કીર્તન પૂરું થયા પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ, વિજય, નરેન્દ્ર અને બીજા ભક્તો બેઠા. સૌની નજર ઠાકુર પર. સંધ્યા થવાને થોડીક વાર છે. ઠાકુર ભક્તો સાથે વાતો કરે છે. તેમને કુશળ-પ્રશ્ન કરે છે. કેદાર અતિ વિનીત ભાવે હાથ જોડીને અતિ મૃદુ અને મીઠા શબ્દોમાં ઠાકુરને કંઈક કહે છે. પાસે નરેન્દ્ર, ચુની, સુરેન્દ્ર, રામ, માસ્ટર અને હરીશ.
કેદાર (શ્રીરામકૃષ્ણને, નમ્રતાથી): માથું ભમતું કેમ કરીને મટી જાય?
શ્રીરામકૃષ્ણ (સસ્નેહ): આ તો થાય જ, મારેય થયું હતું. થોડું થોડું બદામનું તેલ લગાડો. સાંભળ્યું છે એ લગાડવાથી ઓછું થઈ જાય.
કેદાર: જી, હા.
શ્રીરામકૃષ્ણ (ચુનીને): કેમ ભાઈ, તમે બધાં કેમ છો?
ચુની: જી, હવે બધાં કુશળ-મંગલ છે. વૃંદાવનમાં બલરામ બાબુ, રાખાલ એ બધાય મજામાં છે.
શ્રીરામકૃષ્ણ: તમે આટલા બધા પેંડા શા સારુ મોકલ્યા?
ચુની: જી. વૃંદાવનથી આવ્યો છું, તે જરા -!
ચુનીલાલ બલરામની સાથે શ્રીવૃંદાવન ગયા હતા અને કેટલાક મહિના ત્યાં રહ્યા હતા. રજા પૂરી થઈ એટલે પછી હાલમાં જ કોલકાતા પાછા આવ્યા છે.
શ્રીરામકૃષ્ણ (હરીશને): તું એક બે દિવસ રહીને પછી જજે. એક તો ઠીક નથી. પાછો ત્યાં જઈને માંદો પડીશ.
શ્રીરામકૃષ્ણ (નારાયણને સ્નેહપૂર્વક): બેસ, નજીક બેસ. કાલે આવજે, આવીને ત્યાં જમજે. (માસ્ટરને બતાવીને) આમની સાથે આવજે. (માસ્ટરને): કેમ!
માસ્ટરની તે જ દિવસે ઠાકુરની સાથે જવાની ઇચ્છા, એટલે એ વિચાર કરે છે.
સુરેન્દ્ર ઘણા વખત સુધી ત્યાં હતા. વચ્ચે એક વાર ઘેર ગયા હતા. ઘેરથી આવીને ઠાકુરની પાસે ઊભા રહ્યા.
સુરેન્દ્ર દારૂ પીએ. પહેલાં તો બહુ જ પીતા. ઠાકુર સુરેન્દ્રની અવસ્થા જોઈને ચિંતાતુર થયા હતા. તેમણે તેને દારૂ તદ્દન છોડી દેવાનું કહ્યું નહિ; પણ કહ્યું કે ‘સુરેન્દ્ર, જુઓ, જેટલો પીઓ તે ભગવાનને ધરાવીને પીઓ અને એટલો પીઓ કે જેથી માથું ડોલે નહિ કે પગ લથડે નહિ. ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં પછી તમને દારૂ પીવાનું ગમશે નહિ. મા છે કારણાનંદદાયિની. માનાં દર્શન કરવાથી સહજાનંદ મળે.’
સુરેન્દ્ર પાસે ઊભેલા છે. ઠાકુર તેમની સામે દૃષ્ટિ કરીને બોલી ઊઠ્યા, ‘તમે કારણ (દારૂ) પીધો છે?’ બોલીને તરત ભાવમાં ભરપૂર.
સંધ્યા થઈ. કંઈક બાહ્ય સંજ્ઞા આવતાં ઠાકુરે માનું નામ લઈને આનંદે ગીત ઉપાડ્યું:
‘શિવસંગે સદા રંગે, આનંદે મગના..
સુધા પીને ઢળે ઢળે, પણ ઢળી પડે ન (મા);
વિપરીત રતાતુરા, પદભરે કંપે ધરા;
બંને બન્યા છે પાગલાથી પર, લજ્જાભય માને ના
સંધ્યા થઈ ગઈ છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ હરિ-નામ-સ્મરણ કરે છે. વચ્ચે વચ્ચે હાથથી તાલી દેતા જાય છે. મધુર સ્વરે ગાય છે: ‘હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિમય હરિ બોલ; હરિ હરિ હરિ બોલ.
વળી રામનામ લે છે: ‘રામ, રામ, રામ, રામ! રામ, રામ, રામ, રામ, રામ.’
(ઠાકુરની પ્રાર્થના – How to Pray)
હવે ઠાકુર પ્રાર્થના કરે છે: ‘હે રામ! હે રામ! હું ભજનહીન, સાધનહીન, જ્ઞાનહીન, ભક્તિહીન, હું ક્રિયાકાંડહીન. રામ, હું શરણાગત; હે રામ, હું શરણાગત! દેહસુખ જોઈએ નહિ, રામ! કીર્તિ જોઈએ નહિ, રામ! અષ્ટસિદ્ધિ જોઈએ નહિ, રામ! શત સિદ્ધિ જોઈએ નહિ, રામ! શરણાગત, શરણાગત! માત્ર એવું કરો કે આપનાં શ્રીચરણકમળમાં શુદ્ધ ભક્તિ આવે, રામ! અને તમારી ભુવનમોહિની માયામાં મુગ્ધ થાઉં નહિ, રામ! હે રામ, હું શરણાગત!’
ઠાકુર પ્રાર્થના કરી રહ્યા છે. સર્વે એક નજરે તેમની સામે જોઈ રહ્યા છે.
તેમનો કરુણાપૂર્ણ સ્વર સાંભળીને ભક્તોમાંથી ઘણાય આંસુ ખાળી શકતા નથી.
રામ પાસે આવીને ઊભા રહ્યા છે.
શ્રીરામકૃષ્ણ (રામને): રામ, તમે ક્યાં હતા?
રામ: જી, ઉપર હતો.
ઠાકુર અને ભક્તોની સેવા સારુ રામ ઉપર તૈયારી કરી રહ્યા હતા.
શ્રીરામકૃષ્ણ (રામને હસીને): ઉપર રહેવા કરતાં શું નીચે રહેવું સારું નહિ? નીચી જમીનમાં પાણી ભેગું થાય, ઊંચી જમીન પરથી પાણી ઢળીને વહી જાય.
રામ (હસતાં હસતાં): જી, હા.
અગાસી ઉપર પાતળો નખાઈ. રામચંદ્ર ઠાકુર અને ભક્તોને ઉપર લઈ ગયા, અને ખૂબ આગ્રહ કરીને જમાડ્યા. ઉત્સવ પૂરો થયા પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ નિરંજન, માસ્ટર, વગેરે સાથે અધરને ત્યાં જવા નીકળ્યા. ત્યાં મા (દુર્ગા) પધાર્યાં છે. આજે મહાઅષ્ટમી. અધરની ખાસ વિનંતી કે ઠાકુર હાજર રહે. તો જ અધરની પૂજા સાર્થક થાય.






