) – આ એમના દીકરાની ચોપડી જોઈને કાલે રાત્રે બહુ જ રડ્યા હતા. તેમની સ્ત્રી પણ દીકરાના શોકે ગાંડા જેવી થઈ ગઈ છે. પોતાનાં બીજાં છોકરાને મારે, પછાડે. આ અહીં આવીને વચ્ચે વચ્ચે રહે છે એટલે ભારે ઉત્પાત કરે.

ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તના શોકની વાત સાંભળીને જાણે કે ચિંતાતુર થઈને ચૂપ રહ્યા.

ગિરીશ – અર્જુને આટલી ગીતા-બીતા સાંભળી તોય અભિમન્યુના શોકથી એકદમ મૂર્છિત! તો પછી આમને છોકરાને માટે શોક થાય એમાં કંઈ નવાઈ નથી.

(સંસારમાં શું કરવાથી ઈશ્વરપ્રાપ્તિ થાય?)

ગિરીશને માટે નાસ્તો આવ્યો છે. ફાગુની દુકાનની ગરમાગરમ કચોરી, પૂરી અને બીજી મીઠાઈ. વરાહનગરમાં ફાગુની દુકાન. ઠાકુરે પોતે એ બધું ખાવાનું પોતાની સામે રખાવીને પ્રસાદ કરી આપ્યું. ત્યાર પછી પોતે પોતાને હાથે ગિરીશના હાથમાં આપ્યું. તે કહે છે ‘મજાની કચોરી!’

ગિરીશ સામે બેસીને ખાય છે. ગિરીશને પીવાનું પાણી આપવાનું છે. ઠાકુરની પથારીને અગ્નિ-ખૂણે એક કૂજામાં પાણી છે. ગ્રીષ્મ ઋતુ. વૈશાખ માસ. ઠાકુર બોલ્યા : ‘આમાં મજાનું પાણી છે.’

ઠાકુર અતિશય દુર્બળ, ઊભા રહેવાની શક્તિ નથી.

પરંતુ ભક્તો નવાઈ પામીને શું જોઈ રહ્યા છે? જુએ છે કે ઠાકુરની કમરે કપડું નથી, દિગંબર! બાળકની પેઠે પથારીમાંથી આગળ ખસતા જાય છે, પોતે પાણી લેવા સારુ. ભક્તોનો શ્વાસ સ્થિર થઈ ગયો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણે પ્યાલામાં પાણી રેડ્યું, પ્યાલામાંથી જરાક પાણી હાથમાં લઈને જુએ છે કે ઠંડું છે કે નહિ. તેમણે જોયું કે પાણી બહુ ઠંડું નથી. પણ આખરે એથી વધુ ઠંડું પાણી બીજું મળે એમ નથી એમ સમજીને અનિચ્છાએ એ જ પાણી આપ્યું. ગિરીશ નાસ્તો કરે છે. ભક્તો ચારે બાજુએ બેઠા છે. મણિ ઠાકુરને પવન નાખે છે.

ગિરીશ (શ્રીરામકૃષ્ણને) – દેવેન બાબુ સંસારત્યાગ કરવાના છે.

ઠાકુર વધારે વાત કરી શકતા નથી. બહુ જ કષ્ટ થાય છે. આંગળીથી પોતાને હોઠે સ્પર્શ કરીને સૂચિત કર્યું કે ‘તેમનાં બૈરાછોકરાંનું ભરણપોષણ કેવી રીતે થશે? તેમનું ગુજરાન કેમ કરીને ચાલશે?’

ગિરીશ – એનું શું કરશે તે મને ખબર નથી.

બધા ચૂપ બેઠા છે.

ગિરીશે નાસ્તો કરતાં વાતનો આરંભ કર્યાે.

ગિરીશ – વારુ, મહાશય! કયું સારું? કષ્ટથી ત્રાસીને સંસાર છોડવો એ, કે સંસારમાં રહીને ઈશ્વરને બોલાવવો એ?

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – ગીતામાં જોયું નથી? અનાસક્ત થઈને સંસારમાં રહીને કર્મ કર્યે, બધું મિથ્યા જાણીને જ્ઞાન થયા પછી સંસારમાં રહ્યો, ઈશ્વર-પ્રાપ્તિ થાય.

જેઓ દુઃખથી કંટાળીને સંસાર છોડે તેઓ હલકી કોટિના માણસો.

સંસારી જ્ઞાની શેના જેવો ખબર છે? જાણે કે કાચની ઓરડીમાં બેઠેલ. અંદરનું ને બહારનું બન્ને જોઈ શકાય.

વળી બધા શાંત બેઠા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – કચોરી ગરમ છે, અને મજાની લાગે!

માસ્ટર (ગિરીશને) – ફાગુની દુકાનની કચોરી! પ્રખ્યાત!

શ્રીરામકૃષ્ણ – પ્રખ્યાત!

ગિરીશ (ખાતાં ખાતાં હસીને) – બહુ સરસ કચોરી!

શ્રીરામકૃષ્ણ – પૂરી રહેવા દો, કચોરી જ ખાઓ. (માસ્ટરને) પણ કચોરી રજોગુણી.

ગિરીશે ખાતાં ખાતાં વળી વાત ઉપાડી.

(સંસારીનું મન અને સાચા ત્યાગીના મન વચ્ચે ભેદ)

ગિરીશ (શ્રીરામકૃષ્ણને) – વારુ મહાશય, અત્યારે મન આટલું ઊંચું છે, વળી પાછું નીચે જાય શા માટે?

શ્રીરામકૃષ્ણ – સંસારમાં રહો એટલે એમ થાય. ક્યારેક ઊંચું, ક્યારેક નીચું. ક્યારેક મજાની ભક્તિ થાય; ક્યારેક વળી ઓછી થઈ જાય. કામિની-કાંચન લઈને રહેવું પડે ને, એટલે એમ થાય. સંસાર માંહેનો ભક્ત ક્યારેક ઈશ્વર – ચિંતન કરે, હરિ-નામ લે, ક્યારેક વળી કામિની-કાંચનમાં પણ મન દઈ દે. જેમ કે સાધારણ માખી; એ ક્યારેક મીઠાઈ પર બેસે, તો ક્યારેક વળી સડેલાં ગૂમડાં કે વિષ્ટા પર પણ બેસે!

‘ત્યાગીઓની જુદી વાત. તેઓ કામિની-કાંચનમાંથી મનને ખેંચી લઈને કેવળ ઈશ્વરમાં મન જોડી શકે; કેવળ હરિ-રસનું પાન કરી શકે. ખરેખરા ત્યાગી હોય તેમને ઈશ્વર વિના બીજું કંઈ ગમે નહિ. સંસારની વાતો થાય તો ઊઠી જાય. ઈશ્વરી વાતો થાય તો સાંભળે. ખરેખરો ત્યાગી હોય તો પોતે પણ ઈશ્વરી વાતો સિવાય બીજી વાતો મોંએ લાવે નહિ.’

‘મધમાખી માત્ર ફૂલ ઉપર જ બેસે, મધ ખાવા સારુ. બીજી કોઈ પણ વસ્તુ મધમાખીને ગમે નહિ.’

ગિરીશ દક્ષિણ બાજુની નાની અગાસીમાં હાથ ધોવા ગયા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – ઈશ્વરનો અનુગ્રહ જોઈએ; તો ઈશ્વરમાં પૂરું મન જાય. ગિરીશે ઘણી કચોરી ખાધી છે, તેને કહી આવો કે આજે હવે બીજું કંઈ ન ખાય.

Total Views: 374
ખંડ 52 : અધ્યાય 13 : શ્રીરામકૃષ્ણ કાશીપુર ઉદ્યાનગૃહમાં - ગિરીશ અને માસ્ટર
ખંડ 52 : અધ્યાય 15 : અવતાર વેદવિધિથી પર - વૈધિભક્તિ અને ભક્તિનો ઉન્માદ