શ્રીરામકૃષ્ણ કાશીપુર-બગીચામાં ભક્તો સાથે નિવાસ કરી રહ્યા છે. શરીરે ખૂબ બીમાર છે, છતાં ભક્તોના કલ્યાણને માટે હંમેશાં આતુર રહે છે. આજ શનિવાર, ઈ.સ. ૧૮૮૬ના એપ્રિલની ૧૭મી તારીખ. ચૈત્ર સુદ ચૌદશ, સાથે પૂનમ પણ છે.

કેટલાક દિવસ થયા નરેન્દ્ર લગભગ રોજ દક્ષિણેશ્વર જાય છે, પંચવટીમાં ઈશ્વર-ચિંતન કરવા, સાધના કરવા માટે. આજે સાવ સાંજે પાછા આવ્યા. સાથે શ્રીયુત્ તારક અને કાલી હતા.

રાતના આઠ વાગ્યા છે. જ્યોત્સ્ના અને દક્ષિણની હવાથી બગીચો સુંદર બની રહ્યો છે. ભક્તો ઘણાખરા નીચેના ઓરડામાં ધ્યાન કરી રહ્યા છે. નરેન્દ્ર મણિને કહે છે કે આ બધા ખંખરે છે! (અર્થાત્ ધ્યાન કરતાં કરતાં ઉપાધિઓનો ત્યાગ કરી રહ્યા છે.)

થોડી વાર પછી મણિ ઉપરના હોલમાં ઠાકુરની પાસે બેઠેલા છે. ઠાકુરે તેમને અંગૂછો અને પાન રાખવાનો નાનો ડબ્બો ધોઈને સાફ કરી લાવવાનું કહ્યું. તેઓ પશ્ચિમના પુષ્કરિણીના ઘાટેથી ચંદ્રના પ્રકાશમાં આ બધું ધોઈને લાવે છે.

બીજે દિવસે સવારે (૧૮ એપ્રિલ, પૂર્ણિમા) ઠાકુરે મણિને બોલાવ્યા. તેઓ ગંગાસ્નાન કરીને ઠાકુરનાં દર્શન કરીને ઠાકુરના ઓરડાની છત પર ગયા હતા.

તેની પત્ની પુત્રના શોકથી મગજ ખસી ગયા જેવી થઈ ગઈ છે. ઠાકુરે તેને બગીચામાં આવવાનું અને આવીને પ્રસાદ લેવાનું કહ્યું.

ઠાકુર ઇશારત વડે મણિને કહે છે કે ‘એને અહીં આવવાનું કહેજો; બે દિવસ રહેશે; ખોળામાંનું નાનું છોકરું લેતી આવે; અને અહીં આવીને જમે.’

મણિ – જી ભલે. એને ઈશ્વર ઉપર ખૂબ ભક્તિ આવે તો બહુ સારું થાય.

શ્રીરામકૃષ્ણ (ઇશારત દ્વારા) – ઉંહુ, (શોક) ધકેલી દે (ભક્તિને); અને આવડો મોટો દીકરો (ગુજરી ગયો છે)!

‘કૃષ્ણકિશોરને ભવનાથની ઉંમરના બે દીકરા, ઘણે સુધી ભણેલા હતા; તે મરી ગયા. એ એટલો મોટો જ્ઞાની, પણ પહેલાં પહેલાં તો સંભાળી શક્યો નહિ! નસીબજોગે સારું છે કે મને ભગવાને (છોકરાં) આપ્યાં નથી.

‘અર્જુન એટલો મોટો જ્ઞાની, સાથે કૃષ્ણ હતા; છતાં અભિમન્યુના શોકથી એકદમ આકુળ-વ્યાકુળ! કિશોરી આવતો નથી કેમ?

એક ભક્ત – એ રોજ ગંગાસ્નાન કરવા જાય છે.

શ્રીરામકૃષ્ણ – અહીં આવતો નથી કેમ?

ભક્ત – જી. એને આવવાનું કહીશ.

શ્રીરામકૃષ્ણ (લાટુને) – હરીશ કેમ નથી આવતો?

(સ્ત્રીઓ માટે લજ્જા એ જ ભૂષણ – પૂર્વકથા – માસ્ટરના ઘરમાં શુભાગમન)

માસ્ટરના ઘરની નવ દસ વરસની બે છોકરીઓ ઠાકુરની પાસે કાશીપુરને બગીચે આવીને કેટલાંક ગીતો સંભળાવી રહી હતી. (૧) ‘દુર્ગાનામ જપો સદા’ (૨) ‘મસ્ત થયો મારો મનભ્રમર શ્યામાપદ નીલ કમલે’ વગેરે ગીત સંભળાવ્યાં. ઠાકુર જ્યારે માસ્ટરના શ્યામપુકુરના તેલીપાડાવાળે ઘેર પધારેલા (તા.૨૦મી ઓક્ટોબર, ૧૮૮૪; કાર્તિક સુદ અગિયારસ (દેવદિવાળી) ગુરુવાર), ત્યારે આ બે છોકરીઓએ ઠાકુરને ગીત સંભળાવ્યાં હતાં. ઠાકુર ગીત સાંભળીને ખૂબ પ્રસન્ન થયા હતા. જ્યારે ઠાકુર પાસે કાશીપુર ઉદ્યાનમાં આજે ઉપરના હોલમાં તેઓ ગીત ગાતી હતી, ત્યારે ભક્તો નીચલા ઓરડામાંથી એ સાંભળતા હતા. તેઓએ વળી તેમને નીચે બોલાવીને ગીત સાંભળ્યાં.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – તમારી છોકરીઓને હવેથી ગાતાં શીખવશો મા. પોતાની મેળે ગાય એ જુદી વાત. જેની તેની પાસે ગાવાથી શરમ ભાંગી જાય. શરમ સ્ત્રીઓને બહુ જ જરૂરની છે.

(ઠાકુર શ્રીરામકૃષ્ણની આત્મપૂજા – ભક્તોને પ્રસાદ આપવો)

ઠાકુરની સન્મુખે પુષ્પ-પાત્રમાં ફૂલ-ચંદન લાવી દેવામાં આવ્યાં છે. ઠાકુર બિછાનામાં બેઠા છે. ફૂલ-ચંદન વડે પોતાની જ પૂજા કરી રહ્યા છે. ચંદન સહિતનાં ફૂલ ક્યારેક પોતાને મસ્તકે, ક્યારેક કંઠે, ક્યારેક હૃદયે, ક્યારેક નાભિ-પ્રદેશે એમ ચડાવી રહ્યા છે.

મનોમોહન કોન્નગરથી આવ્યા અને ઠાકુરને પ્રણામ કરીને બેઠા. ઠાકુર પોતાની પૂજા હજીયે કરી રહ્યા છે. પોતે પોતાના ગળામાં ફૂલમાળા પહેરાવી.

જરાક વાર પછી જાણે કે પ્રસન્ન થઈને મનોમોહનને નિર્માલ્ય આપ્યું. મણિને એક ચંપકનું ફૂલ આપ્યું.

Total Views: 281
ખંડ 52 : અધ્યાય 15 : અવતાર વેદવિધિથી પર - વૈધિભક્તિ અને ભક્તિનો ઉન્માદ
ખંડ 52 : અધ્યાય 17 : બુદ્ધદેવ શું ઈશ્વરના અસ્તિત્વમાં માનતા? - નરેન્દ્રને ઉપદેશ