હીરાનંદ ઠાકુરને પગે હાથ ફેરવી રહ્યા છે. પાસે માસ્ટર બેઠા છે. લાટુ અને બીજા એક બે ભક્તો ઓરડામાં અવારનવાર આવજા કરે છે. આજ શુક્રવાર, ૨૩મી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૬. આજે ગુડ-ફ્રાઈડે. બાર કે એક વાગ્યો હશે. હીરાનંદે આજ અહીં જ પ્રસાદ લીધો છે. ઠાકુરની ખૂબ ઇચ્છા થઈ હતી કે હીરાનંદ અહીં રહે.

હીરાનંદ પગે હાથ ફેરવતાં ફેરવતાં ઠાકુરની સાથે વાત કરે છે. એ જ મીઠા શબ્દો અને ચહેરો હસું હસું! જાણે કે બાળકને સમજાવે છે. ઠાકુર બીમાર, ડૉક્ટરો હંમેશાં તપાસે છે.

હીરાનંદ – તે એટલી બધી ચિંતા શા માટે? ડૉક્ટર પર ભરોસો રખાય એટલે નિશ્ચિંત! આપ તો બાળક.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – ડૉક્ટરમાં ભરોસો ક્યાં છે? સરકાર (ડૉક્ટર) તો બોલ્યો હતો કે ‘મટશે નહિ.’

હીરાનંદ – તે એટલી ચિંતા શાની? થવાનું હશે તે થશે.

માસ્ટર (હીરાનંદને અને બીજાને) – એ પોતાને માટે ચિંતા કરતા નથી. એમના શરીરની જાળવણી ભક્તોને માટે.

એક તો બહુ જ ગરમી; તેમાં બપોર. ખસનો પડદો ટાંગી દેવામાં આવ્યો છે. હીરાનંદ ઊઠીને પડદો સરખી રીતે ટાંગી દે છે. ઠાકુર જુએ છે.

શ્રીરામકૃષ્ણ (હીરાનંદને) – ત્યારે એ પાયજામો મોકલી દેજો! હીરાનંદે કહ્યું છે કે તેમના દેશનો પાયજામો પહેરવાથી ઠાકુરને આરામ લાગશે. એટલે ઠાકુર યાદ કરાવી દે છે કે તે પાયજામો મોકલી આપે.

હીરાનંદનું ભોજન બરોબર થયું ન હતું. ભાત જરા કાચો રહી ગયો હતો. એ સાંભળીને ઠાકુર બહુ જ દુઃખી થયા, અને વારંવાર તેને કહે છે કે કંઈક નાસ્તો કરશો? આટલું દરદ, વાત કહી શકતા નથી, તોય વારંવાર પૂછે છે.

વળી લાટુને પૂછે છે કે ‘તમારેય શું એ જ ભાત ખાવો પડ્યો હતો?’ ઠાકુર કમરે કપડું રાખી શકતા નથી. ઘણે ભાગે બાળકની પેઠે દિગંબર સ્થિતિમાં જ રહે. હીરાનંદની સાથે બે બ્રાહ્મ ભક્તો આવ્યા છે એટલે કપડું ક્યારેક ક્યારેક કમરની પાસે ખેંચે છે.

શ્રીરામકૃષ્ણ (હીરાનંદને) – કપડું નીકળી જાય તો (મને) તમે શું અસભ્ય કહો?

હીરાનંદ – તેમાં આપને શું? આપ તો બાળક.

શ્રીરામકૃષ્ણ (એક બ્રાહ્મ-ભક્ત પ્રિયનાથ તરફ આંગળી ચીંધીને) – એ કહે છે.

હવે હીરાનંદ રજા લે છે. એક બે દિવસ કોલકાતામાં રહીને પાછા સિંધ જવાના છે. ત્યાં એ નોકરી કરે છે. બે સમાચારપત્રોના એ સંપાદક છે. ઈ.સ. ૧૮૮૪ થી ચાર વરસ સુધી એ કામ તેમણે કર્યું હતું. એ સમાચારપત્રોનાં નામ ‘Sindh Times’ અને ‘Sindh Sudhar’ હીરાનંદ સિંધુવાસી. કોલકાતામાં અભ્યાસ કરેલો. ઈ.સ. ૧૮૮૩માં બી.એ. થયેલા. શ્રીયુત્ કેશવ સેનને હંમેશાં મળતા અને તેમની સાથે હંમેશાં વાતચીત કરતા. ઠાકુર શ્રીરામકૃષ્ણ પાસે કાલીવાડીમાં અવારનવાર આવીને રહેતા.

(હીરાનંદની પરીક્ષા – પ્રવૃિત્ત કે નિવૃિત્ત?)

શ્રીરામકૃષ્ણ (હીરાનંદને) – હવે ત્યાં ન ગયા તો શું?

હીરાનંદ (હસીને) – વાહ! ત્યાં બીજું કોઈ નથી; અને નોકરી કરું છું.

શ્રીરામકૃષ્ણ – પગાર શું મળે છે?

હીરાનંદ (હસીને) – આ બધાં કામમાં ઓછો પગાર.

શ્રીરામકૃષ્ણ – કેટલો?

હીરાનંદ હસવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ – અહીં રહો ને?

(હીરાનંદ ચૂપ છે.) શું વળવાનું છે નોકરી કરીને?

હીરાનંદ ચૂપ.

હીરાનંદે બીજી થોડી વાતચીત કરીને પછી રજા લીધી.

શ્રીરામકૃષ્ણ – ક્યારે આવશો?

હીરાનંદ – પરમ દિવસે સોમવારે દેશમાં જવું છે. સોમવારે સવારે આવીને મળીશ.

Total Views: 236
ખંડ 52 : અધ્યાય 22 : શ્રીઠાકુરની આત્મપૂજા - ગૂઢ વાતો - માસ્ટર, હીરાનંદ વગેરે સાથે
ખંડ 52 : અધ્યાય 24 : માસ્ટર, નરેન્દ્ર, શરત વગેરે