શ્રીરામકૃષ્ણ એક બે ભક્તો સાથે ઓરડામાં બેઠા છે. સમય સાંજના પાંચ. ગુરુવાર, શ્રાવણ વદ બીજ, ૨૭મી ઓગસ્ટ, ૧૮૮૫.

ઠાકુરના ગળાની માંદગીની શરૂઆત થઈ છે. છતાંય ભક્તો કોઈ આવે ત્યારે શરીરને શરીર ગણે નહિ. કાં તો આખો દિવસ તેમની સાથે વાતો કર્યા કરે, તો ક્યારેક વળી ગીત ગાય.

શ્રીયુત્ મધુ ડૉક્ટર મોટે ભાગે હોડી ભાડે કરીને ઠાકુરની સારવાર માટે આવે. ભક્તો ખૂબ જ ચિંતાતુર થયા છે. તેમની ઇચ્છા કે મધુ ડૉક્ટર રોજ આવીને તપાસે. માસ્ટર ઠાકુરને કહે છે કે એ ઘણા અનુભવી માણસ, એ રોજ આવીને તપાસે તો સારું થાય.

પંડિત શ્યામાપદ ભટ્ટાચાર્યે આવીને ઠાકુરને પ્રણામ કર્યા. એમનો નિવાસ આંટપુર ગામમાં. સંધ્યા થવાની તૈયારી જોતાં પંડિત ‘સંધ્યા કરવા જાઉં’ એમ કહીને ગંગાતીરે ચાંદની (નામના મંડપવાળા) ઘાટે ગયા.

સંધ્યા કરતાં કરતાં પંડિતને કંઈક નવાઈભર્યું દર્શન થયું. સંધ્યા પૂરી થઈ એટલે ઠાકુરના ઓરડામાં આવીને નીચે બેઠા. ઠાકુર જગદંબાનું નામ-સ્મરણ અને ચિંતન કરી રહ્યા પછી પોતાના આસન પર જ બેઠેલા છે. પગ લૂછવાના ઉંબરિયા ઉપર માસ્ટર બેઠા છે. લાટુ, રાખાલ વગેરે ઓરડામાં આવજા કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને, પંડિતને દેખાડીને) – આ એક સારા માણસ. (પંડિતને) ‘નેતિ’ ‘નેતિ’ કરીને જ્યાં મનની શાંતિ થાય, ત્યાં જ એ (ઈશ્વર).

(ઈશ્વરદર્શનનાં લક્ષણ અને પંડિત શ્યામાપદ – સમાધિ અવસ્થામાં)

‘સાત દેવડીની પછી રાજા છે. પહેલી દેવડીએ જઈને જુએ છે તો એક ઐશ્વર્યવાન પુરુષ કેટલાય માણસોની સાથે બેઠો છે; ખૂબ ઝાકઝમક! રાજાને જે મળવા ગયો છે તેણે પોતાના સાથીદારને પૂછ્યું, ‘રાજા આ કે?’ સાથીદારે જરાક હસીને કહ્યું, ‘ના.’

‘બીજી દેવડીએ અને ત્યાર પછીની બધી દેવડીઓએ પણ એમ જ કહ્યું. જુએ છે તો જેમ આગળ જાય તેમ વધુ ઐશ્વર્ય અને ઝાકઝમક! સાતે દેવડી પાર થઈને જ્યારે જોયું, ત્યારે પછી સાથીદારને પૂછવાનું જ રહ્યું નહિ! પેલો રાજાનું અતુલ ઐશ્વર્ય જોઈને મોઢું ફાડીને ઊભો જ રહી ગયો! સમજ્યો કે આ જ રાજા! એ બાબતમાં પછી કશોય સંદેહ રહ્યો નહિ!

(ઈશ્વર માયા અને જીવજગત – અધ્યાત્મ રામાયણ – યમલાર્જુનનું સ્તવન)

પંડિત – માયાનું રાજ્ય છોડીને ગયા પછી પરમાત્માને જોઈ શકાય.

શ્રીરામકૃષ્ણ – પરમાત્માના સાક્ષાત્કારની પછી વળી જુએ કે આ માયા, જીવ, જગત એ પરમાત્મા પોતે જ થઈ રહેલ છે. આ સંસાર ધોખાની ટટ્ટી, સ્વપ્નવત્ એવું ભાન થાય, જ્યારે ‘નેતિ’ ‘નેતિ’ વિચાર કરે ત્યારે. પરમાત્માનાં દર્શનની પછી પાછો આ સંસાર આનંદની કુટિર!’

‘એકલું શાસ્ત્રો ભણ્યે શું વળે? પંડિતો માત્ર ચર્ચા કરે.’

પંડિત – મને તો કોઈ પંડિત કહે તો સૂગ ચડે!

શ્રીરામકૃષ્ણ – એ પ્રભુની કૃપા! પંડિતો કેવળ ચર્ચા કરે. પરંતુ કોઈએ દૂધ વિશે સાંભળ્યું છે, તો કોઈએ દૂધને જોયું છે. સાક્ષાત્કારની પછી બધું નારાયણ રૂપે જોવું. નારાયણ જ બધું થઈ રહ્યા છે.

પંડિત નારાયણની સ્તુતિ સંભળાવી રહ્યા છે. ઠાકુર આનંદમાં મગ્ન.

પંડિત – સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ।

ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ॥ (ગીતા.૬.૨૯)

શ્રીરામકૃષ્ણ – આપે અધ્યાત્મ-રામાયણ વાંચ્યું છે?

પંડિત – જી હા, જરા જોયું છે.

શ્રીરામકૃષ્ણ – એમાં જ્ઞાન, ભક્તિ ભરપૂર ભર્યાં છે. શબરીનું ઉપાખ્યાન, અહલ્યાની સ્તુતિ વગેરે બધાં ભક્તિથી ભરપૂર.

‘પરંતુ એક વાત છે. ઈશ્વર સંસારી બુદ્ધિથી ખૂબ દૂર.’

પંડિત – જ્યાં સંસારી બુદ્ધિ, ત્યાંથી એ ‘સુદૂરમ્,’ અને જ્યાં સંસારી બુદ્ધિ નહિ, ત્યાં એ ‘અદૂરમ્.’ ઉત્તરપાડાના એક જમીનદાર મુખર્જીને જોઈ આવ્યો; તેને બુઢાપો આવ્યો છે, તો પણ કેવળ નોવેલોની જ વાતો સાંભળ્યા કરે છે!

શ્રીરામકૃષ્ણ – અધ્યાત્મ-(રામાયણ)માં બીજું એક કહ્યું છે કે પરમાત્મા જ જીવ જગત!

પંડિત આનંદમાં આવી જઈને એ ભાવની યમલાર્જુનની એક સ્તુતિ શ્રીમદ્ ભાગવત, દશમ-સ્કંધમાંથી બોલી બતાવે છે :

‘કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન્ ત્વમાદ્યઃ પુરુષઃ પરઃ।

વ્યક્તાવ્યક્તમિદં વિશ્વં રૂપં તે બ્રાહ્મણા વિદુઃ॥

ત્વમેકઃ સર્વભૂતાનાં દેહેષ્વાત્મેન્દ્રિયેશ્વરઃ।

ત્વમેવ કાલો ભગવાન વિષ્ણુરવ્યય ઈશ્વરઃ।

ત્વં મહાન્ પ્રકૃતિઃ સૂક્ષ્મા રજઃ સત્ત્વતમોમયી॥

ત્વમેવ પુરુષોઽધ્યક્ષઃ સર્વક્ષેત્રવિકારવિત્॥

(શ્રીરામકૃષ્ણ સમાધિસ્થ – આંતરિક ધ્યાન જપ કરવાથી આવવું જ પડે)

ઠાકુર સ્તુતિ સાંભળીને સમાધિ-મગ્ન, ઊભેલી સ્થિતિમાં! પંડિત બેઠેલા છે. પંડિતના ખોળામાં અને છાતીએ એક ચરણ રાખીને ઠાકુર હસી રહ્યા છે.

પંડિત ચરણ ધારણ કરીને બોલે છે, ‘ગુરો ચૈતન્યં દેહિ!’ ઠાકુર નાની પાટની પાસે પૂર્વાભિમુખ થઈને ઊભેલા છે.

પંડિત ઓરડામાંથી ચાલ્યા ગયા પછી ઠાકુર માસ્ટરને કહે છે, ‘હું જે જે કહું છું તે મળે છે ને? જેઓએ અંતઃકરણથી ધ્યાન-જપ કર્યાં હશે, તેઓને અહીં (મારી પાસે) આવવું જ પડશે.

રાતના દસ વાગ્યા. ઠાકુર થોડીક રવાની ખીર ખાઈને સૂતા છે.

મણિને કહે છે, ‘પગે હાથ ફેરવી દો તો!’

થોડી વાર પછી શરીરે અને છાતીએ હાથ ફેરવી દેવાનું કહે છે.

થોડું સાધારણ ઊંઘ્યા પછી મણિને કહે છે, ‘તમે હવે સૂઓ; જોઉં એકલો રહ્યે જો ઊંઘ આવે તો.’

ઠાકુર રામલાલને કહે છે, ‘ઓરડાની અંદર આ (મણિ) અને રાખાલ સૂશે તો ચાલશે.’

Total Views: 586
ખંડ 50: અધ્યાય 6 : શ્રીરામકૃષ્ણ ગિરીશ, શશધર પંડિત વગેરે ભક્તો સાથે
ખંડ 50: અધ્યાય 8 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્રિસ્ત (Jesus Christ)