નવ વાગ્યા છે. ઠાકુર માસ્ટરની સાથે વાતો કરી રહ્યા છે. ઓરડામાં શશીયે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – નરેન્દ્ર અને શશી શું બોલતા હતા? શી ચર્ચા કરતા હતા?

માસ્ટર (શશીને) – શી વાતો ચાલતી હતી, ભાઈ?

શશી – નિરંજને કહી દીધું લાગે છે!

શ્રીરામકૃષ્ણ – ‘ઈશ્વર, નાસ્તિ, અસ્તિ,’ એ બધી શી વાતો થઈ રહી હતી?

શશી (સહાસ્ય) – (નરેન્દ્રને) બોલાવું?

શ્રીરામકૃષ્ણ – બોલાવો.

(નરેન્દ્ર આવીને બેઠો.)

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – કંઈક પૂછો. શી શી વાતો થતી હતી, એ કહો.

નરેન્દ્ર – પેટ ગરમ થઈ ગયું છે. એ બધું હવે શું બોલવું?

શ્રીરામકૃષ્ણ – મટી જશે.

માસ્ટર (સહાસ્ય) – બુદ્ધ-અવસ્થા કેવા પ્રકારની?

નરેન્દ્ર – મને શું થયું છે, એ કહું.

માસ્ટર – ઈશ્વર છે એમ શું એ (બુદ્ધ) કહે છે?

નરેન્દ્ર – ઈશ્વર છે એમ કેવી રીતે કહો છો? તમે જ જગતની સૃષ્ટિ કરો છો. Berkeley – બર્કલે શું કહે છે એ તો જાણો છો ને?

માસ્ટર – Their esse is percipii (The Existence of external objects depends upon their perception.) – હા, એ કહે છે ખરા કે જ્યાં સુધી ઇન્દ્રિયોનું કામકાજ ચાલે છે, ત્યાં સુધી જ જગતનો અનુભવ છે.

(પૂર્વકથા – તોતાપુરીનો શ્રીઠાકુરને ઉપદેશ – ‘મનમાં જ જગત’)

શ્રીરામકૃષ્ણ – નાગાજી કહેતા કે ‘મનને લીધે જ જગત, વળી પાછું મનમાં જ લય પામે છે.’

‘પરંતુ જ્યાં સુધી ‘હું’ એ ભાવના છે, ત્યાં સુધી સેવ્ય-સેવક ભાવ જ સારો.’

નરેન્દ્ર (માસ્ટરને) – જો વિચાર કરવા જાઓ, તો ઈશ્વર છે એ કેમ કરીને કહી શકો? અને શ્રદ્ધા ઉપર જો જાઓ, તો સેવ્ય-સેવક-ભાવ માનવો જ પડે. અને એ જો માનો- અને માનવો જ પડે – તો પછી ઈશ્વરને દયાળુ પણ કહેવો પડે!

તમે માત્ર દુઃખને જ મનમાં યાદ રાખીને બેઠા છો. ઈશ્વરે જે આટલું બધું સુખ આપ્યું છે એ ભૂલી જાઓ છો શા માટે? ઈશ્વરની કેટલી બધી કૃપા! ત્રણ મોટી મોટી વસ્તુઓ એમણે આપણને દીધી છે, મનુષ્યજન્મ, ઈશ્વરને જાણવાની આતુરતા, અને મહાપુરુષનો સંગ આપ્યો છે : મનુષ્યત્વં, મુમુક્ષુત્વં, મહાપુરુષસંશ્રયઃ.

સૌ ચૂપ બેસી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – પણ મને તો બરાબર અનુભવ થાય છે કે (મારી) અંદર કોઈ એક છે.

રાજેન્દ્રલાલ દત્ત આવીને બેઠા. હોમિયોપથી પ્રમાણે ઠાકુરની દવા કરે છે. દવા વગેરેની વાત થઈ ગયા પછી, ઠાકુર આંગળી ચીંધીને મનોમોહનને બતાવી રહ્યા છે.

ડૉક્ટર રાજેન્દ્ર – એ મારા મોસાળિયા (મામાના દીકરા)નો દીકરો.

નરેન્દ્ર નીચે આવ્યો છે. પોતાની મેળે જ ગીત ગાય છે :

‘બધું દુઃખ દૂર કરીયું દઈ દરશન, મોહ્યા પ્રાણ!

સપ્તલોક ભૂલે શોક, તમોને પામીને, ક્યાં હું અતિ દીનહીન.’

નરેન્દ્રને જરા પેટમાં દુઃખે છે. એ માસ્ટરને કહે છે કે ‘પ્રેમભક્તિના માર્ગમાં રહીએ એટલે દેહ ઉપર મન આવે. નહિતર હું કોણ? હું માણસ નહિ, દેવતાય નહિ, મારે સુખેય નહિ, દુઃખેય નહિ.’

(ઠાકુરની આત્મપૂજા – સુરેન્દ્રને પ્રસાદ – સુરેન્દ્રની સેવા)

રાતના નવ વાગ્યા. સુરેન્દ્ર વગેરે ભક્તોએ ઠાકુરની પાસે ફૂલમાળાઓ મૂકી છે. ઓરડામાં બાબુરામ, સુરેન્દ્ર, લાટુ, માસ્ટર વગેરે છે.

ઠાકુરે સુરેન્દ્રની માળા પોતે જ ગળામાં ધારણ કરી છે. સૌ ચૂપચાપ બેઠા છે. જે પોતાની અંદર છે, તેની જ જાણે કે ઠાકુર પૂજા કરી રહ્યા છે!

અચાનક ઠાકુર સુરેન્દ્રને ઇશારત દ્વારા બોલાવે છે. સુરેન્દ્ર બિછાનાની પાસે આવ્યા એટલે પ્રસાદી માળા (જે માળા પોતે પહેરી હતી તે) લઈને પોતે જ તેના ગળામાં પહેરાવી દીધી.

માળા મળી એટલે સુરેન્દ્રે પાછા પ્રણામ કર્યા. ઠાકુર વળી પાછા તેને ઇશારત કરીને પગે હાથ ફેરવી દેવાનું કહે છે. સુરેન્દ્રે થોડી વાર સુધી ઠાકુરની ચરણસેવા કરી.

(કાશીપુર ઉદ્યાનગૃહમાં ભક્તગણનું સંકીર્તન)

ઠાકુર જે ઓરડામાં છે તેની પશ્ચિમ બાજુએ એક તળાવડી છે. એ તળાવડીના ઘાટના ઓટલા પર કેટલાક ભક્તો ખોલ, કરતાલ લઈને ગીત ગાઈ રહ્યા છે. ઠાકુરે લાટુની મારફત કહેવડાવ્યું, ‘તમે જરા હરિનામ-કીર્તન કરો.’

માસ્ટર, બાબુરામ વગેરે હજીયે ઠાકુરની પાસે બેઠા છે. તેઓ સાંભળી રહ્યા છે કે ભક્તો ગાય છે : ‘હરિ કહી મારો ગૌર નાચે…’

ઠાકુર ગીત સાંભળતાં સાંભળતાં બાબુરામ,માસ્ટર વગેરેને ઇશારત કરીને કહે છે, ‘તમે બધા નીચે જાઓ. એમની સાથે મળીને કીર્તન કરો, અને નાચજો.’

તેઓ નીચે આવીને કીર્તનમાં જોડાયા.

થોડીવાર પછી ઠાકુરે વળી પાછા લોકોને મોકલ્યા. કહેવડાવ્યું છે કે ઉથલો આપી ઝીલવો – ‘ગૌર નાચી પણ જાણે રે!’ ‘ગૌરની ભાવાવેશ પર બલિબલિ જાઈએ રે!’ ‘બે બાહુ ઊંચા કરીને ગૌર નાચે છે રે!’

કીર્તન સમાપ્ત થયું. સુરેન્દ્ર ઠીક ઠીક પ્રમાણમાં ભાવાવેશમાં આવીને ગાય છે :

અમારા પાગલ પિતા ને પાગલી મારી મા!
હું તો એનો પાગલ છોરું, મારી માનું નામ છે શ્યામા!
બાબા બમ્ બમ્ ભોલે, મદ્ય પીને ઢળી પડે મા!
ડોલે રે ડોલે રે, ખુલ્લા કેશ મા શ્યામાના!
રક્તચરણે ભ્રમર ગુંજે રે, નૂપુર બાજે સાંભળો રે!

Total Views: 387
ખંડ 52 : અધ્યાય 16 : કાશીપુરના ઉદ્યાનમાં નરેન્દ્ર વગેરે ભક્તોની સાથે
ખંડ 52 : અધ્યાય 18 : નરેન્દ્ર અને ઈશ્વરનું અસ્તિત્વ - ભવનાથ, પૂર્ણ અને સુરેન્દ્ર