ઠાકુર ભક્તો સાથે આનંદથી વાતચીત કરી રહ્યા છે. ચૈત્ર માસ. ખૂબ ગરમી છે. એટલે દેવેન્દ્રે કુલ્ફી-મલાઈ (આઈસ્ક્રીમ) તૈયાર કરાવી છે. ઠાકુર અને ભક્તોને ખવડાવે છે. ભક્તો પણ કુલ્ફી ખાઈને આનંદ માણે છે. મણિ આસ્તે આસ્તે કહે છે : ‘Encore! Encore!’ (‘હજી આપો, હજી આપો’) અને સહુ હસે છે. કુલ્ફી જોઈને ઠાકુરને બરાબર બાળક જેવો જ આનંદ થયો છે.
શ્રીરામકૃષ્ણ – સરસ કીર્તન થયું. ગોપીઓની અવસ્થા સારી વર્ણવી : ‘રે માધવી, મારો માધવ દે!’
ગોપીઓની પ્રેમોન્માદની અવસ્થા. શી નવાઈ! કૃષ્ણ સારુ ગાંડી!
એક ભક્ત બીજા એક જણને દેખાડીને કહે છે કે આમનો સખીભાવ, ગોપીભાવ.
રામ કહે છે કે એમની અંદર બંને છે : મધુર-ભાવ અને જ્ઞાનનો કઠોર ભાવ પણ.
શ્રીરામકૃષ્ણ – કેમ શું ભાઈ?
ઠાકુર હવે સુરેન્દ્રની વાત કરે છે.
રામ – મેં ખબર મોકલ્યા હતા, પણ ક્યાં આવ્યા?
શ્રીરામકૃષ્ણ – કાજકર્મથી આવ્યા પછી આવી શકે નહિ.
એક ભક્ત – રામ બાબુ આપને વિશે લખે છે.
શ્રીરામકૃષ્ણ (હસીને) – શું લખ્યું છે?
ભક્ત – ‘પરમહંસદેવની ઉક્તિ’ એ નામનો એક નિબંધ લખે છે.
શ્રીરામકૃષ્ણ – ત્યારે પછી શું? રામનું ખૂબ નામ ફેલાશે.
ગિરીશ (હસતાં હસતાં) – એ પોતાને આપનો ચેલો કહેવડાવે છે.
શ્રીરામકૃષ્ણ – મારો કોઈ ચેલો બેલો નથી. હું રામનો દાસાનુદાસ.
પાડોશના માણસો કોઈ કોઈ આવ્યા હતા. પરંતુ તેમને જોઈને ઠાકુરને આનંદ થયો નહિ. ઠાકુર એક વાર બોલ્યા : ‘આ તે કેવો પાડોશ! અહીં તો (ઈશ્વર-ભક્ત) કોઈ દેખાતું નથી!’
હવે દેવેન્દ્ર ઠાકુરને ઘરની અંદરના ભાગમાં લઈ જાય છે. ત્યાં ઠાકુરને અલ્પાહાર કરાવવાની વ્યવસ્થા થઈ છે. ઠાકુર અંદર ગયા. થોડી વારે ઠાકુર હસતે મુખે અંદરથી બહાર આવ્યા અને ફરી દીવાનખાનામાં બેઠા. પાસે ભક્તો બેઠા છે. ઉપેન્દ્ર (શ્રીઉપેન્દ્રનાથ મુખોપાધ્યાય, ઠાકુરના ભક્ત અને વસુમતી પ્રેસના સત્તાધિકારી) અને અક્ષય (શ્રીઅક્ષયકુમાર સેન, ઠાકુરના ભક્ત અને કવિ, તેઓ ‘શ્રીશ્રીરામકૃષ્ણ પુંથિ’ લખીને ચિરસ્મરણીય બની ગયા છે. બાંકુડા જિલ્લાનું મયનાપુર ગામ એમની જન્મભૂમિ.) ઠાકુરની બે બાજુએ બેસીને ચરણસેવા કરે છે. ઠાકુર દેવેન્દ્રના ઘરનાં બૈરાંઓની વાત કરે છે : ‘ઘરનાં બૈરાં સારાં, ગામડાનાં ખરાં ને? ખૂબ ભક્તિ!’

શ્રી અક્ષયકુમાર સેન
ઠાકુર આત્મારામ! પોતાના આનંદમાં ગીત ગાય છે. કયા ભાવમાં ગીત ગાય છે? શું પોતાની અવસ્થાનું સ્મરણ કરીને તેમને ભાવોલ્લાસ થયો? એટલે શું આ ગીતો ગાય છે?
ગીત : સહજ માણસ હોય નહિ તો સહજને શકે નવ જાણી…
ગીત : ‘દરવેશ ઊભો રહે, શોખનું કમંડલ ધારી, ઊભો રહે, તારું રૂપ નિહાળું…’
ગીત : આવ્યો છે એક ભાવિક ફકીર, (અરે! એ) હિંદુનો દેવતા, મુસલમાનનો પીર.
ગિરીશે ઠાકુરને પ્રણામ કરીને રજા લીધી. ઠાકુરે પણ ગિરીશને સામા નમસ્કાર કર્યા.
દેવેન્દ્ર વગેરે ભક્તોએ ઠાકુરને ગાડીમાં બેસાડ્યા.
દેવેન્દ્ર દીવાનખાનાની દક્ષિણ બાજુના ફળિયામાં આવીને જુએ છે તો પાટ ઉપર તેના પાડોશનો એક માણસ હજીયે ઊંઘી રહ્યો છે. દેવેન્દ્ર કહે છે ‘એલા, ઊઠ ઊઠ!’ પેલો માણસ આંખો ચોળતો ચોળતો ઊઠીને કહે છે, ‘પરમહંસદેવ શું આવ્યા છે?’ સહુ કોઈ ખડખડાટ હસી પડ્યા. એ માણસ બિચારો ઠાકુરની પહેલાં આવ્યો હતો ઠાકુરને જોવા માટે. ગરમી હોવાથી ફળિયામાં પડેલી પાટ પર ચટાઈ પાથરીને ઊંઘી ગયેલો!
ઠાકુર હવે દક્ષિણેશ્વર જવા રવાના થાય છે. ગાડીમાં માસ્ટરને આનંદથી કહે કે ‘ખૂબ કુલ્ફી ખાધી છે? તમે (મારે માટે) લેતા આવજો ચાર પાંચ.’ ઠાકુર વળી પાછા કહે છે, ‘અટાણે આવા છોકરા ઉપર મારું મન ખેંચાય છે, છોટો નરેન, પૂર્ણ અને તમારો સંબંધી-’
માસ્ટર – દ્વિજ?
શ્રીરામકૃષ્ણ – ના, દ્વિજ તો છે. તેનાથી મોટાની ઉપર મન જાય છે.
માસ્ટર – ઓ!
ઠાકુર આનંદથી ગાડીમાં દક્ષિણેશ્વર તરફ જઈ રહ્યા છે.




