(શ્રીઠાકુરનો ઉપદેશ – ‘જો કુછ હૈ સો તૂ હી હૈ’ – નરેન્દ્ર અને હીરાનંદનું ચરિત્ર)

કાશીપુરનો બગીચો. ઠાકુર શ્રીરામકૃષ્ણ ઉપરના ઓરડામાં બેઠા છે. સામે હીરાનંદ, માસ્ટર અને બીજા એક બે ભક્તો છે. હીરાનંદની સાથે તેના બે ભાઈબંધ આવ્યા છે. હીરાનંદ સિંધુ દેશવાસી, કોલકાતાની કોલેજમાં અભ્યાસ કરીને દેશમાં ગયા પછી આટલા દિવસ ત્યાં હતા. શ્રીરામકૃષ્ણની માંદગીના ખબર સાંભળીને તેમને જોવા આવ્યા છે. સિંધ કોલકાતાથી લગભગ અગિયારસો ગાઉ થાય. હીરાનંદને મળવા સારુ ઠાકુર આતુર થયા હતા.

ઠાકુરે હીરાનંદ તરફ આંગળી ચીંધીને માસ્ટરને સૂચન કર્યું; જાણે એમ કહેતા ન હોય કે ‘છોકરો બહુ સારો.’

શ્રીરામકૃષ્ણ – ઓળખાણ થઈ છે?

માસ્ટર – જી હાં.

શ્રીરામકૃષ્ણ (હીરાનંદ અને માસ્ટરને) – તમે જરા વાત કરો તો હું સાંભળું.

માસ્ટર ચૂપ રહ્યા. તે જોઈને ઠાકુરે માસ્ટરને પૂછ્યું, ‘નરેન્દ્ર છે? તેને બોલવી લાવો.’

નરેન્દ્ર ઉપર આવ્યા અને ઠાકુરની પાસે બેઠા.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર અને હીરાનંદને) – તમે બેઉ જણ જરા વાતો કરો તો.

હીરાનંદ

હીરાનંદ ચૂપ થઈને બેઠા છે. ખૂબ આનાકાની પછી તેમણે વાતનો આરંભ કર્યાે.

હીરાનંદ (નરેન્દ્રને) – વારુ, ભક્તને દુઃખ શું કરવા?

હીરાનંદના શબ્દો જાણે કે મધ જેવા મીઠા. તેમની વાતો જેમણે સાંભળી તેઓ સમજી શક્યા કે એનું હૃદય પ્રેમપૂર્ણ.

નરેન્દ્ર – The scheme of the universe is devilish! I could have created a better world! આ જગતની વ્યવસ્થા જોઈને એમ લાગે છે કે એ જાણે શેતાનની રચના! એના કરતાં હું વધુ સારી સૃષ્ટિ કરી શક્યો હોત.

હીરાનંદ – દુઃખ ન હોય તો શું સુખનો અનુભવ થાય?

નરેન્દ્ર – I am giving no scheme of the universe but simply my opinion of the present scheme – જગત કેવી રીતે બનાવવું તેની યોજના હું નથી કહેતો, પણ હું જે વ્યવસ્થા મારી નજર સમક્ષ જોઉં છું, તે વ્યવસ્થા બરાબર નથી.

પરંતુ એક વસ્તુ માની લો તો બધું મટી જાય. Our only refuge is in pantheism – ઈશ્વર જ આ બધું થઈ રહેલ છે એમ માની લઈએ તો બધી પંચાત મટી જાય. હું જ બધું કરી રહ્યો છું!

હીરાનંદ – એ બોલવું સહેલું છે.

નરેન્દ્ર – નિર્વાણ-ષટ્ક સૂર કાઢીને ગાય છે :

(ૐ) મનોબુદ્ધ્યહંકારચિત્તાનિ નાઽહં ન ચ શ્રોત્રજિહ્‌વે ન ચ ઘ્રાણનેત્રે।

ન ચ વ્યોમભૂમિર્ન તેજો ન વાયુઃ ચિદાનંદરૂપઃ શિવોઽહં શિવોઽહમ્॥૧॥ન ચ પ્રાણસંજ્ઞો ન વૈ પંચવાયુર્ન વા સપ્તધાતુર્ન વા પંચકોશઃ।
ન વાક્પાણિપાદમ્ ન ચોપસ્થપાયુઃ ચિદાનંદરૂપઃ શિવોઽહં શિવોઽહમ્॥૨॥
ન મે દ્વેષરાગૌ ન મે લોભમોહૌ મદો નૈવ મે નૈવ માત્સર્યભાવઃ।
ન ધર્માે ન ચાર્થાે ન કામો ન મોક્ષઃ ચિદાનંદરૂપઃ શિવોઽહં શિવોઽહમ્॥૩॥
ન પુણ્યં ન પાપં ન સૌખ્યં ન દુઃખં ન મંત્રો ન તીર્થં ન વેદા ન યજ્ઞાઃ।
અહં ભોજનં નૈવ ભોં ન ભોક્તાઃ ચિદાનંદરૂપઃ શિવોઽહં શિવોઽહમ્॥૪॥
ન મૃત્યુર્ન શંકા ન મે જાતિભેદઃ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ।
ન બન્ધુર્ન મિત્રં ગુરુર્નૈવ શિષ્યઃ ચિદાનંદરૂપઃ શિવોઽહં શિવોઽહમ્॥૫॥
અહં નિર્વિકલ્પો નિરાકારરૂપો વિભુત્વાચ્ચ સર્વત્ર સર્વેન્દ્રિયાણામ્।
ન ચાસંગતં નૈવ મુક્તિર્ન મેયઃ ચિદાનંદરૂપઃ શિવોઽહં શિવોઽહમ્॥૬॥

હીરાનંદ – સરસ!

ઠાકુરે હીરાનંદને ઇશારતથી કહ્યું કે ‘એનો જવાબ આપો!’

હીરાનંદ – ઓરડાને એક ખૂણેથી જોવો અને વચમાં ઊભા રહીને જોવો એ સરખું જ. હે ઈશ્વર! હું તમારો દાસ એથી પણ ઈશ્વરનો અનુભવ થાય, અને ‘તે જ હું’ સોઽહમ્, એથીયે ઈશ્વરનો જ અનુભવ થાય. એક બારણેથીયે ઓરડામાં જઈ શકાય, અને જુદાં જુદાં બારણાંથીયે ઓરડામાં જઈ શકાય.

સૌ ચૂપ બેઠા છે. હીરાનંદ નરેન્દ્રને કહે છે : જરા ગીત સંભળાવો.

નરેન્દ્ર સૂર કાઢીને કૌપીન-પંચક ગાય છે :

વેદાન્તવાક્યેષુ સદા રમન્તો ભિક્ષાન્નમાત્રેણ ચ તુષ્ટિમન્તઃા
અશોકમન્તઃકરણે ચરન્તઃ કૌપીનવન્તઃ ખલુ ભાગ્યવન્તઃ॥૧॥
મૂલં તરોઃ કેવલમાશ્રયન્તઃ પાણિદ્વયં ભોક્તુમામંત્રયન્તઃ।
કંથામિવ શ્રીમપિ કુત્સયન્તઃ કૌપીનવન્તઃ ખલુ ભાગ્યવન્તઃ॥૨॥
સ્વાનંદભાવે પરિતુષ્ટિમન્તઃ સુશાન્તસર્વેન્દ્રિયવૃત્તિમંતઃ।
અહર્નિશં બ્રહ્મણિ યે રમન્તઃ કૌપીનવન્તઃ ખલુ ભાગ્યવન્તઃ॥૩॥

ઠાકુરે જેવું સાંભળ્યું કે અહર્નિશં બ્રહ્મણિ યે રમન્તઃ કે તરત ધીરે ધીરે બોલે છે ‘અહા!’ અને ઇશારત કરીને દેખાડે છે કે ‘આ યોગીનાં લક્ષણ!’

નરેન્દ્ર કૌપીન-પંચક પૂરું કરે છે :

દેહાદિભાવં પરિવર્તયન્તઃ સ્વાત્માનમાત્મન્યવલોકયન્તઃ।
નાન્તં ન મધ્યં ન બહિઃ સ્મરન્તઃ કૌપીનવન્તઃ ખલુ ભાગ્યવન્તઃ॥૪॥
બ્રહ્માક્ષરં પાવનમુચ્ચરન્તઃ બ્રહ્માહમસ્મીતિ વિભાવયન્તઃા
ભિક્ષાશિનો દિક્ષુ પરિભ્રમન્તઃ કૌપીનવન્તઃ ખલુ ભાગ્યવન્તઃ॥૫॥
નરેન્દ્ર વળી ગાય છે :
પરિપૂર્ણમાનન્દમ્।
અંગવિહીનં સ્મર જગન્નિધાનં।
શ્રોત્રસ્ય શ્રોત્રં મનસો મનો યદ્વાચો વાચં।
વાગતીતં પ્રાણસ્ય પ્રાણં પરં વરેણ્યમ્।
શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – અને પેલું, ‘જો કુછ હૈ સો તું હી હૈ.’ નરેન્દ્ર એ ગીત ગાય છે.
તુઝસે હમને દિલકો લગાયા, જો કુછ હૈ સો તું હી હૈ –
એક તુઝકો અપના પાયા, જો કુછ હૈ સો તું હી હૈ –
દિલ કી મકા સબકી મકી તું, કૌનસા દિલ હૈ જિસમેં નહિ તું;
હર એક દિલમેં તું હી સમાયા, જો કુછ હૈ સો તું હી હૈ –
ક્યા મલાયક, ક્યા ઇન્સાન, ક્યા હિન્દુ, ક્યા મુસલમાન;
જૈસા ચાહા તુને બનાયા, જો કુછ હૈ સો તું હી હૈ –
કાબામેં ક્યા ઔર દેવલમેં ક્યા, તેરી પરસ્ત હૈ સબ જહાં;
તેરે આગે સિર સબોંને ઝૂકાયા, જો કુછ હૈ સો તું હૈ –
અર્સસે લે ફર્સ જમીં તક, ઔર જમીનસે અર્સ બરી તક,
જહાં મૈં દેખા તું હી નજરમેં આયા, જો કુછ હૈ સો તું હી હૈ –
સોચા સમઝા દેખા ભાલા, તું જૈસા ન કોઈ ઢૂંઢ નિકાલા,
અબ યહ સમઝમેં ઝફરકી આયા, જો કુછ હૈ સો તું હી હૈ –

‘હર એક દિલમેં’ આ શબ્દો સાંભળી ઠાકુર ઇશારો કરીને કહે છે કે ઈશ્વર દરેકના હૃદયમાં છે, તે અન્તર્યામી.

‘જહાં મૈં દેખા તું હી નજરમેં આયા, જો કુછ હૈ સો તું હી હૈ’ આ સાંભળીને હીરાનંદ નરેન્દ્રને કહે છે ‘સબ તું હી હૈ; હવે તુંહું, તુંહું; હું નહીં, તું જ.’

નરેન્દ્ર – Give me one and I will give you a million – જો મને એક મળે તો પછી તેમાંથી સહેલાઈથી દસ લાખ કરી શકું. (એટલે કે એકડા પર મીંડાં ચડાવીને). તમે પણ હું, હું જ તમે, મારા વિના બીજું કંઈ નથી.

એમ કહી નરેન્દ્ર અષ્ટાવક્ર – સંહિતામાંથી કેટલાક શ્લોકો બોલવા લાગ્યા. સૌ શાંતિથી બેઠા છે.

શ્રીરામકૃષ્ણ (હીરાનંદ પ્રત્યે, નરેન્દ્રને દેખાડીને) – જાણે કે ખુલ્લી તલવાર લઈને ફરે છે! (માસ્ટર પ્રત્યે, હીરાનંદને દેખાડીને) કેવો શાંત! મદારી સામે જેમ સાપ ફેણ ચડાવીને શાંત બેસે તેમ.

Total Views: 346
ખંડ 52 : અધ્યાય 20 : શ્રીરામકૃષ્ણે શા માટે કામિનીકાંચનનો ત્યાગ કર્યાે?
ખંડ 52 : અધ્યાય 22 : શ્રીઠાકુરની આત્મપૂજા - ગૂઢ વાતો - માસ્ટર, હીરાનંદ વગેરે સાથે