(Why all Scriptures – all Religions are true)
શ્રીરામકૃષ્ણ – જુઓ છો ને, કેટલી જાતના મતો છે? મત એ પથ. અનંત મત, અનંત પથ!
ભવનાથ – ત્યારે હવે ઉપાય?
શ્રીરામકૃષ્ણ – ગમે તે એકને નિષ્ઠાપૂર્વક પકડી રાખવો જોઈએ.
અગાસી ઉપર જવું હોય તો પાકાં પગથિયાંની સીડી પર થઈને જઈ શકાય. એક મોટી વળી પકડીને ચડી શકાય, દોરડાંની નિસરણીથીયે ચડી શકાય, દોરી ને વાંસની સીડી બનાવીનેય ચડી શકાય. પરંતુ ઘડીકમાં અહીં પગલું, ઘડીકમાં ત્યાં પગલું એમ કર્યે ન ચડાય. ગમે તે એકને પાકી રીતે પકડી રાખવું જોઈએ. ઈશ્વર-પ્રાપ્તિ કરવી હોય તો, ગમે તે એક રસ્તો બરાબર પકડી રાખવો જોઈએ.
અને બધા મતોને એક એક માર્ગ તરીકે જાણજો. મારો જ રસ્તો બરાબર અને બીજાઓનો ખોટો એવો ભાવ ન રાખવો, દ્વેષભાવ ન રાખવો.
(હું કયા પથનો? કેશવ, શશધર અને વિજયનો મત)
‘વારુ, હું કયા પથનો? કેશવ સેન કહેતા કે આપ અમારા જ મતના છો, નિરાકારમાં આવી રહ્યા છો. શશધર કહે કે ‘આ (ઠાકુર) આપણા જ (મતના) છે. વિજય (ગોસ્વામી) પણ કહેતા કે ‘આ (ઠાકુર) અમારા જ મતના માણસ છે.’
ઠાકુર શું એમ કહેવા માગે છે કે હું બધા માર્ગે થઈને ભગવાનની પાસે પહોંચ્યો છું, એટલે બધા પથોના સમાચાર (સાધના-પદ્ધતિઓ) જાણું છું? અને સર્વધર્મના લોકો મારી પાસે આવીને શાંતિ પામશે?
ઠાકુર પંચવટી તરફ માસ્ટર વગેરે એક બે ભક્તોની સાથે જાય છે, હાથ મોઢું ધોવા માટે. બાર વાગવાનો સમય છે. હવે ગંગામાં ભરતી આવવાની. એ સાંભળીને ઠાકુર પંચવટીના રસ્તા ઉપર જરા રાહ જુએ છે.
(ભાવ(મહાભાવ)નાં ગૂઢતત્ત્વ – ગંગાનાં ભરતી-ઓટનાં દર્શન)
ઠાકુર ભક્તોને કહે છે – ભરતી ઓટ શી નવાઈ!

ગંગામાં નૌકા, દક્ષિણેશ્વર
‘પરંતુ એક વાત જુઓ, સમુદ્રની નજીક હોય ત્યારે નદીમાં ભરતી-ઓટ થાય. સમુદ્ર ખૂબ દૂર હોય તો (નદી) એક સમાન પ્રવાહવાળી થઈ જાય! આનો અર્થ શો? આ ભાવનું (મનમાં) આરોપણ કરો. જેઓ ઈશ્વરની ખૂબ નજીક હોય તેમની અંદર જ ભક્તિ, ભાવ વગેરે બધું આવે. અને એકાદ બે જણમાં (ઈશ્વર-કોટિને) જ મહાભાવ, પ્રેમ વગેરે આવે.
(માસ્ટરને) – વારુ, ભરતી ઓટ કેમ કરીને થાય?
માસ્ટર – અંગ્રેજી ખગોળશાસ્ત્ર કહે છે કે સૂર્ય અને ચંદ્રના આકર્ષણથી એ પ્રમાણે થાય.
એમ કહીને માસ્ટર જમીન પર ધૂળમાં ચિત્ર દોરીને પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની ગતિ દેખાડવા લાગ્યા. થોડુંક જોતાં જ ઠાકુર બોલી ઊઠ્યા : ‘રાખો હવે, એનાથી મારું માથું ભમે છે!’
એ બધી વાતો કરતાં કરતાં ભરતી આવવા લાગી. જોતજોતામાં ગંગાનાં પાણી ઊલટાં વહેવાનો અવાજ થવા લાગ્યો. દેવ-મંદિરના કાંઠાઓને થપાટ મારતી મારતી ભરતી ઉત્તર તરફ ચાલી ગઈ.
ઠાકુર એક નજરે નિહાળી રહ્યા છે. દૂર રહેલી નૌકા જોઈને બાળકની પેઠે બોલી ઊઠ્યા, ‘જુઓ, જુઓ, પેલી નૌકાનું શું થાય છે, એ જુઓ!’
માસ્ટરની સાથે વાતો કરતા કરતા ઠાકુર પંચવટી નીચે આવી પહોંચ્યા છે. સાથે એક છત્રી હતી, તે પંચવટીના ચબૂતરા ઉપર રાખી દીધી. ઠાકુર નારા’ણ નામના એક છોકરાને સાક્ષાત્ નારાયણ સમાન જુએ છે, એટલે તેને ખૂબ ચાહે. નારા’ણ સ્કૂલમાં ભણે છે. હવે તેના વિશે જ વાત કરે છે.
(માસ્ટરને ઉપદેશ – રૂપિયાનો સદ્વ્યવહાર – નારા’ણ માટે ચિંતા)
શ્રીરામકૃષ્ણ – નારા’ણનો કેવો સ્વભાવ, જોયો છે ને? સૌની સાથે ભળી શકે, નાના મોટા સૌની સાથે, એ વિશેષ શક્તિ વિના ન થઈ શકે અને બધા એને ચાહે છે. વારુ, એ ખરેખરો સરળ છે કે?
માસ્ટર – જી, લાગે છે તો ખૂબ સરળ.
શ્રીરામકૃષ્ણ – તમારે ત્યાં એ આવે છે?
માસ્ટર – જી, એક બે વાર આવેલો.
શ્રીરામકૃષ્ણ – તમે તેને એક રૂપિયો દેશો? કે પછી કાલીને કહું?
માસ્ટર – જી, બહુ સારું. હું જ આપીશ.
શ્રીરામકૃષ્ણ – બહુ સારું. ઈશ્વરમાં જેમને પ્રેમ હોય, એવાઓને આપવું એ સારું. એથી પૈસાનો સદુપયોગ થાય. બધું જ સંસારમાં ખર્ચ્યે શું વળવાનું?
કિશોરીને છોકરાં-છૈયાં થઈ ગયાં છે. પગાર ઓછો, પૂરું થતું નથી. ઠાકુર માસ્ટરને કહે છે : નારા’ણ કહેતો હતો કે કિશોરીને એક નોકરી અપાવી દઈશ. તે તમે નારા’ણને એક વાર યાદ કરી દેજો ને!’
માસ્ટર પંચવટીમાં ઊભા છે. ઠાકુર થોડી વાર પછી ઝાઉતળા તરફ શૌચ જઈ આવ્યા. માસ્ટરને કહે છે કે ‘બહાર એક ચટાઈ પાથરવાનું કહો તો. હું જરાક વાર પછી આવું છું. જરાક સૂવું છે.’
ઠાકુર ઓરડામાં પહોંચીને કહે છે, ‘તમને કોઈનેય છત્રી લાવવાનું સાંભરે નહિ! (સૌનું હાસ્ય). સતત વ્યસ્ત-વાગીશ (માણસ) પાસેની વસ્તુનેય દેખી શકે નહિ! એક જણ બીજા એક માણસને ઘેર ચલમ પેટાવવા સારુ દીવાસળી માગવા ગયેલો! પરંતુ ફાનસ તેના હાથમાં બળે છે!
‘એક જણ પંચિયું શોધી શોધીને હેરાન થઈ ગયો. પછી જુએ છે તો પંચિયું ખાંધે જ પડ્યું છે!’
(ઠાકુરની મધ્યાહ્ન સેવા અને બાબુરામ આદિ અંતરંગ)
ઠાકુરને માટે કાલી માતાજીનો અન્ન-પ્રસાદ આવ્યો. ઠાકુર જમવા બેસવાના છે. સમય એક વાગ્યાનો. જમ્યા પછી જરા આરામ કરશે. છતાંય ભક્તો બધા ઓરડામાં જ બેઠેલા છે. તેમને સમજાવીને કહેવામાં આવતાં તેઓ બહાર જઈને બેઠા. હરીશ, નિરંજન, હરિપદ આજે મંદિરને રસોડે જમવાના છે. ઠાકુર હરીશને કહે છે કે તમારા બધા માટે કેરીના રસના પાપડ લેતો જજે.
ઠાકુર જરા આરામ કરી રહ્યા છે. બાબુરામને કહે છે કે, ‘બાબુરામ, જરા પાસે આવ ને!’
બાબુરામ બોલ્યો : ‘હું પાન બનાવું છું.’
શ્રીરામકૃષ્ણ કહે છે, ‘મૂકી દે પાન બનાવવાનું!’
ઠાકુર જરા આરામ કરી રહ્યા છે. આ બાજુ બકુલ-તળા અને પંચવટી નીચે કેટલાક ભક્તો બેઠા છે : મુખર્જી ભાઈઓ, ચુનીલાલ, હરિપદ, ભવનાથ, તારક. તારક શ્રીવૃંદાવનથી તરતમાં જ પાછા ફર્યા છે. ભક્તો તેમની પાસેથી વૃંદાવનની વાતો સાંભળી રહ્યા છે. તારક આટલા દિવસો સુધી નિત્યગોપાલની સાથે વૃંદાવનમાં રહ્યા હતા.






