શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર કાલીમંદિરમાં પેલા પૂર્વપરિચિત ઓરડામાં આરામ કરી રહ્યા છે.

આજ શનિવાર, તારીખ ૧૩મી જૂન, ૧૮૮૫; જેઠ સુદ એકમ. સમય ત્રણ વાગ્યાનો. ઠાકુર જમીને નાની પાટ ઉપર જરા આરામ લે છે.

પંડિતજી જમીન પર પાથરેલી ચટાઈ પર બેઠા છે. એક શોકથી દુ:ખી બ્રાહ્મણી ઓરડાની ઉત્તર તરફના દરવાજાની પાસે ઊભી છે. કિશોરી પણ હાજર છે. માસ્ટરે આવીને પ્રણામ કર્યા, સાથે દ્વિજ વગેરે છે. અખિલ બાબુના પાડોશી પણ બેઠા છે. તેમની સાથે એક આસામી છોકરો.

ઠાકુર શ્રીરામકૃષ્ણ જરા અસ્વસ્થ છે. ગળામાં ગાંઠ થઈ છે ને શરદીની અસર છે. ઠાકુરના ગળામાં દર્દની આ પ્રથમ શરૂઆત.

બહુ જ ગરમી પડવાથી માસ્ટરનું શરીર પણ અસ્વસ્થ છે. ઠાકુરનાં દર્શન કરવા દક્ષિણેશ્વર વારંવાર આવી શકતા નથી.

શ્રીરામકૃષ્ણ – ઓહો! તમે આવ્યા છો કે? આ બહુ મજાનું બીલું, તમને કેમ છે?

માસ્ટર – જી, પહેલાં કરતાં જરા સારું છે.

શ્રીરામકૃષ્ણ – બહુ ગરમી પડી છે. જરા જરા બરફ ખાતા રહેજો. મને પણ ભાઈ, બહુ ગરમીને લીધે કષ્ટ પડે છે, ગરમીમાં કુલ્ફી, બરફ ને એ બધું વધુ પડતું ખાવામાં આવ્યું હતું, એટલે ગળામાં ગાંઠ થઈ છે! બળખામાં એવી દુર્ગંધ, કે જેનું નામ મૂકો!

‘માને કહ્યું, કે ‘મા! મટાડી દો; હવેથી હું કુલ્ફી નહીં ખાઉં.

પછી વળી કહ્યું છે કે બરફ પણ નહીં ખાઉં.’

(શ્રીરામકૃષ્ણ અને સત્યકથા – એમની જ્ઞાની અને ભક્તની અવસ્થા)

‘માને જ્યારે કહ્યું છે કે ખાઈશ નહિ, ત્યારે હવે ખવાશે નહિ. પણ કોઈક વાર ભૂલ થઈ જાય…

પરંતુ જાણી જોઈને કરી શકાય નહિ. તે દિવસે જાજરૂ જવાનો લોટો લઈને એક જણને ઝાઉતલા બાજુએ આવવાનું કહ્યું હતું. પણ એ માણસ શૌચ ગયો હતો; એટલે બીજો એક જણ લઈને આવ્યો. હું શૌચ જઈ આવીને જોઉં છું તો બીજો એક માણસ લોટો લઈને ઊભો છે. એના હાથમાંથી લોટાનું પાણી લઈ શક્યો નહિ. શું કરું? ઊભો રહ્યો, જ્યાં સુધી પહેલા માણસે આવીને પાણી ન આપ્યું ત્યાં સુધી.

માનાં ચરણકમલમાં ફૂલ અર્પણ કરીને જ્યારે બધું ત્યાગ કરવા લાગ્યો ત્યારે બોલવા લાગ્યો કે ‘મા! આ લો તમારી શુચિ, આ લો તમારી અશુચિ; આ લો તમારો ધર્મ, આ લો તમારો અધર્મ; આ લો તમારું પાપ, આ લો તમારું પુણ્ય; આ લો તમારું સારું, આ લો તમારું નરસું; મને શુદ્ધ ભક્તિ આપો. પરંતુ આ લો તમારું સત્ય, આ લો તમારું અસત્ય એ બોલી શક્યો નહિ.’

એક ભક્ત બરફ લાવ્યો છે. ઠાકુર વારંવાર માસ્ટરને પૂછે છે, ‘હેં ભાઈ, ખાઉં કે?’

માસ્ટર નમ્રતાથી કહે છે કે ‘જી, ત્યારે માને પૂછ્યા વિના ન ખાતા.’

છેવટે બરફ ઠાકુરે ન ખાધો.

શ્રીરામકૃષ્ણ – પવિત્ર અપવિત્ર એ બધું ભક્તોને માટે; જ્ઞાનીને માટે નહિ. વિજયની સાસુ કહે કે ‘મને શું થયું છે? હજીયે સૌ કોઈના ઘરનું તો ખાઈ શકતી નથી.’ મેં કહ્યું કે બધાયનું ખાધે જ શું જ્ઞાન થઈ જાય? કૂતરું સૌનું ખાય, એટલે શું કૂતરું જ્ઞાની?

(માસ્ટરને) હું પાંચ જાતની વાનીઓવાળું ભોજન લઉં છું શા માટે, કહું? જો એકધોયો થાઉં, તો આ બધા ભક્તોને છોડી દેવા પડે.

‘કેશવ સેનને કહ્યું હતું કે હવે એનાથીયે આગળની વાત કહીશ તો તમારો સમાજ બમાજ રહેશે નહિ! જ્ઞાનીની અવસ્થામાં સમાજ બમાજ બધું મિથ્યા, સ્વપ્નવત્..

‘પંખીનો માળો જો બળી જાય તો એ ઊડ્યા કરે આકાશનો આધાર લઈને. તેમ દેહ, જગત એ બધું જો ખરેખર મિથ્યા છે એવો અનુભવ થાય તો આત્મા સમાધિસ્થ થાય.

‘પહેલાં મારી એવી જ્ઞાનીની અવસ્થા હતી. ત્યારે માણસો ગમતાં નહિ. હાટખોલામાં કોઈ એક જ્ઞાની છે કે કોઈ એક ભક્ત છે એવું સાંભળ્યું. પણ વળી થોડા દિવસ પછી પાછું સાંભળ્યું કે એય મરી ગયો! એટલે પછી માણસો ગમતાં નહિ. ત્યાર પછી માએ મનને (એ ઊંચી ભૂમિકામાંથી) નીચે ઉતાર્યું. ભક્તિ-ભક્તમાં રાખી દીધું.’

માસ્ટર આશ્ચર્યચકિત થઈને ઠાકુરની અવસ્થા-પરિવર્તનની વાત સાંભળી રહ્યા છે. હવે ઈશ્વર મનુષ્ય શરીર લઈને શા માટે અવતાર લે, એ ઠાકુર કહે છે.

(અવતાર કે નરલીલાનો ગૂઢ અર્થ – દ્વિજ અને પૂર્વસંસ્કાર)

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – મનુષ્ય-લીલા શા માટે, ખબર છે? એની દ્વારા ઈશ્વરની વાત સાંભળી શકાય. એની અંદર ઈશ્વરનો વિલાસ. એની અંદર ઈશ્વર રસાસ્વાદન કરે. અને ભક્તોની અંદર ઈશ્વરનો જ જરા જરા પ્રકાશ! જેમ કે કોઈ વસ્તુને ચૂસતાં ચૂસતાં જરા જરા રસ આવે, ફૂલ ચૂસતાં ચૂસતાં જરા મધુ મળે. (માસ્ટરને) તમે આ સમજો છો?

માસ્ટર – જી હા, બરાબર સમજું છું.

ઠાકુર દ્વિજની સાથે વાતો કરે છે. દ્વિજની ઉંમર ૧૫-૧૬. તેના પિતાએ બીજી વાર લગ્ન કર્યાં છે. દ્વિજ ઘણે ભાગે માસ્ટરની સાથે આવે. ઠાકુર તેના ઉપર સ્નેહ રાખે. દ્વિજે કહ્યું હતું કે તેના બાપુજી તેને દક્ષિણેશ્વર આવવા દેતા નથી.

શ્રીરામકૃષ્ણ (દ્વિજને) – તારા ભાઈઓ સુધ્ધાં મારી અવગણના કરે છે?

દ્વિજ ચૂપ રહ્યો છે.

માસ્ટર – સંસારની બે ચાર વધારે ઠોકરો લાગશે એટલે તેમની આપના પ્રત્યે જે જરાતરા અવગણના છે તે નીકળી જશે.

શ્રીરામકૃષ્ણ – સાવકી મા છે, ઘા (blow) તો ખાય છે!

બધા જરા ચૂપ બેઠા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – આનો (દ્વિજનો) પૂર્ણની સાથે મેળાપ કરાવી દેજો.

માસ્ટર – જી ભલે. (દ્વિજને) તું પેનેટી (પાણિહાટિ) આવજે.

શ્રીરામકૃષ્ણ – હા. એટલે સહુને કહું છું કે આને મોકલી દેજો, પેલાને મોકલી દેજો. (માસ્ટરને) તમે આવવાના નથી?

ઠાકુર પાણિહાટિના મહોત્સવમાં જવાના છે. એટલે ભક્તોને ત્યાં જવાની વાત કરે છે.

માસ્ટર – જી, ઇચ્છા તો છે.

શ્રીરામકૃષ્ણ – મોટું વહાણ ભાડે કરશે. હાલક-ડોલક નહિ થાય. ગિરીશ ઘોષ આવશે નહિ?

(હા ના – Everlasting Yes – Everlasting Nay)

ઠાકુર દ્વિજને એક નજરે જોઈ રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ – વારુ, આટલા છોકરા છે, તેમાં આ જ આવે છે કેમ? કહો તમે. જરૂર પૂર્વનું કંઈક હતું.

માસ્ટર – જી, હા.

શ્રીરામકૃષ્ણ – સંસ્કાર! પૂર્વ-જન્મમાં સાધના કરેલી છે. સરળ થાય છેલ્લા જન્મમાં, જરાક પાગલપણાનો ભાવ રહે.

તોય વાત એમ છે કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થાય. તેની ‘હા’ થી જગતનું બધું થાય છે, તેની ‘ના’થી બધું થતું અટકી જાય છે. માણસે આશીર્વાદ દેવો નહિ એમ કહ્યું છે એ શા માટે?

માણસની ઇચ્છાથી કંઈ થતું નથી માટે. ઈશ્વરની ઇચ્છાથી જ થાય છે અને જાય છે!

‘તે દિવસે કેપ્ટનને ત્યાં ગયો હતો. તે રસ્તામાં કેટલાક યુવકોને ચાલ્યા જતા જોયા. પણ એ બધા જુદી જ પ્રકૃતિના. એક જુવાનને જોયો, તેની ઓગણીસ વીસ વરસની ઉંમર; માથામાં આડો સેંથો પાડેલો, સિસોટી વગાડતો વગાડતો જઈ રહ્યો છે. કોઈ વળી જઈ રહ્યા છે બોલતાં બોલતાં, ‘નગેન્દ્ર! ક્ષીરોદ!’

કોઈ કોઈને જોઉં તો ઘોર તમોગુણી. એક જરાક વાંસળી વગાડે તેમાંય અહંકાર થયો છે! (દ્વિજને) જેને જ્ઞાન થયું છે તેને નિંદાની બીક શી? તેનામાં તો કૂટસ્થ બુદ્ધિ; જાણે કે લુહારની એરણ. એની ઉપર કેટલાક હથોડાના ઘા પડે, તોય કંઈ ન થાય.

શ્રીરામકૃષ્ણ – મેં (અમુકના) બાપને જોયો, રસ્તે જતાં.

માસ્ટર – માણસ બહુ સરલ.

શ્રીરામકૃષ્ણ – પણ આંખો લાલ.

(કેપ્ટનનું ચરિત્ર અને શ્રીરામકૃષ્ણ – પુરુષપ્રકૃતિયોગ)

ઠાકુર કેપ્ટનને ઘેર ગયા હતા એ વાત કરે છે. જે બધા છોકરાઓ ઠાકુરની પાસે આવે તેમની કેપ્ટને નિંદા કરી હતી. એમ લાગે છે કે હાજરા મહાશયની પાસેથી તેમની નિંદા સાંભળી હશે.

શ્રીરામકૃષ્ણ – કેપ્ટનની સાથે વાત થઈ હતી. મેં કહ્યું કે પુરુષ અને પ્રકૃતિ સિવાય બીજું કંઈ નથી. નારદ બોલ્યા હતા કે ‘હે રામ! જેટલા પુરુષો જુઓ છો એ બધા તમારા અંશ, અને જેટલી સ્ત્રીઓ દેખાય છે એ બધી સીતાના અંશ.’

‘એ સાંભળીને કેપ્ટન બહુ જ ખુશી. કહે કે આપને જ યથાર્થ જ્ઞાન થયું છે કે બધા પુરુષો રામના અંશ હોવાને અંગે રામનાં સ્વરૂપ, અને બધી સ્ત્રીઓ સીતાના અંશરૂપે સીતાનાં સ્વરૂપ!

કેપ્ટન એ શબ્દો બોલ્યા ને થોડીક વારમાં જ પાછી છોકરાઓની નિંદા શરૂ કરી દીધી. કહે કે તેઓ અંગ્રેજી ભણે, ને જે તે ખાય. એ બધા તમારી પાસે હંમેશાં આવે એ ઠીક નહિ. એથી તમને નુકસાન થઈ શકે. હાજરા એક ખૂબ (મહાન) માણસ. છોકરાઓને તમારી પાસે એટલા આવવા ન દો!

મેં પહેલાં તો કહ્યું કે ‘આવે તેમાં હું શું કરું?’

‘ત્યાર પછી તો એવું કહ્યું કે તેનો જીવ લઈ નાખ્યો! તેની દીકરી હસવા લાગી. મેં કહ્યું કે જે માણસમાં વિષયવાસના હોય તેનાથી ઈશ્વર ઘણો જ દૂર. જેનામાં વિષયવાસના ન હોય, ઈશ્વર તે વ્યક્તિની મુઠ્ઠીમાં, અતિ નિકટ.

કેપ્ટન રાખાલની વાત નીકળતાં કહે કે એ બધાયના ઘરનું ખાય! એમ લાગે છે કે હાજરાની પાસેથી સાંભળ્યું હશે. એટલે મેં કહ્યું કે માણસ હજાર જપ ભલે ને કરે, પણ જો મનમાં વિષયવાસના હોય તો કંઈ વળે નહિ. અને સૂવરનું માંસ ખાય પણ જો ઈશ્વરમાં મન રહે, તો એ વ્યક્તિ ધન્ય! સમય આવતાં એને ઈશ્વર-પ્રાપ્તિ થશે જ. હાજરા આટલા જપ તપ કરે, પરંતુ એમાંય સોદો કરવાના પ્રયાસમાં હોય.

એટલે કેપ્ટન કહે કે ‘હાં, વો ભી બાત સચ્ચી હૈ!’ એટલે મેં કહ્યું કે આ હમણાં જ તો તમે બોલ્યા કે બધા પુરુષો રામના અંશ હોવાથી રામરૂપ અને બધી સ્ત્રીઓ સીતાના અંશરૂપ હોવાથી સીતારૂપ! અને વળી પાછા એમ વાત કરો છો?

‘કેપ્ટન કહે કે વાત તો ખરી, પણ તમેય તો સૌને એકસરખા ચાહતા નથી!

‘મેં કહ્યું કે ‘આપો નારાયણ:। જળ નારાયણ સ્વરૂપ ખરું; પણ કોઈ જળ પી શકાય, કોઈ માત્ર નહાવાના કામમાં જ લેવાય, ને કોઈકથી કેવળ શૌચાદિ જ કરી શકાય. અહીંયાં આ જે તમારી પત્ની અને છોકરીઓ બેઠી છે તેમને હું તો જોઉં છું કે સાક્ષાત્ આનંદમયી ભગવતી!

‘એટલે કેપ્ટન કહેવા લાગ્યા, ‘હાં, હાં, વો બરાબર હૈ!’

ત્યારે વળી મારા પગ પકડવા જાય!’ એમ કહીને ઠાકુર હસવા લાગ્યા.

હવે ઠાકુર કેપ્ટનમાં કેટલા ગુણ એ કહે છે.

શ્રીરામકૃષ્ણ – કેપ્ટનમાં ઘણાય ગુણ. એ રોજ નિત્ય-કર્મ કરે. પોતે જ દેવપૂજા કરે. અને સ્નાનના કેટલા બધા મંત્રો! કેપ્ટન ખૂબ મોટા કર્મકાંડી; પૂજા, જપ, આરતી, પાઠ, સ્તુતિ વગેરે કેટલાંય નિત્ય-કર્મો કરે.

(કેપ્ટન અને પાંડિત્ય – કેપ્ટન અને ઠાકુરની અવસ્થા)

હું કેપ્ટનને વઢવા લાગ્યો; કહ્યું કે ‘વાંચી વાંચીને જ તમે બધું બગાડ્યું છે! હવે વધુ વાંચવાનું મૂકી દો.’

મારી અવસ્થા વિશે કેપ્ટન કહેતા કે આપનો ‘ઉડ્યમાન’ (ઊડતાં પંખી જેવો) ભાવ! જીવાત્મા અને પરમાત્મા. જીવાત્મા જાણે કે એક પંખી અને પરમાત્મા જાણે કે આકાશ, ચિદાકાશ. કેપ્ટન કહે કે તમારો જીવાત્મા ચિદાકાશમાં ઊડી જાય એટલે સમાધિ.

શ્રીરામકૃષ્ણ (હસીને) – કેપ્ટન બંગાળીઓની નિંદા કરીને કહે કે ‘બંગાળીઓ બુદ્ધિહીન! પાસે રત્ન (શ્રીરામકૃષ્ણરૂપી) રહ્યું છે, તો પણ પારખી ન શક્યા!’

(ગૃહસ્થ ભક્ત અને ઠાકુર શ્રીરામકૃષ્ણ – કર્મ કેટલા દિવસ?)

‘કેપ્ટનનો બાપ મોટો ભક્ત હતો. અંગ્રેજોની ફોજમાં સૂબેદાર હતો. યુદ્ધક્ષેત્રમાં પણ પૂજાનો વખત થાય ત્યારે પૂજા કરતો. એક હાથે શિવ-પૂજા અને બીજે હાથે તલવાર-બંદૂક!

(માસ્ટરને) પરંતુ તમે જાણો છો? રાતદિવસ સંસાર-વહેવાર! બૈરીછોકરાં ઘેરીને બેઠાં જ હોય. જ્યારે જાઉં ત્યારે એ જ જોઉં. વળી માણસો હિસાબના ચોપડા વચ્ચે વચ્ચે લાવે. ક્યારેક ક્યારેક તેનું ઈશ્વરમાંય મન જાય! જેમ તાવથી લવારીએ ચડેલો રોગી. તાવનું ઘેન ચડેલું જ હોય. તેમાં વળી ક્યારેક ક્યારેક ઘેન ભાંગે ત્યારે ‘પાણી પીવું છે, પાણી પીવું છે’ એમ બરાડી ઊઠે. પણ વળી પાણી લાવતાંમાં બેહોશ થઈ જાય, કશાનું ભાન ન રહે! એટલા માટે મેં એમને કહ્યું કે ‘તમે મોટા કર્મકાંડી.’ એ પરથી કેપ્ટન મને કહે કે ‘જી, મને આ પૂજા વગેરે કરવામાં આનંદ આવે છે. જીવોને કર્મો વિના બીજો ઉપાય નથી.’

‘મેં કહ્યું કે પણ કર્મો શું કાયમ કર્યા કરવાં? મધમાખી ગણગણ ક્યાં સુધી કરે? જ્યાં સુધી ફૂલ ઉપર બેઠી ન હોય ત્યાં સુધી. મધ પીવા માંડે એટલે ગણગણાટ બંધ થઈ જાય. કેપ્ટન કહે કે આપની પેઠે અમે શું પૂજા અને બીજાં કર્મોનો ત્યાગ કરી શકીએ? પણ એના બોલવાનું ઠેકાણું નહિ. ક્યારેક કહેશે કે ‘આ બધું જડ,’ તો ક્યારેક કહેશે કે ‘આ બધું ચૈતન્ય.’ હું કહું કે ‘જડ વળી શું? બધુંય ચૈતન્ય!’

(પૂર્ણ અને માસ્ટર – પરાણે લગ્ન અને શ્રીરામકૃષ્ણ)

ઠાકુર પૂર્ણની વાત માસ્ટરને પૂછે છે.

શ્રીરામકૃષ્ણ – પૂર્ણને હજી એક વખત મળું તો મારી વ્યાકુળતા જરા મોળી પડે. એ કેવો ચતુર! તેનું મારા પ્રત્યે ખૂબ ખેંચાણ છે. એ કહે કે મનેય છાતીમાં કંઈક કંઈક થાય આપને મળવા સારુ. (માસ્ટરને) તમારી સ્કૂલમાંથી એને ઉઠાડી લીધો છે એથી શું તમને કંઈ વાંધો આવશે કે?

માસ્ટર – જો એ (વિદ્યાસાગર) કહેશે કે તમારે લીધે એને સ્કૂલમાંથી ઉઠાડી લીધો છે તો મારી પાસે જવાબ દેવાનો રસ્તો છે.

શ્રીરામકૃષ્ણ – શું કહેશો?

માસ્ટર – એમ કહીશ કે સાધુ-સંગમાં ઈશ્વર-ચિંતન થાય. એ તો ખરાબ કામ નથી. અને આપે જે પુસ્તક ભણાવવા માટે મંજૂર કર્યું છે તેમાં જ છે કે ‘ઈશ્વરને પ્રાણપૂર્વક ચાહવો.’

એ સાંભળીને ઠાકુર હસવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ – કેપ્ટનને ઘેર છોટા નરેનને બોલાવ્યો. કહ્યું કે ‘તારું ઘર ક્યાં? ચાલ જઈએ!’ એ કહે કે ‘ચાલો’. પણ બીતો બીતો સાથે ચાલવા લાગ્યો, પાછો તેનો બાપ જાણી જાય તો? (સૌનું હાસ્ય).

(અખિલ બાબુના પાડોશીને) હેં ભાઈ, તમે ઘણો વખત થયા આવ્યા નથી. સાત આઠ મહિના થયા હશે.

પાડોશી – જી, વરસ એક થયું હશે.

શ્રીરામકૃષ્ણ – તમારી સાથે બીજો એક જણ આવતો!

પાડોશી – જી, હા. નીલમણિ બાબુ.

શ્રીરામકૃષ્ણ – એ કેમ આવતા નથી? એક વાર એમને આવવાનું કહો, તેની સાથે મને મેળાપ કરાવી દો. (પાડોશીની સાથે આવેલા છોકરાને જોઈને) આ છોકરો કોણ?

પાડોશી – આ છોકરાનું ઘર આસામમાં.

શ્રીરામકૃષ્ણ – આસામ ક્યાં આવ્યું? કઈ બાજુએ?

દ્વિજ આશુની વાત કરે છે. આશુના પિતા આશુને પરણાવવા માગે છે. આશુની પરણવાની ઇચ્છા નથી.

શ્રીરામકૃષ્ણ – જુઓ જુઓ; એ છોકરાની ઇચ્છા નથી તોય પરાણે એને પરણાવે છે!

ઠાકુર એક ભક્તને તેના મોટાભાઈની સેવા કરવાનું કહે છે.

કહે છે કે ‘મોટાભાઈ પિતાતુલ્ય, એની આજ્ઞા બરાબર માનવી.’

Total Views: 473
ખંડ 46: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે ભક્તોના ઘરે - રામના ઘરે
ખંડ 47: અધ્યાય 2 : શ્રીરામકૃષ્ણ અને શ્રીરાધિકાતત્ત્વ - જન્મમૃત્યુ-તત્ત્વ