ઠાકુર માસ્ટરની સાથે વાત કરી રહ્યા છે. ‘કામિની’ સંબંધે પોતાની અવસ્થા કહી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – આ સૌ, કામિની-કાંચન ન હોય તો ચાલે નહિ એમ કહે છે. પણ મારી શી અવસ્થા છે તે એ જાણતા નથી.

સ્ત્રીઓનાં શરીરને મારો હાથ અડી જાય તો હાથ ઠરડાઈ જઈને ઝણ ઝણ, ઝણ ઝણ થાય.

‘જો આત્મીયતા બતાવીને નજીક જઈને વાત કહેવા જાઉં, તો વચ્ચે જાણે કે એક આડશ થઈ જાય, એ આડશની પેલી બાજુ જઈ શકાય જ નહિ!

‘ઓરડામાં એકલો બેઠો હોઉં, ને એ વખતે જો કોઈ સ્ત્રી આવી ચડે તો એકદમ બાળક જેવી અવસ્થા થઈ જાય. અને એ સ્ત્રી મા જેવી જ લાગે!’

માસ્ટર આશ્ચર્યચકિત થઈને ઠાકુરના બિછાનાની પાસે બેઠા બેઠા આ બધી વાતો સાંભળી રહ્યા છે. બિછાનાથી જરા દૂર ભવનાથની સાથે નરેન્દ્ર વાતો કરી રહ્યા છે. ભવનાથે વિવાહ કર્યાે છે, ધંધારોજગારની શોધ કરે છે; એટલે કાશીપુરના બગીચામાં ઠાકુરને જોવા વારંવાર આવી શકતો નથી. ઠાકુર શ્રીરામકૃષ્ણ ભવનાથને માટે બહુ ચિંતાતુર રહે છે; કારણ કે ભવનાથ સંસારમાં પડ્યો છે. ભવનાથની ઉંમર ૨૩-૨૪ વર્ષની હશે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – એને ખૂબ ઉત્સાહ આપ.

નરેન્દ્ર અને ભવનાથ ઠાકુરની તરફ જોઈ જરા હસવા લાગ્યા. ઠાકુર ઇશારતથી વળી ભવનાથને કહે છે, ‘ખૂબ વીર પુરુષ થજે. સ્ત્રી ઘૂંઘટો તાણીને રડે તેનાથી ભોળવાતો નહિ. નાક છીંકતાં છીંકતાં ઠૂઠવો મૂકે!’ (નરેન્દ્ર અને ભવનાથ અને માસ્ટરનું હાસ્ય).

‘ભગવાનમાં મન બરાબર રાખજે. જે વીર પુરુષ હોય તે રમણીની સાથે રહે, પણ ન કરે રમણ. સ્ત્રીની સાથે કેવળ ઈશ્વરની વાતો કરજે.

થોડી વાર પછી ઠાકુર વળી ઇશારત દ્વારા ભવનાથને કહે છે ‘આજે અહીં જમજે.’

ભવનાથ – જી ભલે. હું મજામાં છું.

સુરેન્દ્ર આવીને બેઠા છે. વૈશાખ મહિનો. ભક્તો ઠાકુરને સંધ્યાકાળ પછી રોજ રોજ સુગંધી ફૂલની માળાઓ લાવી આપે. એ માળાઓ ઠાકુર એક એક કરીને ગળામાં ધારણ કરે. સુરેન્દ્ર મૂગા થઈને બેઠા છે. ઠાકુરે પ્રસન્ન થઈને એમને બે માળા આપી. સુરેન્દ્રે પણ ઠાકુરને પ્રણામ કરીને એ માળા માથે અડાડીને ગળામાં પહેરી.

સૌ તદ્દન શાંત થઈને બેઠા છે અને ઠાકુરને જુએ છે. સુરેન્દ્ર ઠાકુરને પ્રણામ કરીને ઊભા થયા અને જવાની રજા માગે છે. જતી વખતે ભવનાથને બોલાવીને કહ્યું કે ‘ખસના પડદા ટાંગી દો.’

બહુ જ ગરમી પડે છે. ઠાકુરનો ઓરડો દિવસના ભાગમાં બહુ જ ગરમ થાય, એટલે સુરેન્દ્ર ખસના પડદા કરાવી લાવ્યા છે.

Total Views: 339
ખંડ 52 : અધ્યાય 19 : રાખાલ, શશી, માસ્ટર, નરેન્દ્ર, ભવનાથ, સુરેન્દ્ર, રાજેન્દ્ર, ડૉક્ટર
ખંડ 52 : અધ્યાય 21 : શ્રીરામકૃષ્ણ હીરાનંદ વગેરે ભક્તો સાથે કાશીપુરના ઉદ્યાનમાં