ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરીને હીરાનંદ ઘોડાગાડીમાં બેસવા જાય છે. ઘોડાગાડીની પાસે નરેન્દ્ર, રાખાલ વગેરે ઊભા રહીને તેની સાથે મીઠો વાર્તાલાપ કરે છે. સમય દસ વાગ્યાનો. હીરાનંદ વળી પાછા આવતી કાલે આવશે.

આજ બુધવાર, ચૈત્ર વદ ત્રીજ. તારીખ ૨૧મી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૬. નરેન્દ્ર બગીચાના રસ્તા પર ફરતાં ફરતાં મણિની સાથે વાતો કરી રહ્યા છે. તેમને ઘેર મા અને ભાઈઓને ખૂબ કષ્ટ. પોતે હજીયે તેમના ગુજરાનનો બરાબર બંદોબસ્ત કરી દઈ શક્યા નથી, એને માટે ચિંતાતુર છે.

નરેન્દ્ર – વિદ્યાસાગરની સ્કૂલની નોકરીની હવે મારે જરૂર નથી. ગયા જવું એમ વિચાર કર્યાે છે. એક જમીનદારની એસ્ટેટના મેનેજરની નોકરીની વાત એક જણે કરી છે! બાકી ઈશ્વર બીશ્વર તો નથી!

મણિ (સહાસ્ય) – એ તમે અત્યારે કહો છો; પણ પછી કહેવાના નથી. પરમહંસદેવ કહે છે કે Scepticism – શંકાશીલતા એ ઈશ્વર-પ્રાપ્તિના માર્ગમાં એક સ્ટેજ – ભૂમિકા. એ બધી સ્ટેઈજિસ – ભૂમિકાઓ પાર થવાય અને એથીયે આગળ વધાય, ત્યારે ભગવાનને પામી શકાય.

નરેન્દ્ર – જેવી રીતે આ ઝાડ જોઉં છું, તેવી રીતે કોઈએ ભગવાનને જોયા છે?

મણિ – હા, ઠાકુર શ્રીરામકૃષ્ણે જોયા છે.

નરેન્દ્ર – એ તેમના મનની કલ્પના હોઈ શકે!

મણિ – જે જે અવસ્થામાં જે દેખે, તે તે અવસ્થામાં તેને માટે રિયાલિટી-સત્ય. જ્યાં સુધી સ્વપ્ન દેખો છો કે તમે એક બાગમાં ગયા છો, ત્યાં સુધી એ બાગ તમારે માટે રિયાલિટી-સત્ય. પરંતુ તમારી અવસ્થા બદલાઈ, જેમ કે જાગ્રત-અવસ્થા થઈ. તમારી એમાં ભ્રમણા થઈ છે એવું તમને લાગી શકે. જે અવસ્થામાં ઈશ્વરનાં દર્શન થઈ શકે, તે અવસ્થા થાય ત્યારે તે રિયાલિટી-સત્ય લાગે.

નરેન્દ્ર – મારે Truth (સત્ય) જોઈએ. તે દિવસે શ્રીરામકૃષ્ણ પરમહંસ મહાશયની સાથેય ખૂબ વાદ કર્યાે.

મણિ (સહાસ્ય) – શું (વાદ) થયો હતો?

નરેન્દ્ર – એ મને કહેતા’તા કે ‘મને કોઈ કોઈ ઈશ્વર કહે છે.’ મેં કહ્યું કે ‘હજારો માણસો ભલે ને ઈશ્વર કહે, મને જ્યાં સુધી એ સત્ય તરીકે અનુભવમાં ન આવે, ત્યાં સુધી હું કહેવાનો નથી. ‘એમણે કહ્યું કે ‘ઘણા માણસો જે કહે, એ જ તો સાચું, એ જ તો ધર્મ!’

‘મેં કહ્યું કે હું પોતે જ્યાં સુધી બરાબર ન સમજું ત્યાં સુધી બીજા માણસોની વાત સાંભળવાનો નહિ.’

મણિ (સહાસ્ય) – તમારો કહેવાનો ભાવ Copernicus, Berkeley – એના જેવો. જગતના માણસો કહે કે સૂર્ય ફરે છે. Copernicus – કૉપર્નિકસે એ સાંભળ્યું નહિ. દુનિયાના માણસો કહે છે કે External World – બહારનું જગત છે. પણ Berkeley – બર્કલેયે એ સાંભળ્યું નહિ. એટલે તો Lewis, ‘Why was not Berkeley a philosophical Copernicus? – લેવિસ કહે છે કે બર્કલે દાર્શનિકોમાં કોપર્નિકસ ન હતો કે?

નરેન્દ્ર – એક History of philosophy -દર્શન-શાસ્ત્રનો ઇતિહાસ આપી શક્યો?

મણિ – કયો, Lewis- લેવિસનો?

નરેન્દ્ર – ના, Ueberweg; ઉબરવેગનો; German – જર્મન શીખવું પડશે.

મણિ – તમે કહો છો કે ‘સામેના ઝાડની પેઠે શું કોઈએ ઈશ્વરને જોયો છે? પણ હું શું કહું છું કે ઈશ્વર જો માણસ થઈને સામે આવીને કહે કે ‘હું ઈશ્વર પોતે,’ તોય શું તમે માનવાના હતા? તમે પેલી લેઝેરસની વાત તો જાણો છો ને? કે લેઝેરસ મરીને પરલોકમાં જઈને અબ્રહામને કહેવા લાગ્યો કે હું મારાં સગાંસંબંધી ઇષ્ટ મિત્રોને કહી આવું કે ખરેખર પરલોક અને નરક છે! ત્યારે અબ્રહામે કહ્યું કે તું જઈને કહીશ એટલે શું તેઓ માનવાના હતા? તે લોકો કહેશે કે કોઈ એક બદમાશ આવીને આ વાત કરે છે!

ઠાકુરે કહ્યું છે કે પરમાત્માનો વિચાર કરીને જાણી શકાય નહિ. શ્રદ્ધાથી જ બધું મળે; જ્ઞાન, વિજ્ઞાન, ઈશ્વરનાં દર્શન, તેની સાથે વાતચીત વગેરે બધું જ.

ભવનાથે લગ્ન કર્યાં છે. તેમને ખાવાનીયે ચિંતા છે. માસ્ટર પાસે આવીને તેઓ કહે છે : ‘વિદ્યાસાગરની નવી શાળા થવાની છે એવું સાંભળ્યું છે. મારે પણ મહેનત કરીને કમાવું પડશે. શાળામાં કોઈ કામ મળી જાય તો કેવું?

(રામલાલ – પૂર્ણને ગાડીનું ભાડું – સુરેન્દ્રના ખસના પડદા)

સમય ત્રણ-ચાર વાગ્યાનો છે. ઠાકુર સૂતા છે. રામલાલ પગ દાબી રહ્યા છે. ઓરડામાં સિંથિનો ગોપાલ અને મણિ પણ છે. રામલાલ આજે દક્ષિણેશ્વરથી ઠાકુરને જોવા આવ્યા છે.

ઠાકુર મણિને બારી બંધ કરી દેવાનું કહે છે, અને પગે હાથ ફેરવી દેવાનું.

શ્રીયુત્ પૂર્ણને ભાડાની ગાડી કરીને કાશીપુરને બગીચે આવવાનું કહ્યું હતું. એ દર્શન કરીને ગયા છે. ગાડીભાડું મણિ આપવાના છે. ઠાકુર ગોપાલને ઇશારત કરીને પૂછે છે, ‘આમની પાસેથી (પૈસા) મળ્યા છે?’

ગોપાલ કહે છે, ‘જી હા.’

રાતના નવ વાગ્યા. સુરેન્દ્ર, રામ વગેરે કોલકાતા પાછા ફરવાની તૈયારી કરે છે.

વૈશાખ મહિનાનો તડકો. દિવસના ભાગમાં ઠાકુરનો ઓરડો ખૂબ ગરમ થાય. એટલે સુરેન્દ્રે ખસના પડદા લાવી આપ્યા છે. એ પડદા બારીઓમાં ટાંગી દેવાથી ઓરડો મજાનો ઠંડો રહે એ માટે.

સુરેન્દ્ર – ખસના પડદા કોઈએ ટાંગ્યા નહિ, અલ્યા? કોઈ ધ્યાન દેતું નથી!

એક ભક્ત (સહાસ્ય) – ભક્તોની અત્યારે બ્રહ્મજ્ઞાનની અવસ્થા. અત્યારે ‘સોઽહમ્, જગત મિથ્યા’; પાછો વળી ‘તમે પ્રભુ, હું દાસ’ એ ભાવ જ્યારે આવશે, ત્યારે આ બધી સેવા થશે! (સૌનું હાસ્ય).

Total Views: 513
ખંડ 52 : અધ્યાય 17 : બુદ્ધદેવ શું ઈશ્વરના અસ્તિત્વમાં માનતા? - નરેન્દ્રને ઉપદેશ
ખંડ 52 : અધ્યાય 19 : રાખાલ, શશી, માસ્ટર, નરેન્દ્ર, ભવનાથ, સુરેન્દ્ર, રાજેન્દ્ર, ડૉક્ટર