ગિરીશ પાછા ઓરડામાં આવીને ઠાકુરની સામે બેઠા છે અને પાન ખાય છે.

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – રાખાલ બાખાલ હવે સમજ્યા છે કે શું સારું, શું નરસું; કયું સત્ય, કયું મિથ્યા. એ લોકો સંસારમાં જઈને રહે તે જાણી જોઈને. સ્ત્રી છે, છોકરોય થયો છે; પરંતુ સમજ્યો છે કે બધું મિથ્યા, અનિત્ય. રાખાલ બાખાલ સંસારમાં લિપ્ત થવાના નહિ.

‘જેમ કે કાદવી માછલી; રહે કાદવની અંદર, પણ શરીરે કાદવનો ડાઘ સુધ્ધાં ન હોય.’

ગિરીશ – મહાશય, એ બધું હું સમજું નહિ. આપ જો ધારો તો સહુ કોઈને અલિપ્ત અને શુદ્ધ કરી દઈ શકો. કોઈ સંસારી હોય કે ત્યાગી હોય, સૌ કોઈને આપ સારા કરી દઈ શકો. મલયાચળનો વાયુ વાય તો, હું કહું છું કે બધાં ઝાડ ચંદનનાં થઈ જાય.

શ્રીરામકૃષ્ણ – ઝાડની અંદર ગરભ કઠણ ન હોય તો ચંદનનાં થાય નહિ. શીમળો અને બીજાં કેટલાંક ઝાડ ચંદન થાય નહિ.

ગિરીશ – હું એ કંઈ માનવાનો જ નહિ.

શ્રીરામકૃષ્ણ – નિયમ એવો છે.

ગિરીશ – આપનું બધું નિયમની બહાર.

ભક્તો આશ્ચર્યચકિત થઈને સાંભળી રહ્યા છે. મણિના હાથમાંનો પંખો વચ્ચે વચ્ચે સ્થિર થઈ જાય છે.

શ્રીરામકૃષ્ણ – હા, એ બને; ભક્તિ-નદી ઉછાળે ચડે ત્યારે કાંઠે જ એક માથોડું પાણી!

‘જ્યારે ભક્તિનો ઉન્માદ થાય, ત્યારે વેદવિધિને માને નહિ. દૂર્વા તોડે તે વીણી વીણીને તોડે નહિ. જેવી હાથમાં આવે તેવી જ ખેંચી કાઢે. તુલસી તોડવા જાય તો કડકડ કરીને ડાળખી જ તોડી નાખે!

અહા, કેવી અવસ્થાઓ મારી ગઈ છે!

(માસ્ટરને) ભક્તિ આવે તો બીજું કંઈ ન જોઈએ.

માસ્ટર – જી હા.

(સીતા અને શ્રીરાધા – રામાવતાર અને કૃષ્ણાવતારના વિભિન્ન ભાવ)

શ્રીરામકૃષ્ણ – ગમે તે એક ભાવનો આધાર લેવો જોઈએ. રામાવતારમાં શાંત, દાસ્ય, વાત્સલ્ય, સખ્ય-બખ્ય. કૃષ્ણાવતારમાં પણ એ બધાય તો હતા; ઉપરાંત મધુર-ભાવ.

શ્રીમતીનો મધુર-ભાવ, જાર-ભાવ; સીતામાં શુદ્ધ સતીત્વ, જાર-ભાવ નહિ.

‘એ બધી ઈશ્વરની જ લીલા, જે સમયે જે ભાવ.’

વિજયની સાથે દક્ષિણેશ્વર કાલી-મંદિરે એક ગાંડી જેવી બાઈ ઠાકુરને ગીત સંભળાવવા આવતી. શ્યામા સંબંધી ગીત અને બ્રાહ્મ-સમાજી સંગીત. બધા તેને ગાંડી કહેતા. એ કાશીપુરના બગીચામાંય હંમેશાં આવે અને ઠાકુરની પાસે જવા સારુ બહુ ઉપદ્રવ કરે. એટલા માટે ભક્તોને હંમેશાં સાવચેત રહેવું પડે.

શ્રીરામકૃષ્ણ (ગિરીશ વગેરે ભક્તોને) – એ ગાંડીનો મધુર-ભાવ. એક દિવસ દક્ષિણેશ્વર આવી હતી. તે અચાનક રડવા લાગી. મેં પૂછ્યું કે ‘કેમ રડે છે?’ તો કહે કે ‘માથું દુઃખે છે!’ (સૌનું હાસ્ય).

‘બીજે એક દિવસે આવી હતી. હું જમવા બેઠો હતો. અચાનક કહે છે કે ‘દયા કરી નહિ?’ હું તો મોકળા મનથી ખાઈ રહ્યો છું. ત્યાર પછી કહે છે કે ‘મનમાંથી મને ધકેલી મૂકી શા માટે?’ મેં પૂછ્યું કે ‘તારો કેવો ભાવ?’ એટલે એ બોલી કે ‘મધુર-ભાવ!’ મેં કહ્યું ‘અરે મારી તો માતૃયોનિ (માતૃ-ભાવ)!’ મારે તો બધી સ્ત્રીઓ મા થાય! ત્યારે કહે કે ‘હું એ કંઈ જાણતી નથી!’ એટલે પછી રામલાલને મેં બોલાવ્યો ને કહ્યું ‘અરે રામલાલ, આ શું મનમાંથી ધક્કાધક્કીની વાત કહે છે, જરા સાંભળ તો જોઉં!’ એનો હજીયે એ ભાવ છે.’

ગિરીશ – એ ગાંડી ધન્ય! એ ભલે ગાંડી હો, અને ભક્તોના હાથનો મારેય ભલે ખાય, પણ આપનું તો આઠે પહોર ચિંતન કરે છે! એ ગમે તે ભાવે કરેને, તેનું કોઈ કાળે અનિષ્ટ થવાનું નહિ!

‘મહાશય, હું શું કહું? આપનું ચિંતન કરીને હું શું હતો ને શું થયો છું? પહેલાં આળસ હતી, હવે એ આળસ ઈશ્વર પર ભરોસામાં પલટાઈ ગઈ છે! પાપ હતું, એટલે હવે નિરહંકારી થયો છું! વધુ શું કહું?’

ભક્તો ચૂપ રહ્યા છે. રાખાલ ગાંડીનો ઉલ્લેખ કરીને દુઃખ દર્શાવે છે, અને કહે છે કે દુઃખ થાય છે કે એ ઉપદ્રવ કરે છે, અને તેના સારુ કેટલાયને તકલીફ પણ પડે છે.

નિરંજન (રાખાલને)- તારે બૈરી છે એટલે તારા મનમાં કંઈ કંઈ થાય! અમે તો એનું બલિદાન દઈ શકીએ!

રાખાલ (નારાજ થઈને) – ભારે મોટી બહાદુરી! એની સામે જ આ બધી વાત!

(ગિરીશને ઉપદેશ – પૈસામાં આસક્તિ – સદ્‌વ્યવહાર – ડૉક્ટર અને કવિરાજનું ધન)

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – કામિની-કાંચન જ સંસાર. ઘણા માણસો રૂપિયાને શરીરના લોહી બરાબર માને. પૈસાને હદ ઉપરાંત સાચવ્યા કર્યે, કાં તો એક દિવસ બધોય ચાલ્યો જાય.

અમારે ત્યાં દેશમાં ખેતરને પાળ બાંધે, પાળ સમજો છો? જેઓ ખૂબ મહેનત કરી કરીને ચારે કોર પાકી પાળ બાંધી દે, તેમની પાળ પાણીના જોસથી તૂટી જાય. પણ જેઓ એક બાજુ જરા છીંડું રાખીને ઘાસની આડશ દઈ રાખે, તેમની જમીનમાં કેવો મજાનો કાંપ જામે ને કેટલો પાક થાય!

જેઓ રૂપિયાનો સદુપયોગ કરે, દેવસેવા, સાધુ-ભક્તોની સેવા કરે, દાન કરે, તેમનું જ સાર્થક થાય; તેમનો જ પાક આવે.

‘હું વૈદ્ય-ડૉક્ટરની ચીજ ખાઈ શકું નહિ. કારણ કે તેઓ માણસનાં દુઃખ-દર્દમાંથી પૈસા પેદા કરે! તેઓનો પૈસો જાણે કે લોહી-પરુ!’

એમ કહીને ઠાકુરે એક બે ડૉક્ટરોનાં નામ લીધાં.

ગિરીશ – રાજેન્દ્ર દત્તનું મન ખૂબ મોકળું; કોઈની પાસેથી એક પૈસોય લે નહિ. તે દાન-ધ્યાન કરે છે!

Total Views: 328
ખંડ 52 : અધ્યાય 14 : ઠાકુર ગિરીશ વગેરે ભક્તો સાથે - ભક્તો પ્રત્યે ઠાકુરનો સ્નેહ
ખંડ 52 : અધ્યાય 16 : કાશીપુરના ઉદ્યાનમાં નરેન્દ્ર વગેરે ભક્તોની સાથે