ઠાકુર શ્રીરામકૃષ્ણ અંતર્મુખ. પાસે હીરાનંદ અને માસ્ટર બેઠા છે. ઓરડો નિઃસ્તબ્ધ. ઠાકુરને શરીરે અશ્રૂતપૂર્ણ વેદના. ભક્તો જ્યારે જ્યારે એ જુએ છે, ત્યારે તેમનું હૃદય ચિરાઈ જાય છે. પરંતુ ઠાકુરે બધાને ભુલાવીને રાખ્યા છે. સહાસ્ય વદને બેઠા છે. ભક્તો ફૂલ અને માળા લાવ્યા છે. ઠાકુરના હૃદયમાં નારાયણ છે. એમ લાગે છે કે તેઓ તેની જ પૂજા કરી રહ્યા છે. ફૂલ લઈને માથે, ગળે, હૃદય ઉપર, નાભિએ એમ ચડાવે છે. જાણે કે એક બાળક ફૂલ લઈને રમત કરે છે.

ઠાકુરમાં જ્યારે ઈશ્વરી ભાવ આવે છે ત્યારે, તે કહે છે કે ‘શરીરમાં મહાવાયુ ઊંચો ચડે છે’. મહાવાયુ ચડે એટલે ઈશ્વરની અનુભૂતિ થાય એમ હંમેશાં કહે. અત્યારે માસ્ટરની સાથે વાતચીત ચાલે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટર પ્રત્યે) – વાયુ ક્યારે ઊંચો ચડ્યો છે તેની ખબર નથી.

અત્યારે બાળક-ભાવ છે એટલે ફૂલ લઈને આમ રમું છું. શું જોઉં છું ખબર છે? શરીર જાણે કે કપડે ઢાંકેલું એક વાંસનું પાંજરું. એ જ હાલે ચાલે છે, અંદર કોઈ છે એટલે જ તે હાલે છે.

જાણે કે અંદરથી બિયાં અને ગરભ કાઢી નાખેલું કોળું. અંદર કામ વગેરે આસક્તિ કંઈ છે જ નહીં. અંદર બધું સાફસૂફ અને –

ઠાકુરને બોલતાં પીડા થાય છે, ઘણી જ અશક્તિ. ઠાકુર શું કહેવા માગે છે તેનું થોડુંઘણું અનુમાન કરીને માસ્ટર ઝટ ઝટ બોલે છે ‘અને અંદર ભગવાનને જુઓ છો.’

શ્રીરામકૃષ્ણ – અંદર બહાર બન્ને સ્થળે જોઉં છું અખંડ સચ્ચિદાનંદ! માત્ર એક આ ખોળિયાનો આશ્રય કરીને અંદર બહાર સચ્ચિદાનંદ રહ્યો છે એ જોઉં છું.

માસ્ટર અને હીરાનંદ આ બ્રહ્મ-દર્શનની વાત સાંભળી રહ્યા છે. થોડી વાર પછી ઠાકુર તેમની તરફ જોઈને કહે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટર અને હીરાનંદને) – તમે બધા મારા પોતાના, આત્મીય છો એમ લાગે છે, કોઈ પારકું લાગતું નથી.

(શ્રીરામકૃષ્ણ અને યોગાવસ્થા – અખંડદર્શન)

‘હું જોઈ રહ્યો છું કે તમે બધા એક એક ખોળિયું લઈને માથું હલાવી રહ્યા છો.’

એમ પણ અનુભવાય છે કે જ્યારે ઈશ્વરમાં મન પરોવાય છે ત્યારે દુઃખ એક બાજુએ પડ્યું રહે છે. (યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ। યસ્મિન્સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે॥ વળી, જ્યારે આત્મલાભને પામીને યોગી બીજા કોઈ લાભને વધારે માનતો નથી. અને જેમાં સ્થિત એવો તે ભારે દુઃખથી પણ વિચલિત થતો નથી. ગીતા ૬.૨૨)

‘અત્યારે માત્ર જોઉં છું ચામડામાં ઢંકાયેલ એક અખંડ, અને એની એક બાજુએ આ ગળાનું ઘારું પડ્યું રહ્યું છે.’

ઠાકુર ફરી શાંત થઈ ગયા. થોડી વારે ફરીથી કહે છે ‘ચૈતન્ય જડની સત્તા લે અને જડ ચૈતન્યની સત્તા લે. શરીરને રોગ થાય ત્યારે એમ લાગે કે મને રોગ થયો છે.’

હીરાનંદે એ વાત સમજવાને માટે આગ્રહ દર્શાવ્યો. એટલે માસ્ટર કહે છે, કે ‘ગરમ પાણીથી હાથ દાઝી જાય તો કહેશે કે પાણીથી હાથ દાઝી ગયો. પણ એ ખરું નથી. હાથ Heat – ગરમીથી દાઝી ગયો.’

હીરાનંદ (ઠાકુરને) – આપ કહો, ભક્ત શા માટે દુ:ખ પામે?

શ્રીરામકૃષ્ણ – કષ્ટ દેહને.

ઠાકુર વળી પાછા કંઈક બોલવા જાય છે. બન્ને જણ રાહ જુએ છે.

ઠાકુર – સમજી શક્યા?

માસ્ટર આસ્તે આસ્તે હીરાનંદને કંઈક કહે છે.

માસ્ટર – લોકોપદેશ માટે, ઉદાહરણરૂપ થવા માટે. દેહના આટલા કષ્ટમાંય ઈશ્વરમાં મનનો સોળ આના યોગ!

હીરાનંદ – હાં, જેમ કે Christ – ક્રાઈસ્ટનું Crucifixion, વધસ્તંભ પર પીડા! પણ એ જ Mystery – કોયડો છે કે આમને શા માટે પીડા?

માસ્ટર – ઠાકુર જેમ કહે છે કે માની ઇચ્છા તેમ. અહીં તેમનો એ પ્રકારનો ખેલ.

એ બે જણ આસ્તે આસ્તે વાત કરે છે. ઠાકુર ઇશારો કરીને હીરાનંદને પૂછે છે. હીરાનંદ ઇશારો સમજી ન શકવાથી ઠાકુર વળી ઇશારો કરીને પૂછે છે, કે ‘એ શું કહે છે?’

હીરાનંદ – એ લોકોપદેશની વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ – એ વાત પણ એક અનુમાન સિવાય તો બીજું કંઈ નહિ ને? (માસ્ટર અને હીરાનંદને) અવસ્થા બદલાય છે. હવે મનમાં થાય છે કે ‘ચૈતન્ય થાઓ’ એમ સહુ કોઈને કહેવું નહિ. કલિયુગમાં પાપ વધારે; એ બધાં પાપ મારે ભોગવવાં પડે છે.

માસ્ટર (હીરાનંદને) – સમય થયો છે કે નહિ એ જોયા વિના ન બોલવું. જેને ચૈતન્ય થવાનો સમય થયો હોય તેને કહેવું.

Total Views: 275
ખંડ 52 : અધ્યાય 21 : શ્રીરામકૃષ્ણ હીરાનંદ વગેરે ભક્તો સાથે કાશીપુરના ઉદ્યાનમાં
ખંડ 52 : અધ્યાય 23 : પ્રવૃતિ કે નિવૃત્તિ? હીરાનંદને ઉપદેશ - નિવૃત્તિ સારી