કાશીપુરનો બગીચો. રાખાલ, શશી અને માસ્ટર સંધ્યા સમયે બગીચાના રસ્તા પર ફરી રહ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ બીમાર છે; બગીચામાં દવા કરાવવા સારુ આવ્યા છે. તેઓ ઉપલા મજલા પરના ઓરડામાં છે. ભક્તો તેમની સેવા કરે છે. આજ ગુરુવાર, ૨૨મી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૬. ગુડ-ફ્રાઈડેની પહેલાંનો દિવસ.

માસ્ટર – ઠાકુર તો ગુણાતીત બાલક!

શશી અને રાખાલ – ઠાકુર કહે છે કે તેમની એ અવસ્થા.

રાખાલ – જાણે કે એક ટાવર. તેના ઉપર બેસીને બધી ખબર પડે, બધું જોઈ શકાય. પરંતુ ત્યાં કોઈ ચડી શકે નહિ, કોઈ પહોંચી શકે નહિ.

માસ્ટર – ઠાકુર બોલ્યા છે કે એ અવસ્થામાં હંમેશાં ઈશ્વર-દર્શન થઈ શકે. વિષય-રસ ન હોય એટલે સૂકું લાકડું; જલદી પેટી જાય.

શશી – બુદ્ધિ કેટલા પ્રકારની, એ ચારુને કહ્યું હતું. જે બુદ્ધિથી ભગવત્પ્રાપ્તિ થાય એ જ સાચી બુદ્ધિ. જે બુદ્ધિથી પૈસા મળે, ઘરબાર થાય, અમલદારી મળે, વકીલ થવાય તે બુદ્ધિ પૌંવા પલાળવા દહીંના પાણી જેવી. એ બુદ્ધિથી પાણીવાળા દહીંની પેઠે પૌંવા પલળે માત્ર. ઘાટા દહીંની પેઠે ઊંચી જાતની નહિ. જે બુદ્ધિથી ભગવાન-લાભ થાય, એ જ ઘાટા દહીંની પેઠે ઉત્કૃષ્ટ બુદ્ધિ!

માસ્ટર – અહા! કેવી સુંદર વાત!

શશી – કાલી તપસ્વી ઠાકુરની પાસે બોલ્યો હતો કે આનંદથી શું થવાનું હતું? ભીલડીઓને પણ આનંદ થાય છે. જંગલી જેવી હો હો કરીને નાચે ને ગાય!

રાખાલ – ઠાકુર બોલ્યા કે એ શું? બ્રહ્માનંદ અને વિષયાનંદ શું એક? જીવ વિષયાનંદમાં રચ્યાપચ્યા છે. વિષયાસક્તિ તદ્દન ગયા વિના બ્રહ્માનંદ મળે નહિ. એક બાજુએ પૈસાટકાનો આનંદ, ઇન્દ્રિય-સુખનો આનંદ, અને બીજી બાજુએ ઈશ્વરને પામવાનો આનંદ; એ બન્ને ક્યારેય સરખા હોઈ શકે? ઋષિઓએ આ બ્રહ્માનંદનો ઉપભોગ કર્યાે હતો.

માસ્ટર – કાલી હમણાં બુદ્ધદેવનું ચિંતન કરે છે ને, એટલે આવી બધી આનંદથી પર અવસ્થાની વાતો કરે છે.

રાખાલ – તેણે ઠાકુરની પાસેય બુદ્ધદેવની વાત કાઢી હતી. પરમહંસદેવે કહ્યું કે ‘બુદ્ધદેવ તો અવતાર. તેમની સાથે કોઈની સરખામણી થાય! મોટા ઘરની મોટી વાત! કાલી બોલ્યો હતો કે ‘બધીય તો ઈશ્વરી શક્તિ ને? એ જ શક્તિથી ઈશ્વરનો આનંદ, અને એ જ શક્તિથી તો વિષયાનંદ થાય!’

માસ્ટર – ઠાકુર શું બોલ્યા?

રાખાલ – તેમણે કહ્યું કે એ શું? સંતાન-ઉત્પાદનની શક્તિ અને ઈશ્વર-પ્રાપ્તિની શક્તિ શું એક?

(શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે – કામિનીકાંચન મોટી જંજાળ)

બગીચાના મકાનના મજલા પરના પેલા હોલમાં ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે બેઠા છે. શરીર દિન પ્રતિદિન વધુ ખરાબ થતું જાય છે. આજ વળી પાછા ડૉક્ટર મહેન્દ્ર સરકાર અને ડૉક્ટર રાજેન્દ્ર દત્ત જોવા આવ્યા છે; કોઈ રીતે જો દવાદારૂથી કાંઈ ફાયદો થાય તો. ઓરડામાં નરેન્દ્ર, રાખાલ, શશી, સુરેન્દ્ર, માસ્ટર, ભવનાથ અને બીજા ઘણાય ભક્તો છે.

બગીચો પાઈકપાડાના બાબુઓનો. ભાડું મહિને દેવું પડે સાઠ-પાંસઠ રૂપિયા. યુવક-ભક્તો મોટે ભાગે બગીચામાં જ રહે.

તેઓ જ રાતદિન ઠાકુરની સેવા કરે. ગૃહસ્થ-ભક્તો રોજ આવે અને કોઈ કોઈ વચ્ચે રાત્રે પણ રોકાય. તેમનીયે રાતદિવસ ઠાકુરની સેવા કરવાની ઇચ્છા ખરી, પરંતુ બધા કામધંધામાં બંધાયેલા છે. કાંઈક ને કાંઈક ધંધો-રોજગાર કરવો પડે છે એટલે બધો વખત ત્યાં રહીને સેવા કરી શકે નહિ. બગીચાનો ખર્ચ ચલાવવા જેની જેવી શક્તિ, તે પ્રમાણે ઠાકુરની સેવા માટે આપે; મોટા ભાગનો ખર્ચ સુરેન્દ્ર આપે. તેના જ નામે બગીચાની ભાડાચિઠ્ઠી થઈ છે. એક રસોઈયો અને કામ કરવા સારુ એક કામવાળી રાખવામાં આવી છે.

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટર સરકાર વગેરેને) – બહુ ખરચ થાય છે.

ડૉક્ટર (ભક્તોને બતાવીને) – એને માટે આ બધા તૈયાર છે. અહીંનો ખર્ચ દેવામાં એમને કશું કષ્ટ નથી લાગતું. (શ્રીરામકૃષ્ણને) હવે જુઓ, કાંચન પણ જોઈને!

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – તું બોલ ને?

ઠાકુરે નરેન્દ્રને જવાબ દેવાનું કહ્યું. નરેન્દ્ર મૂંગો રહ્યો છે.

ડૉક્ટર વળી વાત કરે છે.

ડૉક્ટર – કાંચન જોઈએ, તેમજ કામિની પણ જોઈએ.

રાજેન્દ્ર ડૉક્ટર – આમનાં પત્ની રસોઈ વગેરે કરી આપે છે.

ડૉક્ટર સરકાર (ઠાકુરને) – જોયું ને?

શ્રીરામકૃષ્ણ (જરા હસીને) – બહુ જંજાળ.

ડૉક્ટર સરકાર – જંજાળ ન હોય તો તો બધાય પરમહંસ!

શ્રીરામકૃષ્ણ – સ્ત્રીનો સ્પર્શ થાય તો મને વેદના થાય. જ્યાં એ અડે ત્યાં ઝણ ઝણ, ઝણ ઝણ થાય, જાણે કે વીંછીએ ડંખ માર્યાે!

ડૉક્ટર – એ માનું છું; પણ ન હોય તો ચાલે છે ક્યાં?

શ્રીરામકૃષ્ણ – પૈસા હાથમાં ઝાલતાં મારા હાથ વાંકા થઈ જાય! શ્વાસ બંધ થઈ જાય! રૂપિયાથી જો કોઈ વિદ્યાનો સંસાર કરે, ઈશ્વરની સેવા, સાધુ-ભક્તોની સેવા કરે, તો તેમાં દોષ નહિ.

સ્ત્રી લઈને માયાનો સંસાર કરવો! એથી ઈશ્વરને ભૂલી જવાય. જે જગતની મા, તેમણે જ આ માયાનું રૂપ, સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે એ બરાબર સમજીએ તો પછી માયાનો સંસાર કરવાની ઇચ્છા થાય નહિ. સર્વ સ્ત્રીઓને ખરેખરી મા તરીકે જાણી શકાય, તો વિદ્યાનો સંસાર કરી શકાય. જ્યાં સુધી ઈશ્વર-દર્શન થાય નહિ ત્યાં સુધી સ્ત્રી શી વસ્તુ છે એ સમજી શકાય નહિ.

હોમિયોપથી દવા ખાવાથી ઠાકુરને કેટલાક દિવસ થયા ઠીક છે.

ડૉ. રાજેન્દ્ર – આરામ થઈ ગયા પછી આપને હોમીયોપથી ડૉક્ટરી કરવાની છે. નહિતર જીવતા રહીનેય શો ફાયદો? (સૌનું હાસ્ય).

નરેન્દ્ર – મોચી કહેશે કે Nothing like Leather – જગતમાં ચામડાં જેવું ઉત્તમ બીજું કંઈ જ નથી! (સૌનું હાસ્ય).

થોડી વાર પછી ડૉક્ટરો ચાલ્યા ગયા.

Total Views: 389
ખંડ 52 : અધ્યાય 18 : નરેન્દ્ર અને ઈશ્વરનું અસ્તિત્વ - ભવનાથ, પૂર્ણ અને સુરેન્દ્ર
ખંડ 52 : અધ્યાય 20 : શ્રીરામકૃષ્ણે શા માટે કામિનીકાંચનનો ત્યાગ કર્યાે?