શ્રીરામકૃષ્ણ (ગિરીશને): તીવ્ર વૈરાગ્ય આવે તો ઈશ્વરને પામી શકાય. ઈશ્વર સારુ પ્રાણ આકુળવ્યાકુળ થવા જોઈએ. એક શિષ્યે ગુરુને પૂછ્યું કે ભગવાનને કેમ કરીને પ્રાપ્ત કરાય? ગુરુ બોલ્યા કે ‘ચાલ મારી સાથે.’ એમ કહીને એક તળાવમાં લઈ જઈને તેને પકડીને પાણીમાં ડુબાડી રાખ્યો. થોડી વાર થઈ પછી તેને પાણીમાંથી બહાર નીકળવા દીધો. પછી પૂછ્યું કે ‘પાણીમાં તને કેમ લાગતું હતું?’ શિષ્ય બોલ્યો કે પ્રાણ એવો આકુળવ્યાકુળ થતો હતો કે જાણે હમણાં જીવ નીકળી જશે? એટલે ગુરુએ કહ્યું: ‘જો, ભગવાનને માટે તારા પ્રાણ એ પ્રમાણે આકુળવ્યાકુળ થશે ત્યારે જ ભગવાનની પ્રાપ્તિ થશે.’

એટલા માટે કહું છું કે ત્રણ ખેંચાણ એક સાથે ભેગાં મળવાથી જેટલું પ્રબળ ખેંચાણ થાય, તેટલું જો ઈશ્વર માટે થાય તો આ ઘડીએ ઈશ્વરની પ્રાપ્તિ કરી શકાય. વિષયીનું વિષય પ્રત્યે, સતી સ્ત્રીનું પતિ પ્રત્યે, અને માનું સંતાન પ્રત્યે, આ ત્રણ ખેંચાણ ભેગાં થઈને જેટલું થાય તેટલું જો કોઈને ઈશ્વર પ્રત્યે થઈ શકે તો તત્ક્ષણ ઈશ્વર-સાક્ષાત્કાર થાય.

‘બોલાવ રે મન પૂરા પ્રયાસે, કેમ કરી શ્યામા રહી શકે?’… 

એમ વ્યાકુળ થઈને બોલાવી શકાય તો ઈશ્વરને દર્શન દેવાં જ પડે.

(જ્ઞાનયોગ અને ભક્તિયોગનો સમન્વય – કલિકાલમાં નારદીયભક્તિ)

શ્રીરામકૃષ્ણ: તે દિવસે તમને જેમ કહ્યું તેમ, કે ભક્તિનો અર્થ શું? ભક્તિ એટલે કાયા, મન, વાણીથી ઈશ્વરનું ભજન. કાયા એટલે કે હાથથી ઈશ્વરની પૂજા અને સેવા કરવી, પગથી ઈશ્વરને સ્થાને જવું, કાને ઈશ્વરની કથાઓ સાંભળવી, નામ-ગુણ-કીર્તન સાંભળવું; આંખે તેનાં સ્વરૂપનાં દર્શન કરવાં; મનથી હંમેશાં ઈશ્વરનું ધ્યાન-ચિંતન કરવું, ઈશ્વરની લીલાનું સ્મરણ કરવું. વાણીથી ઈશ્વરનાં સ્તવ-સ્તુતિ કરવાં, તેનાં નામ-ગુણ-કીર્તન કરવાં – આ બધું કરવાનું.

કલિયુગમાં નારદીય ભક્તિ; હંમેશાં ઈશ્વરનાં નામ-ગુણ-કીર્તન કરવાં. જેમને વધુ સમય મળતો ન હોય તેઓ પણ સાંજે ને સવારે હાથથી તાલી વગાડીને એક ચિત્તે ‘હરિ બોલ, હરિ બોલ’ કહીને ઈશ્વરનું ભજન કરે. ભક્તિના અહંથી અહંકાર થાય નહિ, અજ્ઞાન આવે નહિ; ઊલટું એ ઈશ્વર-પ્રાપ્તિ કરાવી દે. એ અહં અહંકારમાં ન ગણાય. જેમ કે કડવા વેલાની ભાજી, (બંગાળીમાં હિંચે શાક) એ શાકમાં ન ગણાય. બીજાં શાકથી પેટ બગડે, પણ આ ભાજી ખાધે પિત્ત દૂર થાય, ઊલટો ફાયદો થાય. તેમ ગાંગડા સાકર મીઠાઈમાં ગણાય નહિ. બીજી મીઠાઈ ખાધે પેટ બગડે, પણ સાકરનું પાણી પીધે પેટમાંની ખટાશ દૂર થાય.

પ્રથમ નિષ્ઠા; નિષ્ઠા પછી ભક્તિ; ભક્તિ પાકે ત્યારે ભાવ; ભાવ ઘનીભૂત થાય ત્યારે મહાભાવ; સૌથી છેવટે પ્રેમ.

પ્રેમ જાણે કે દોરડી જેવો. પ્રેમ આવે તો ઈશ્વર ભક્તની નિકટ બંધાઈ જાય, પછી નાસી જઈ શકે નહિ. સામાન્ય જીવને ભાવ સુધી થાય. ઈશ્વર-કોટિનો ન હોય તો તેને મહાભાવ, પ્રેમ થાય નહિ. ચૈતન્યદેવને એ થયો હતો.

જ્ઞાન-યોગ એટલે શું? જે માર્ગ દ્વારા પોતાના આ સ્વરૂપને જાણી શકાય. બ્રહ્મ જ મારું સ્વરૂપ, એ જ્ઞાન.

પ્રહ્લાદ ક્યારેક પોતાના આ સ્વરૂપમાં રહેતા, ક્યારેક વળી જોતા કે હું જુદો, પ્રભુ જુદા; ત્યારે ભક્તિ-ભાવમાં રહેતા.

હનુમાન બોલ્યા હતા કે ‘રામ, ક્યારેક જોઉં છું તો તમે પૂર્ણ, હું અંશ; ક્યારેક જોઉં છું તો તમે પ્રભુ, હું દાસ; ને રામ, જ્યારે તત્ત્વજ્ઞાન થાય ત્યારે જોઉં છું તો તમે તે હું, હું તે જ તમે!

ગિરીશ: આહા!

(સંસારમાં ઈશ્વરપ્રાપ્તિ થાય?)

શ્રીરામકૃષ્ણ: સંસારમાં ઈશ્વર-પ્રાપ્તિ શા માટે ન થાય? પણ વિવેક-વૈરાગ્ય જોઈએ. ઈશ્વર જ નિત્ય અને બાકી બધું અનિત્ય, બે દિવસ માટે; આ જ્ઞાનબોધ પાકો હોવો જોઈએ, ઉપર ઉપર તર્યે ન ચાલે. ડૂબકી મારીને ઊંડા ઊતરવું જોઈએ.

એમ કહીને ઠાકુર ગીત ગાય છે:

‘ડૂબ ડૂબ ડૂબ રૂપ-સાગરમાં મારા મન

તલાતલ પાતાલ શોધ્યે પામીશ રે પ્રેમરત્ન ધન…

અને બીજી એક વાત. કામ, ક્રોધ વગેરે મગરમચ્છનો ભય છે.

ગિરીશ: પણ યમની બીક મને નથી.

શ્રીરામકૃષ્ણ: ના, કામ-ક્રોધ વગેરે મગરની બીક છે. એટલે હળદર ચોપડીને ડૂબકી મારવી જોઈએ: વિવેક, વૈરાગ્યરૂપી હળદર. 

સંસારમાંય કોઈ કોઈને જ્ઞાન થાય. એટલે બે પ્રકારના યોગીની વાત છે: ગુપ્ત યોગી અને વ્યક્ત યોગી. જેમણે સંસારત્યાગ કર્યાે છે તેઓ વ્યક્ત યોગી. તેમને સહુ ઓળખે. ગુપ્ત યોગી જાહેરમાં ન આવે. જેમ કે દાસી શેઠના ઘરનું બધુંય કામકાજ કરે, પણ મન ગામડામાં પોતાનાં છોકરાંછૈયાંમાં પડ્યું હોય; અને જેમ તમને કહ્યું હતું તેમ, વંઠેલ સ્ત્રી ઘરસંસારનું બધુંય કામકાજ ઉત્સાહપૂર્વક કરે, પરંતુ મન સદા પરપુરુષમાં પડ્યું રહે. 

વિવેક-વૈરાગ્ય આવવાં બહુ જ કઠણ. ‘હું માલિક અને આ બધી વસ્તુ મારી’ એ ભાવના સહેજે જાય નહિ. એક ડેપ્યુટી મેજિસ્ટ્રેટને જોયો. આઠસો રૂપિયાનો માસિક પગાર; પણ ઈશ્વર વિશે વાતો થતી હતી તેના તરફ મન જરાકે દીધું નહિ. એક છોકરું સાથે લઈ આવ્યો હતો; તેને એક વાર અહીં બેસાડે, તો એક વાર ત્યાં બેસાડે. બીજા એક જણને હું ઓળખું છું – તેનું નામ નહિ દઉં – એ જપ કરતો ખૂબ, પરંતુ દશ હજાર રૂપિયા માટે જૂઠી સાક્ષી આપી. એટલે કહું છું કે વિવેક-વૈરાગ્ય હોય તો સંસારમાંય ઈશ્વર-પ્રાપ્તિ થાય.

(પાપી-તાપી અને ઠાકુર શ્રીરામકૃષ્ણ)

ગિરીશ: આ પાપીનું શું થશે?

ઠાકુરે ઊંચી દૃષ્ટિ કરીને કરુણ સ્વરે ગીત ઉપાડ્યું:

‘ચિન્તો શ્રીકાન્ત નરકાન્તકારી રે, નિતાન્ત કૃતાન્ત-ભયાન્ત હરિ –

સ્મર્યે સંસારની ચિંતા જાય રે, તરે તરંગે ભ્રૂ-ભંગે ત્રિભંગને જે સ્મરે –

આવ્યો શા હેતુએ આ મર્ત્યે, કુચિત્ત કુવૃત્ત કર્યે શું થાય રે –

ઉચિત તો નહિ દાશરથીને ડુબાવીશ રે, 

કરો હે ચિત્ત, પ્રાયશ્ચિત્ત એ નિત્ય-પદ સ્મરી –

(ગિરીશને) ‘તરે તરંગે ભ્રૂ-ભંગે ત્રિભંગને જે સ્મરે.’

(આદ્યશક્તિ મહામાયાની પૂજા અને ઈશ્વરને મુખત્યારનામું)

‘મહામાયા રસ્તો ખુલ્લો કરે તો ઈશ્વરનાં દર્શન થાય. મહામાયાની દયા જોઈએ. એટલા માટે શક્તિની ઉપાસના. જુઓ ને, ભગવાન પાસે છે તોય તેમને જાણી શકતા નથી; વચ્ચે મહામાયા છે એટલે. રામ, સીતા, લક્ષ્મણ જઈ રહ્યાં છે. આગળ રામ, વચ્ચે સીતા અને છેલ્લે લક્ષ્મણ. રામ માત્ર અઢી હાથ જ દૂર છે, છતાં લક્ષ્મણ તેમને જોઈ શકતા નથી.

‘ઈશ્વરની ઉપાસના કરવા જતાં ગમે તે એક ભાવનો આધાર લેવો જોઈએ. મેં ત્રણ ભાવનો આધાર લઈને સાધના કરી હતી: સંતાન-ભાવ, દાસી-ભાવ અને સખી-ભાવ. દાસી-ભાવમાં, સખી-ભાવમાં ઘણાય દિવસ સુધી હતો. ત્યારે સ્ત્રીઓની પેઠે કપડાં, ઘરેણાં, સાડી વગેરે પહેરતો. સંતાન-ભાવ બહુ જ સારો. 

વીરભાવ સારો નહિ. વૈરાગી-વૈરાગણ અને ભૈરવ-ભૈરવીનો વીરભાવ; એટલે કે પ્રકૃતિને સ્ત્રીરૂપે જોવી અને તેને રમણ દ્વારા પ્રસન્ન કરવી. એ ભાવમાં મોટે ભાગે પતન જ થાય.

ગિરીશ: મારામાં એક વખતે એ ભાવ આવ્યો હતો.

ઠાકુર શ્રીરામકૃષ્ણ જરા ચિંતાતુર થઈને ગિરીશને જોવા લાગ્યા.

ગિરીશ: આ એટલી અડચણ છે; હવે ઉપાય શો એ કહો!

શ્રીરામકૃષ્ણ (થોડી વાર વિચારીને): ઈશ્વરને મુખત્યારનામું આપી દો; તેની ઇચ્છા હોય તેમ કરે.

Total Views: 450
ખંડ 37: અધ્યાય 2 : ભક્તો સાથે ઈશ્વરકથાપ્રસંગે
ખંડ 37: અધ્યાય 4 : સત્ત્વગુણ આવ્યે ઈશ્વર-પ્રાપ્તિ - સચ્ચિદાનંદ કે કારણાનંદ